<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

કાંગશિયાળી ગામની ખેતીની જમીન માલીકની જાણ બહાર વેચી નાખવાનો કારસોઃ શાપર પોલીસને ફરીયાદ

જમીન માલીકની સહિ-સંમતિ વગર જાહેર નોટીસ છપાવતા જમીન માલીક દ્વારા ગુનો નોંધવા ફરીયાદ અરજી

રાજકોટ તા. ર૮ :.. લોધીકા તાલુકાના કાંગશિયાળી ગામે રહેતા રતિલાલ ડાયાભાઇ રૂપાપરાએ તેની માલીકીની કાંગશિયાળીયાના રે. સ. નં. ૯૬ માં (જુના રે.સ.નં. ર૧ પૈકી ૮) ની જમીન બાબતે અકિલા દૈનિકમાં તેની જાણ બહાર એડવોકેટ પ્રકાશ પી. ચાવડા ઓ. નં. ૩૦૬-૩૦૭ સ્‍પાયર-ર શિતલ પાર્ક ચોક ૧પ૦ ફુટ રીંગ રોડ દ્વારા જાહેર નોટીસ પ્રસિધ્‍ધ કરાવી. તેમના અસીલ વતી આપેલ જાહેર નોટીસ અન્‍વયે પોતાની જાણ બહાર વકીલે આપી જાહેર નોટીસ આપ્‍યાનું જણાવીને એડવોકેટ પ્રકાશભાઇ પી. ચાવડા વિરૂધ્‍ધ શાપર વેરાવળ પોલીસ સ્‍ટેશનના પી. આઇ. સમક્ષ ફરીયાદ અરજી આપીને આ અંગે યોગ્‍ય કાર્યવાહી કરી તપાસ કરવાની માંગણી કરી છે.

ફરીયાદ અરજીમાં જણાવ્‍યા પ્રમાણે ઉપરોકત સ્‍થળે ઓફીસ ધરાવતા એડવોકેટ પ્રકાશભાઇ ચાવડાના નામની ગઇકાલે તા. ર૭-૬-ર૪ નાં રોજ જાહેર નોટીસ ‘અકિલા' દૈનિકમાં પ્રસિધ્‍ધ થયેલ જે અંગે રતિલાલ ડાયાભાઇ રૂપાપરાએ શાપર-વેરાવળ પોલીસ સ્‍ટેશનના પી. આઇ. ને તેમની માલીકીની ખેતીની સદરહું જમીન વેંચાણ અંગે પોતે કોઇ ઉપરોકત વકીલને સંમતિ આપેલ નથી. તેમજ અમો વર્ષોથી આ જમીનનો વારસાઇ હકકની રૂઇએ કબ્‍જો ભોગવટો ધરાવીએ છીએ.

અરજીની વિગતમાં રતિલાલભાઇએ જણાવેલ છે કે, અમે આ જાહેર નોટીસ પ્રસિધ્‍ધ કરવા કોઇ સુચના આપી નથી. તે અંગે સહિ કરેલ નથી કે અંગુઠાની છાપ મારેલ નથી. અમારી ઓળખનો આધાર પણ અમોએ કોઇને આપેલ નથી.

અરજીમાં રતિલાલભાઇએ દહેશત વ્‍યકત કરેલ છે કે, અમારી જમીનના ટાઇટલ ખરાઇ  કરવા ૭/૧ર ના કાગળો કાઢી પ્રકાશભાઇ ચાવડા મારફત જાહેર નોટીસ આપેલ છે. અમારી જાણ બહાર આ જમીન આપીને વેચવા બોગસ ડોકયુમેન્‍ટો ઉભા કરેલ હોય આ પ્રકારનો ગંભીર ગુના અંગે તટસ્‍થ તપાસની જરૂર હોય ઉપરોકત વકીલ સામે અમારી અરજી ઉપરથી ગુનો દાખલ કરી તાત્‍કાલીક કાર્યવાહી કરવા. પોલીસ સ્‍ટેશનમાં અરજી કરીને અરજ ગુજારી છે.

(3:59 PM IST)