તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th June 2024
માતાએ લિકવીડ પીધું પછી બે વર્ષની દિકરીને બાથમાં દબાવી સુઇ ગઇઃ માસુમ જીયાનું મોત
રાજકોટના કણકોટ રોડ પર શ્યામલ ઉપવન પાછળ ફલોર પ્લાઇન બલોકમાં ચોંકાનવારી ઘટના : માતા નમ્રતા સારવાર હેઠળઃ દસ મહિના પહેલા કેવીન જસાણી સાથે બીજા લગ્ન કર્યા છેઃ જિંદગીથી કંટાળી ગયાનું રટણ કર્યુઃ દિકરી આગલા ઘરની હતીઃ મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયુઃ ઘટનાથી અરેરાટી : નમ્રતાએ પતિને ફોન કરી કહ્યું-તમે જલ્દી ઘરે આવોઃ તે શાપરના પડવાલાથી ઘરે પહોંચ્યો દિકરી બેભાન અને પત્નિ અર્ધબેભાન હતી

રાજકોટ તા. ૨૯: શહેરના મવડીના કણકોટ રોડ પર શ્યામલ ઉપવનની પાછળ આવેલા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. જેમાં ૨૯ વર્ષિય પરિણીતાએ કપડા ધોવાનું લિકવીડ પી લીધા બાદ પોતાની બે વર્ષની દિકરીને બાથમાં લઇ સુઇ જતાં આ માસુમ ફુલડા જેવી બાળાનું મોત થયું હતું. જ્યારે તેણીને સારવાર માટે દાખલ કરવામાં આવી છે. દસ મહિના પહેલા બીજા લગ્ન કરનારી આ પરિણીતાને આ આગલા ઘરની દિકરી હતી. પોતે જિંદગીથી કંટાળી ગયાનું રટણ કર્યુ હતું. દિકરીનું મોત માતાની બાથમાં દબાતાં શ્વાસ રૃંધાવાથી થયું કે તેણીને પણ લિકવીડ પીવડાવાયું હતું? તે જાણવા પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળ કાર્યવાહી થશે.
જાણવા મળ્યા મુજબ કણકોટ રોડ શ્યામલ ઉપવન પાછળ ફલોર પ્લાઇન બ્લોક નં. ઇ-૩૦૨માં રેહતી નમ્રતાબેન કેવીનભાઇ જસાણી (ઉ.વ.૨૯) નામની પરિણીતાએ ગઇકાલે બપોરે બે વાગ્યા પછી કોઇ લિકવીડ પી લીધા બાદ પોતાની દિકરી જીયા કેવીનભાઇ જસાણી (ઉ.વ.૨)ને બાથમાં લઇ સુઇ જતાં બંનેની હાલત બગડી જતાં સારવાર માટે વોકહાર્ટ હોસ્પિટલમાં મા-દિકરીને ખસેડવામાં આવી હતી. પરંતુ અહિ માસુમ દિકરી જીયાનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે માતા નમ્રતાબેનને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.
બનાવની જાણ હોસ્પિટલના તબિબે તાલુકા પોલીસને કરતાં પીએસઆઇ એલ. બી. ડીંડોર અને જયદિપભાઇ દેવમુરારીએ હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. જીયાનું મોત શ્વાસ રૃંધાવાથી થયું કે પછી તેણીને કોઇ પ્રવાહી પીવડાવાયું હતું? તે જાણવા મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયું છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ નમ્રતાબેનના માવતર બોટાદના પાજોટ ગામે રહે છે. તેણીના પ્રથમ પતિ સાથે છુટાછેડા થઇ ગયા બાદ દસ મહિના પહેલા રાજકોટના કેવીનભાઇ જસાણી સાથે બીજા લગ્ન કર્યા છે. મૃત્યુ પામનાર જીયા નમ્રતાબેનની આગલા લગ્નથી જન્મેલી દિકરી હતી. કેવીનભાઇ જસાણી શાપરના પડવલામાં નટ બોલ્ટનું ધરાવે છે. કેવીનભાઇએ પોલીસને કહ્યું હતું કે હું ગઇકાલે બપોરે બે આસપાસ કારખાને હતો ત્યારે પત્નિ નમ્રતાએ ફોન કરી તમે જલ્દી ઘરે આવો એવી વાત કરી ફોન કટ કરી નાખતાં હું તુરત જ રાજકોટ આવવા નીકળી ગયો હતો. ઘરે પહોંચ્યો ત્યારે દિકરી બેભાન હતી અને પત્નિ અર્ધબેભાન મળી હતી. તેને શું થયું પુછતાં પોતે લિકવીડ પી ગયાનું અને બાદમાં જીયાને બાથમાં લઇ સુઇ ગયા પછી જીયા બેભાન થઇ ગયાનું જણાવ્યું હતું. મા-દિકરી બંનેને હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પણ જીયાનું સારવાર દરમિયાન મોત થયું હતું. જિંદગીથી પોતે કંટાળી ગયાનું નમ્રતાબેને રટણ કર્યુ હતું.
માસુમ જીયાના મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થયા પછી તેના મોતનું કારણ બહાર આવ્યે પોલીસ આગળ કાર્યવાહી કરશે. આ બનાવથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
(9:35 AM IST)










