તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 1st July 2024
પૂરથી સંપર્ક વિહોણા બનેલા લાઠ, ભીમોરા ગામે ફસાયેલા પરીક્ષાર્થીઓને વહીવટી તંત્રએ સલામત રીતે બહાર કાઢ્યા
લાઠ-ભીમોરા ગામમાં વરસાદી પાણીથી રસ્તો બંધ થતાં ગામેથી તાલુકા મથકે કોલેજમાં પરીક્ષા માટે જવા માગતા કોલેજીયન છાત્રો અટવાયા હતા

ઉ૫લેટા તાલુકા તથા આજુબાજુ વિસ્તારોમાં 30મી જૂને રાતે ધોધમાર વરસાદ વરસતાં તાલુકાના લાઠ તથા ભીમોરા ગામે જવાના રસ્તા પર બેઠા પુલ પર પૂરના પાણી ફરી વળ્યા હતા. આથી આ ગામો તાલુકા મથકથી સંપર્ક વિહોણા બન્યા હતા.
જેના પગલે કોલેજના પરીક્ષાર્થીઓ ભીમોરામાં ફસાતાં, તાલુકા વહીવટી તંત્રએ તેમને સલામત રીતે ભારે વાહનમાં પુલ પાર કરાવીને પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડ્યા હતા. આમ આપદા પ્રબંધન સાથે વહીવટી સજાગતા અને સંવેદનશીલતાનું ઉદાહરણ જિલ્લા વહીવટી તંત્રે પૂરું પાડ્યું હતું.
ગત રાતે ઉપલેટા તાલુકામાં ભારે વરસાદથી લાઠ તથા ભીમોરા ગામનો સંપર્ક-વાહન વ્યવહાર પૂરના પાણીથી કપાયો હતો. આજે સવારે આ અંગેની જાણ થતાં જ તાલુકા વહીવટી તંત્રે સ્થાનિક આગેવાનો સાથે ટેલિફોનીક સંપર્ક કર્યો અને ગામની સ્થિતિ જાણી હતી. જેમાં લાઠ-ભીમોરા ગામમાં વરસાદી પાણીથી રસ્તો બંધ થતાં ગામેથી તાલુકા મથકે કોલેજમાં પરીક્ષા માટે જવા માગતા કોલેજીયન છાત્રો અટવાયા હોવાની માહિતી સામે આવી હતી.
આ માહિતી ઉપલેટા મામલતદાર એમટી ધનવાણીને મળતાં જ તેમણે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી તથા ધોરાજી પ્રાંત અધિકારી જેએન લિખિયાનો સંપર્ક કરી ઉ૫રોકત વિગતોથી અવગત કર્યા હતા.
આ પરિસ્થિતિની ગંભીરતા ધ્યાને લઈને વિદ્યાર્થીઓ ૫રીક્ષાથી વંચિત ન રહે તથા તેમનું ભવિષ્ય બગડે નહીં તેવા હેતુથી જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન મુજબ, ધોરાજી પ્રાંત અધિકારી ધોરાજી ખાતે સ્ટેન્ડ બાય સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસ.ડી.આર.એફ.)ને તાત્કાલિક ઉ૫લેટા તાલુકાના લાઠ-ભીમોરા ગામે રવાના કરાવી હતી
(7:28 PM IST)










