<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

રાજકોટ માર્કેટયાર્ડના નવા પદાધિકારીઓ પસંદ કરવા બુધવારે બપોર પછી સેન્‍સ

નિરીક્ષક તરીકે અમીબેન પરિખ, પ્રદીપ ખીમાણી અને હસમુખ હિંડોચાની નિમણુંક ચેરમેનપદ માટે ૩ નામો ચર્ચામાં: વાઇસ ચેરમેન પદ માટે વેપારી વિભાગમાં હિલચાલ

રાજકોટ તા. ૧: ભાજપના પ્રભુત્‍વ હેઠળની રાજકોટની બેડી માર્કેટયાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની અઢી વર્ષની મુદત પૂરી થતા નવા પદાધિકારીઓ પસંદ કરવા તા. પ જુલાઇએ સવારે ૧૧ વાગ્‍યે ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી અધિકારી તરીકે જામનગર જિલ્લા રજીસ્‍ટ્રાર શ્રી નિર્મળસિંહ ગોહિલ રહેશે. ભાજપે સેન્‍સ લઇને નવા પદાધિકારીઓ પસંદ કરવાની પધ્‍ધતિ અપનાવી છે.

પ્રદેશ ભાજપ દ્વારા નિરીક્ષક તરીકે જામનગરના પૂર્વ મેયર અમીબેન પરિખ, જામનગર શહેર ભાજપના પૂર્વ પ્રમુખ હસમુખ હિંડોચા અને જુનાગઢ કોર્પોરેશનની સ્‍ટેન્‍ડિંગ કમીટીના ભૂતપૂર્વ ચેરમેન શ્રી પ્રદીપ ખીમાણીની નિમણુંક કરવામાં આવી છે. તેઓ તા. ૩ બુધવારે બપોર પછી જિલ્લા કાર્યાલય ખાતે સેન્‍સ લેશે. યાર્ડના ડીરેકટરો, ધારાસભ્‍યો, સાંસદો અને સંબંધિત તાલુકામાં રહેતા પ્રદેશ-જિલ્લાના હોદેદારોની સેન્‍સ લેવામાં આવશે.

યાર્ડના ચેરમેન પદ માટે વર્તમાન ચેરમેન જયેશ બોઘરાનું નામ સૌથી મોખરે છે. પરસોતમ સાવલિયા અને વિજય કોરાટનું નામ પણ ચર્ચામાં છે. ભાજપમાં જુથવાદનો પ્રભાવ સેન્‍સ વખતે પડવાની શકયતા છે. હાલ વાઇસ ચેરમેન પદે વસંતભાઇ પટેલ છે. ભાજપના અમૂક આગેવાનો વેપારી વિભાગના ૧ ડીરેકટરો પૈકી કોઇને વાઇસ ચેરમેન પદ માટે દાવેદાર  બનવા ‘પ્રેરણા' પૂરી પાડી રહ્યાનું જાણવા મળે છે.

(1:23 PM IST)