તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 1st July 2024
સતત ધમધમતાં યાજ્ઞીક રોડ પર રમકડાના વેપારી પર હુમલો કરનારા ગુનેગારો પાંચમા દિવસે પણ પોલીસ પક્કડથી દૂર
કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને પડકારઃ નવા પોલીસ કમિશનર ગુનેગારો પર ધાક બેસાડે તેવી લોકોની માંગણી : ઉત્તમ ટોયઝવાળા વેપારી નજક ઓંધીયા દૂકાનની સામેના ભાગે કારમાં પાઉચ મુકી બહાર નીકળતાં જ એકસેસ પર આવેલા શખ્સો પાઇપથી હુમલો કરી ભાગી ગયાઃ સીસીટીવીમાં ઘટના કેદ થઇઃ પોલીસ હવે હોટેલના કેમેરા ચેક કરશેઃ સતત બની રહેલી સરાજાહેર હુમલાની ઘટનાઓથી વેપારીઓ-પ્રજાજનોમાં ફફડાટ

જેના પર ૨૭મીએ રાતે દૂકાનની સામે જ હુમલો થયો તે પત્રકાર નવનીતરાય ઓંધીયાના પુત્ર વેપારી જનકભાઇ ઓંધીયા, તેમની દૂકાન અને જ્યાં હુમલો થયો તે ઇમ્પિરીયલ હોટેલ પાસેનું કાર પાર્કિંગ સ્થળ જોઇ શકાય છે
રાજકોટઃ તા. ૨૯: શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખખડીને ખાડે ગઇ હોય તેવો અનુભવ રાજકોટના રહેવાસીઓને થઇ રહ્યો છે. સરાજાહેર હુમલા, મારામારીની ઘટનાઓ સતત વધી ગઇ છે. પોલીસનો ગુનેગારોને ડર જ રહ્યો ન હોય એ રીતે ગમે ત્યારે ગમે તેના પર હુમલા કરવામાં આવી રહ્યા છે. હત્યા, હત્યાના પ્રયાસના બનાવો પણ સતત બની રહ્યા છે. યાજ્ઞિક રોડ પર જ છેલ્લા કેટલાક સમયમાં મારામારી, હુમલા, બસ ચાલકો પર હુમલાની ઘટનાઓ બની ચુકી છે. આ દરમિયાન ચાર દિવસ પહેલા ૨૭મીએ રાતે અગિયારેક વાગ્યે યાજ્ઞીક રોડ પર ઇમ્પીરીયલ પેલેસ હોટલના ગેઇટ પાસે જ રમકડાના વેપારી જનકભાઇ નવનીતરાય ઓંધીયા (ઉ.વ.૩૦-રહે. એમ્પાયર એપાર્ટમેન્ટ ફલેટ નં. ૮, ત્રીજો માળ, જાગનાથ-૨૧) પર એકસેસ પર આવેલા બે અજાણ્યા શખ્સો પાઇપથી હુમલો કરી ભાગી ગયા હતાં. આ બનાવના પાંચમા દિવસે પણ આરોપીઓ પોલીસ પક્કડથી દૂર છે.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે જાગનાથ પ્લોટ શેરી નં. ૧ માં આવેલા એમ્પાયર એપાર્ટમેન્ટ ફલેટ નં. ૮ માં રહેતા અને ડો. યાજ્ઞિક રોડ પર ધ ઇમ્પિરીયલ પેલેસ હોટેલ સામે યુએલ-૬ કોમ્પલેક્ષમાં ઉત્તમ ટોયઝ નામે દૂકાન ચલાવતાં જનકભાઇ નવનીતરાય ભાઇ ઓંધીયા (ઉ.વ. ૩૦)ની ફરિયાદ પરથી નંબર વગરના એકસેસ પર આવેલા બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ મારામારીનો ગુનો નોંધ્યો હતો. વિરપુરના પત્રકારન નવનીતલા ઓંધીયાના પુત્ર એવા વેપારી જનકભાઇ ઓંધીયાએ જણાવ્યું હતું કે ૨૭/૬ના રાતે અગિયારેક વાગ્યે પોતે પોતાની દુકાન વધાવી પત્નિ સાથે વોકીંગમાં જવું હોઇ જેથી પોતાની પાસેનું રોકડનું પાઉચ ધ ઇમ્પીરીયલ પેલેસ હોટલના આઉટ સાઇડના ગેઇટ પાસે પાર્ક કરેલી પોતાની કારમાં મુકવા ગયા હતાં.
