તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
પીએમજેએવાય-મા યોજનામાં જબરૂ કોભાંડ આચરતાં નિહિત બેબીકેર હોસ્પિટલને ૬ાા કરોડ રૂપિયાનો દંડ
લક્ષ્મીનગરમાં આવેલી હોસ્પિટલમાં ડો. હિરેન મશરૂએ સાજા નરવા નવજાત બાળકોને પણ ગંભીર બિમારી હોવાના ખોટા રિપોર્ટ ઉભા કરી દાખલ કરાવી કોભાંડ આચર્યુ હોવાનો પર્દાફાશ થયા બાદ સરકારના આરોગ્ય વિભાગે કરી આકરી કાર્યવાહી : આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો. કે. એચ. મિશ્રાએ આ હોસ્પિટલને પીએમજેએવાય-મા યોજનામાંથી પણ સસ્પેન્ડ કરીઃ શહેરભરના તબિબી આલમમાં ચકચાર

રાજકોટ તા. ૨૭: શહેરનાં લક્ષ્મીનગર મેઇન રોડ ત્રિશુલ ચોકમાં આવેલી નિહિત બેબીકેર હોસ્પિટલને પીએમજેએવાય-મા યોજના અંતર્ગત કોભાંડ આચરવા બદલ રાજ્યના આરોગ્ય વિભાગે અધધધ ૬ કરોડ ૫૪ લાખ ૭૯ હજારનો દંડ ફટકારતાં શહેરભરના તબિબી આલમમાં ચકચાર જાગી છે. ડો. હિરેન મશરૂની આ હોસ્પિટલને સુચના આપવા છતાં પુનઃ યોજનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. યોજનાની માર્ગદર્શિકા મુજબ અપ કન્ડીંગ/અનબન્ડલીંગ/અનનેસેસરી પ્રોસીડયુસર અન્વયે ૧૧૬ કેસો રીજેક્ટ કરવા અને તેની પ્રી-ઓથ એપ્રુવ્ડપ્રુ રકમ રૂા. ૬૪,૫૭,૯૫૦ ઉપર ૧૦ ગણી પેનલ્ટી રકમ રૂા. ૬,૫૪,૭૯,૫૦૦ રીકવરી મોડયુલમાંથી રીકવર કરવા આદેશ કરાયો છે. આ હોસ્પિટલને પીએમજેએવાય-મા યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. જો ક્લેઇમનું પેમેન્ટ થઇ ગયું હશે તો એ પણ પરત કરવાનો આદેશ થયો છે.
વધુ માહિતી મુજબ આયુષ્માન યોજના હેઠળ વધારે રૂપિયા મળે તે માટે સ્વસ્થ અને તંદુરસ્ત નવજાતના શરીરમાં છ-છ દિવસ નળીઓ અને સિરિન્જ ભોંકાવી રાખી કરોડો રૂપિયાની કાળી કમાણી કરતા લક્ષ્મીનગરમાં ત્રિશુલ ચોકમાં આવેલી નિહિત બેબીકેર હોસ્પિટલના તબીબ ડો. હિરેન મશરૂનાં કાળા કરતૂતો બહાર આવ્યાં હતાં. નવજાત બાળકને કોઈપણ પ્રકારની બીમારી ન હોવા છતાં સાચા રિપોર્ટમાં છેડછાડ કરી તેમાં નવજાતને ગંભીર બીમારી છે તેવા નકલી રિપોર્ટ તૈયાર કરી આયુષ્માન યોજના હેઠળ લાભો મેળવી લઇ કોભાંડ આચરવામાં આવ્યાનો અગાઉ પર્દાફાશ થયો હતો. આ કોભાંડ અંતર્ગત અંતે સરકારના આરોગ્ય વિભાગે આકરા પગલા લીધા છે અને આ હોસ્પિટલને રૂા. ૬, ૫૪, ૭૯, ૫૦૦નો દંડ ફટકારી હોસ્પિટલને પીએમજેએવાય-મા યોજનામાંથી પણ સસ્પેન્ડ કરી દીધી છે. આ કાર્યવાહીને કારણે શહેરભરના તબિબી વર્તુળોમાં ચકચાર મચી ગઇ છે.
