<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th June 2024

એ-ડિવીઝન કોઠારીયા ચોકીના પીએસઆઇ બી. એચ. પરમારને ચાલુ પરેડમાં હાર્ટએટેક

એન્‍જીયોગ્રાફીમાં હાર્ટની એક નળીમાં બ્‍લોકેજ આવતાં ટેન્‍ટ બેસાડાયું: તબિયત સ્‍વસ્‍થ : પરેડના નિયમો હળવા કરવા જોઇએઃ સોશિયલ મિડીયામાં મેસેજ ફરતો થયો

રાજકોટ તા. ૨૯: હૃદય રોગના હુમલાના બનાવો સતત વધી ગયા છે. દરમિયાન આજે શહેર પોલીસમાં ફરજ બજાવતાં એક પીએસઆઇને પોલીસ હેડ ક્‍વાર્ટર ખાતે પરેડ કરતી વખતે ચાલુ પરેડમાં હાર્ટએટેક આવી જતાં તુરત જ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ તત્‍કાળ તેમની એન્‍જીયોગ્રાફીમાં  એક નળીમાં બ્‍લોકેજ આવતાં ટેન્‍ટ બેસાડાયું હતું. હવે તેમની તબિયત ભયમુક્‍ત હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ શહેરમાં એ-ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતાં પીએસઆઇ બી. એચ. પરમાર (ઉ.વ.૫૧) આજે સવારે પોલીસ હેડક્‍વાર્ટર ખાતે પરેડમાં ગયા હોઇ ત્‍યાં દોડતી વખતે એકાએક તબિયત બગડતાં ઢળી પડયા હતાં. છાતીમાં દુઃખાવાની ફરિયાદને પગલે તુરત જ તેમને સાથી કર્મચારીઓ દ્વારા સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. ત્‍યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં રીફર કરાયા હતાં.

અહિ તેમના પર એન્‍જીયોગ્રાફી કરવામાં આવતાં હાર્ટની એક નળી બ્‍લોક હોવાનું તબિબી નિદાન થતાં તુરત જ ટેન્‍ટ બેસાડવામાં આવ્‍યું હતું. પીએસઆઇ બી. એચ. પરમાર મુળ મહેસાણાના વતની છે. બે વર્ષથી રાજકોટ ફરજ બજાવે છે અને એક વર્ષથી કોઠારીયા નાકા ચોકીમાં તેઓ ફરજ બજાવે છે. બનાવની જાણ તેમના પરિવારજનોને કરવામાં આવી હતી. ઉચ્‍ચ અધિકારીઓ પણ હોસ્‍પિટલે દોડી ગયા હતાં. ટેન્‍ટ બેસાડાયા બાદ તબિયત સ્‍વસ્‍થ હોવાનું જણાવાયું હતું.

દરમિયાન સોશિયલ મિડીયામાં મેસેજ વાયરલ થયો હતો કે પોલીસ ફોર્સમાં પરેડ એ જવાનોના સ્‍વાસ્‍થ્‍ય માટે સારી બાબત છે પરંતુ અઠવાડીએ બે દિવસ પરેડ હોય તો તે યોગ્‍ય છે. રૂટીન કામગીરી અને કામના ભારણ વચ્‍ચે દરરોજ પરેડ લેવામાં આવે તો પોલીસ કર્મચારીઓને શારીરિકની સાથે માનસિક થાક પણ લાગતો હોય છે. રાજ્‍યના અમદાવાદ, વડોદરા, સુરત એમ કોઇ શહેરમાં દરરોજ પરેડ લેવાતી નથી. રાજકોટમાં જ શા માટે? પુર્વ પોલીસ કમિશનરે લાગુ પાડેલા આ નિયમમાં હાલના પોલીસ કમિશનરશ્રી ઘટતુ કરે તેવી ટકોર આ મેસેજમાં કરવામાં આવી હતી.

(2:54 PM IST)