તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th June 2024
સદર હરિહર ચોકમાં વર્ષો જુના ઘોડા ગાડી સ્ટેન્ડ પાછળનો મેટલીંગનો ભાગ બેસી ગયો
મનપા ઇજનેરો કહે છે, ઉંદરોના ભોણથી આ ભાગ બેસી ગયાનું દેખાયુ : તાત્કાલીક તોતીંગ હોર્ડીંગનો માચડો ઉતારાયો : નવા સ્લેબ કલવર્ટ માટે બજેટમાં ૧.૩૦ કરોડની જોગવાઇ છે

રાજકોટ તા. ૨૮ : શહેરના સદર વિસ્તારના હરિહર ચોકમાં આવેલા વર્ષો જૂના ઘોડાગાડી સ્ટેન્ડ પાછળનો ભાગ બેસી જતા મનપા તંત્ર દ્વારા તાબડતોબ આ તોતીંગ હોર્ડીંગ બોર્ડ ઉતારી દેવામાં આવી છે. આ વિસ્તારના વોંકળાના સ્લેબ કલવર્ટ માટે આ વર્ષના બજેટમાં જ રૂા. ૧.૩૦ કરોડની જોગવાઇ છે.
આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ શહેરના વોર્ડ નં. ૭માં આવેલ હરિહર ચોક વિસ્તારમાં ઘોડા ગાડી સ્ટેન્ડ પાછળનો નાનો મેટલીંગનો ભાગ બેસી જતા આસપાસના ધંધાર્થીઓ ફફડાટ વ્યાપી ગયો હતો. આ અંગેની જાણ મ્યુનિ.તંત્રને થતાં રાત્રે જેસીબી મંગાવીને ભયગ્રસ્ત ભાગનું લેવલીંગ કરવામાં આવ્યું હતું. આ સ્થળે બે તોતિંગ હોર્ડિંગ્સ બોર્ડ પણ ઉભા હોય, તેને ઉતારવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.કોર્પોરેશનના ઈજનેરોના જણાવ્યાનુસાર વોકળાં નીચે ઉંદરોનો ત્રાસ ખૂબ જ હોય તેઓએ ઠેક-ઠેકાણે દર પાડ્યાં હોવાના લીધે આસપાસની જમીનમાં પોલાણ થઈ ગયું છે, જેને લેવલીંગ દ્વારા ઠીક કરવામાં આવ્યું છે.
(4:38 PM IST)










