<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

બજેટમાં મંજુર થયેલ કામો કયાં પહોંચ્યા ? સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે માહિતી મેળવી

શાખા અધિકારીઓ સાથે બેઠકઃ વિવિધ વિકાસ કામો, પ્રોજેકટો, તથા યોજાઓ વહેલી તકે શરૂ કરવા તાકિદ મેયર, કોર્પોરેટરોની ગ્રાન્ટની રકમ વધારાઇ : પ્રથમવાર ત્રણ ઝોનના ડે. મ્યુ. કમિશનરને પણ વિકાસ કામો માટે ૧પ લાખની ફાળવણી

રાજકોટ,૧ : મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે સ્ટે કમિટી દ્વારા મંજૂર કરવામાં આવેલ બજેટના અનુસંધાને સ્ટેેન્ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા ગત સપ્તાહે તમામ લગત શાખાધિકારીઓ સાથે બજેટની અમલવારીના સ્ટેટસ રિવ્યુ અંગે મીટીંગ કરવામાં આવેલી. જે બજેટમાં તમામ સીટી એન્જીનીયર, આસી. કમિશનર, લાયબ્રેરીયન, મેનેજરઓ (તમામ), ગાર્ડન ડાયરેકટર તથા આરોગ્ય અધિકારી સાથે બજેટમાં મંજૂર થયેલ તથા બજેટમાં સૂચવેલા કામો હાલ કયા તબક્કે છે, તથા કયા કામો કઈ સમય મર્યાદામાં પૂર્ણ થશે, જે અંગે સ્ટે કમિટી ચેરમેન દ્વારા વિસ્તૃત માહિતી મેળવવામાં આવી હતી. 

સ્ટે કમિટી દ્વારા બજેટમાં મંજૂર થયેલ સૌથી મહત્વની યોજનાઓ પૈકીની કોર્પોરેટરઓને પોતાના વોર્ડમાં ફાળવવામાં આવતી વિકાસ કામો માટેની વાર્ષિક ગ્રાન્ટ રૂ. ૧૫ લાખમાં રૂ.૫લાખ નો વધારો કરી, ચાલુ બજેટથી આ ગ્રાન્ટ રૂ.૨૦લાખ પ્રતિ કોર્પોરેટર દીઠ ફાળવવામાં આવેલ છે. તેમજ માનનીય મેયરને વિકાસ કામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટની રકમ રૂ.૬લાખથી વધારી રૂ.૮લાખ, ડેપ્યુટી મેયર, સ્ટે કમિટી ચેરમેનને વિકાસ કામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટની રકમ રૂ.૪.૫ લાખ  થી વધારી રૂ.૬ લાખ ફાળવવામાં આવેલ છે. આ ઉપરાંત શહેરના ત્રણેય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પોત પોતાના કાર્યક્ષેત્રના ઝોનમાં વિકાસ કામો માટે સૌપ્રથમ વખત રૂ.૧૫ લાખની ગ્રાન્ટ ફાળવવાની પ્રથા પણ શરૂ કરવામાં આવેલ છે.

સ્ટે કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્વારા આવનારા દિવસોમાં બજેટમાં મંજૂર થયેલ કામોની સમીક્ષા તથા બજેટમાં ઉમેરવામાં આવેલ નવી યોજનાઓના અમલીકરણ માટે લગત અધિકારીઓ સાથે સમયાંતરે બજેટ અન્વયે કરેલ કામગીરી અંગે બેઠક કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

(4:02 PM IST)