કારમાં પાઉચ મુકી બહાર આવતાં જ અજાણ્યા શખ્સો ટુવ્હીલર પર આવ્યા હતાં અને એક શખ્સે વાહન ચાલુ રાખ્યું હતું તેમજ બીજાએ પાઇપથી હુમલો કરી પોતાને હાથ-પગમાં ઘા ફટકારી દીધા હતાં. કંઇપણ બોલ્યા વગર આ બંનેએ હુમલો કર્યો હતો. દેકારો મચી જતાં દૂકાન પાસેથી બીજા લોકો દોડી આવતાં આ બંને ભાગી ગયા હતાં. બાદમાં પોતે પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. જે તે દિવસે માત્ર અરજી કરી હતી. ત્યારબાદ પોલીસ કમિશનરને મળીને ફરિયાદ દાખલ કરાવી હતી. એએસઆઇ કે. કે. માઢકે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તેને શોધી કાઢવા સીસીટીવી ફૂટેજ ચેક કરવા તજવીજ શરૂ કરી હતી. એ-ડિવીઝન પીઆઇ આર. જે. બારોટની રાહબરીમાં ડી. સ્ટાફની ટીમ પણ આ ગુનાનો ભેદ ઉકેલવા કામે લાગી છે.
આજે પોલીસ ઇમ્પિરીયલ પેલેસ હોટેલ તથા યાજ્ઞિક રોડ પર આરોપીઓ જે તરફ ભાગ્યા ત્યાં રસ્તા પર આવતાં કેમેરાઓ ચેક કરશે. દરમિયાન વેપારી જનકભાઇ ઓંધીયાએ રજૂઆત કરતાં જણાવ્યું છે કે પોતાને કોઇ સાથે દૂશ્મની નથી, લૂંટના ઇરાદે હુમલો થયાની પુરી શકયતા છે. ઘટનાને આજે પાંચમો દિવસ થઇ ગયો હોવા છતાં પોલીસ આરોપીને પકડી શકી ન હોઇ જેથી પોતે સતત ભય હેઠળ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ડો. યાજ્ઞિક રોડ પર છેલ્લા કેટલાક સમયમાં મારામારી હુમલાના અનેક બનાવો બની ચુકયા છે. ૨૭મીએ રાતે અગિયારેક વાગ્યે રોડ પર સતત ટ્રાફિક હતો તે વચ્ચે હુમલાખોરો પોતાના પર આડેધડ પાઇપના ઘા કરી ભાગી ગયા હતાં. પોલીસ સત્વરે તેને શોધી કાઢે તે જરૂરી છે.
શહેરમાં ગુનેગારો પરથી પોલીસની ધાક ઓસરી ગઇ હોય તેવી ઘટનાઓ સતત બની રહી છે. પોલીસનો ડર જ ન રહ્યો હોય એ રીતે સરાજાહેર મારામારી, હત્યા, હત્યાની કોશિષના બનાવો બની રહ્યા છે. દારૂ-જૂગારની પ્રવૃતિઓ પણ બેરોકટોક આગળ વધી રહી હોવાની જાગૃત નાગરિકો ફરિયાદ કરી રહ્યા છે. ત્યારે નવનિયુકત પોલીસ કમિશનર બ્રજેશ ઝા, એડીશનલ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા ગુનેગારોની ગુનાખોરી કાબૂમાં આવે તેવી કડક કામગીરી પોતાની ટીમો પાસે કરાવડાવે તે જરૂરી હોવાની રાજકોટવાસીઓની માગણી છે.
(3:57 PM IST)