આયુષ્યમાન યોજના હેઠળ અનેક પ્રકારની બીમારીઓ આવરી લેવાઈ છે. આ પૈકી નવજાત બાળકોને કમળો, ઈન્ફેક્શન, ગેસ, ન્યુમોનિયા જેવા રોગ થાય અને એનઆઈસીયુમાં રાખવા પડે તો તેની પણ જોગવાઈ છે. આ કારણે નવજાતની સારવારનો ખર્ચ પરિવારની માથે આવતો નથી અને તેનો જીવ પણ બચાવી શકાય છે. નવજાતના કિસ્સામાં સૌથી ગંભીર સ્થિતિ એ હોય છે કે તેને શું દર્દ થાય છે તે જણાવી શકતું નથી. આ બાબતનો ફાયદો રાજકોટના લક્ષ્મીનગર મેઈન રોડ પર આવેલી નિહિત બેબીકેર હોસ્પિટલના ડો. હિરેન મશરૂએ ઉઠાવ્યો હતો. અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી તેમને ત્યાં નિદાન માટે આવતા બાળકો અથવા તો પ્રસૂતિ બાદ સીધા ગાયનેક રીફર કરે તે કેસમાં તેમણે કૌભાંડનો નવો રસ્તો અપનાવ્યો હતો.
જે તે પરિવાર પાસે આયુષ્માન કાર્ડ છે કે નહિ તેની ખરાઈ કરવામાં આવતી હતી અને બાદમાં. નવજાતના સેમ્પલ લઈને મંગલમ લેબોરેટરીમાં મોકલવામાં આવે અને જ્યારે રિપોર્ટ આવે અને તેમાં કોઇ સમસ્યા ન હોય તો ડો.મશરૂ તે રિપોર્ટમાં ચેડાં કરી એડિટિંગ કરી તેના આંકડા ફેરવી ઈન્ફેક્શન બતાવી નવજાતને ૭થી ૧૦ દિવસ એનઆઈસીયુમાં દાખલ કરાવી દે છે. ત્યારબાદ આ ડોકયુમેન્ટ તેઓ આયુષ્માન યોજના કે જે પીએમજેએવાય તરીકે ઓળખાય છે તેના પોર્ટલમાં અપલોડ કરી મંજૂરી મેળવી લે છે. મંજૂરી મળતા પ્રતિ દિવસ તેમને નવથી દસ હજાર રૂપિયા મેળવવામાં આવતા હોવાનો પર્દાફાશ થયો હતો. એવુ પણ સામે આવ્યું હતું કે લેબ રિપોર્ટમાં જ ચેડાં કર્યા બાદ તેમણે એક્સ-રેમાં પણ આવી જ ચીટિંગ થતી હતી. લેબ કર્મચારી સાથેનો આ ડોક્ટરનો ઓડિયો પણ વાયરલ થયો હતો. બે વર્ષ જૂના એક નવજાતને રોગનું નિદાન થયાનું એક્સ રેની પ્લેટના ફોટો લઈ તેમાં નામ કાઢી તેનો ફરી ફોટો પાડી બાળકને સમસ્યા હોવાનું બતાવી તેની પણ સારવારના પૈસા મેળવી લીધાનો ચોંકાવનારો આરોપ લગાવાયો હતો.
દરમિયાન આરોગ્ય વિભાગે આ હોસ્પિટલ સામે આકરા પગલા લીધા છે અને રૂા. ૬,૫૪,૭૯,૫૦૦ની રીકવરી કાઢી છે. તેમજ હોસ્પિટલને પીએમજેએવાય-મા યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગના અધિક નિયામકશ્રી ડો. કે. એચ. મિશ્રાએ લેખિતમાં નિહિત બેબીકેર હોસ્પિટલના ડો. હિરેન મશરૂને આ આદેશ કર્યો છે. હોસ્પિટલનાં તબીબ ર્ડા. હિરેન મશરૂએ આઠેક મહિનામાં રૂા. સવા બે કરોડથી વધુનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. તેમજ ૫૨૩ દર્દીઓના ખોટા રિપોર્ટ બનાવી કરોડોનું કૌભાંડ આચર્યું હોવાનો પણ પર્દાફાશ થયો હતો. જે તે વખતે ડોક્ટરે પોતે નિર્દોષ છે અને તે સ્ટાફ દ્વારા જ આક્ષેપો વહેતા કરી દર્દીના સગા સાથે મળી પોતાને બ્લેક મેઇલ કરવામાં આવી રહ્યાના ગાણા ગાયા હતાં. પરંતુ હવે આરોગ્ય વિભાગે સાડા છ કરોડનો દંડ ફટકારી રીકરવી કાઢતાં ડોક્ટરે કોભાંડ આચર્યાનો પર્દાફાશ થયો છે. (
રાજકોટમાં આ પહેલો મોટો દંડ છે, જે જરૂરી હતો જેથી બીજી હોસ્પિટલો ભુલ ન કરેઃ જિલ્લા આરોગ્ય અધિકારી પી. કે. સિંઘ
પીએમજેએવાય એક પવિત્ર યોજના છે જે ગરીબો માટે ખુબ ઉપયોગી છે
રાજકોટ તા. ૨૮: જીલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારી પી. કે. સિંઘે જણાવ્યું હતું કે નિહિત બેબીકેર હોસ્પિટલમાં પીએમજેએવાય-મા યોજના કાર્ડનું કોભાંડ આચરાયું હોવાની ધ્યાને આવતાં તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ બાદ કમિટીએ નિર્ણય કરી દસ ગણી પેનલ્ટી ફટકારવામાં આવી છે. રાજકોટમાં આ એવો પહેલો મોટો દંડ છે, જે જરૂરી હતો. જેથી કરીને બીજા કોઇ હોસ્પિટલના સંચાલકો આવી ભુલ ન કરે. આ પવિત્ર યોજના છે, આ ફક્ત યોજના નથી, ગરીબ માણસને ગરીબીમાંથી બહાર લાવવાની તક છે. દરરોજ ત્રણસો દર્દીઓ આ યોજનાનો લાભ લઇ રહ્યા છે. પવિત્રતા સાથે ઉપયોગ થાય તો ખુબ ઉપયોગી છે. ગરબડી ધ્યાને આવતાં મેં અને ટીમે તપાસ કરી હતી. જેનું પરિણામ સામે છે. ખોટુ કરનારા સામે સરકાર ચોક્કસ પગલા લેતી હોય છે. નિહિત બેબીકેર હોસ્પિટલના સંચાલકે ૧૧૬ કેસો કે જે લેબોરેટરીમાંથી આવેલા રિપોર્ટમાં છેડછાડ કરી ખોટુ કર્યુ હતું. શ્રી સિંઘે જણાવ્યું હતું કે યોજના હેઠળ જો કોઇને અન્ય હોસ્પિટલમાં પણ આ પ્રકારની ગેરરીતિ થતી હોવાનું માલુમ પડે તો અમારું ધ્યાન દોરવું જેથી પગલા લઇ શકાય.
દંડ ન ભરે તો જપ્ત સુધીની આકરી કાર્યવાહી થઇ શકે
ઞ્જ હોસ્પિટલને જે દંડ ફટકારવામાં આવ્યો છે તે દંડ ભરવા માટે તેને કોઇ મુદ્દત અપાઇ નથી. પણ વાજબી સમય મર્યાદામાં જો દંડ ન ભરે તો ફોજદારી પગલા કે જવાબદારોની મિલ્કત જપ્તી સુધીની કાર્યવાહી થઇ શકે છે. તેમ સરકારી સુત્રો જણાવે છે.
૧૬૬ કેસમાં ગેરરીતિ માલુમ પડતાં ૧૦ ગણી પેનલ્ટી ગણી વસુલાત કરવા આદેશ થયો
નિહિત બેબીકેર હોસ્પિટલનું રજીસ્ટ્રેશન પણ રદ થઇ શકે
રાજકોટઃ રાજય સરકાર દ્વારા પીએમજે વાય યોજના અંતર્ગત દર્દીઓને રૂપિયા ૧૦ લાખ સુધીનું કવચ આપવામાં આવે છે પરંતુ કેટલીક હોસ્પિટલો દ્વારા આ યોજનાનો ખોટો લાભ લેવા માટે દાખલ થતા દર્દીઓને વધુ દિવસ હોસ્પિટલમાં રાખી અને સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવતી હોય છે. આવુ જ કોભાંડ લક્ષ્મીનગર મેઈન રોડ પર, ત્રિશુલ ચોકમાં આવેલ ડો.હિરેન મશરૂની નિહિત બેબીકેર હોસ્પિટલ દ્વારા આચરાયું હોવાનું સામે આવતાં આરોગ્ય કમિશનરની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવતા ૧૧૬ કેસમાં ગેરરીતિ માલુમ પડતાં રૂપિયા ૬.૫૪ કરોડની પેનલ્ટી ફટકારવામાં આવી છે. ખોટા રીપોર્ટ બનાવી અને સરકાર દ્વારા પીએમજેએવાય-મા યોજનાની રૂપિયા ૧૦ લાખની સહાય મેળવવા માટે ખોટા રીપોર્ટ બનાવી અને સરકાર પાસેથી વધુ નાણા વસુલ કરવામાં આવ્યા હતા. ૧૧૬ કેસમા ગેરરીતિ થઈ હોવાનું પ્રકાશમાં આવતા આરોગ્ય વિભાગ દ્વારા રૂપિયા ૬૫ લાખ વસુલ કરવા માટે સરકારને ભલામણ કરવામાં આવતા રાજયના આરોગ્ય વિભાગ દ્વારા ૧૦ ગણી પેનલ્ટી ગણી અને રૂપિયા ૬.૫૦ કરોડની પેનલ્ટી ફટકારી છે. સંભવતઃ આ હોસ્પિટલનુ રજીસ્ટ્રેશન પણ રદ કરવામાં આવશે તેમ આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.
(3:04 PM IST)










