<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd July 2024

ભાસ્‍કર-પરેશ અપહરણ કાંડના આરોપીઓ વિરૂધ્‍ધ કોર્ટે તહોમતનામુ ફરમાવાયું

ર૪ વર્ષો બાદ કેસ ચાર્જફ્રેમ થતાં કેસની ટ્રાયલ શરૂ કરાઇઃ આજે ભાસ્‍કર-પરેશની જુબાની માટે ટેલીફોનીક સમન્‍સની બજવણીઃ કુલ ૪૭ આરોપીઓની સંડોવણીઃ કેસ ચાલતા દરમ્‍યાન ૧૧ના મરણ થયાઃ ત્રાસવાદી આફતાબ અંસારી અને વિશાલ માડમને કોર્ટમાં હાજર રખાયાઃ બે આરોપી એન્‍કાઉન્‍ટરમાં માર્યા ગયા હતાં

રાજકોટ તા. રઃ સમગ્ર ગુજરાત ભરમાં વર્ષો પહેલા ચકચાર જગાવનાર ભાસ્‍કર-પરેશ અપહરણ કેસમાં અધિક સેસન્‍સ જજ શ્રી ડી. એસ. સિંઘની કોર્ટમાં ૪૭ આરોપીઓ વિરૂધ્‍ધ કોર્ટે તહોમતનામું ફરમાવી કેસને ચાર્જફ્રેમ કરીને કેસની ર૪ વર્ષ બાદ કોર્ટમાં સુનાવણી શરૂ થયેલ છે.

બહુચર્ચિત આ અપહરણ કાંડનો બનાવ તા. ૧ર-૧૧-ર૦૦૦નાં રોજ બનેલ હતો. રાત્રીના ૩ વાગ્‍યાના અરસામાં ભાસ્‍કર-પરેશનું ર૦ કરોડની ખંડણી લેવાના કારણે અપહરણ કરાયાનું બહાર આવતાં રાજકોટ સહિત સમગ્ર ગુજરાત-સૌરાષ્‍ટ્રમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.

આ બનાવને ર૪ વર્ષ થયાં પછી પણ કોર્ટમાં કેસ શરૂ થયો નહોતો ગઇરાત્રે આ કેસમાં કોર્ટે કેસ ચાર્જફ્રેમ કરીને આરોપીઓ વિરૂધ્‍ધ તહોમતનામું ફરમાવેલ છે.

કોર્ટમાં જે ચાર્જશીટ કરાયું છે તેમાં ૧પ૪ વિટનેશ દર્શાવાયા છે. તા. ર૬/૧૧/ર૦૦૦નાં રોજ આ બનાવની માલવીયા નગર પોલીસ સ્‍ટેશનમાં એફ.આઇ.આર. નોંધાઇ હતી.

અત્‍યાર સુધીમાં પોલીસે જે જે આરોપીઓની ધરપકડ કરી તેવા આરોપીઓ સામે અલગ-અલગ સમયે આઠ સપ્‍લીમેન્‍ટરી ચાર્જશીટ કોર્ટમાં રજુ કર્યા હતાં.

અદાલતે આ તમામ ચાર્જશીટને એક કરીને તમામ આરોપીઓ સામે કેસની ટ્રાયલ શરૂ કરી છે. છેલ્લા ર૪ વર્ષમાં ૪૭ આરોપીઓની નામાવલી જાહેર થયેલ છે. ૧૧ આરોપીઓના મરણ થયેલ છે, ત્રણ આરોપીઓ હજુ પણ ભાગેડુ છે. જેઓની સામે ધરપકડ સહિત કલમ ૮ર હેઠળની કાર્યવાહી ચાલુ હોવાનું જાણવા મળે છે.

આજથી ર૪ વર્ષ પહેલા રાજકોટમાં બનેલી આ ઘટનાએ સમગ્ર ગુજરાતભરમાં ખળભળાટ મચાવી દીધો હતો.

આ કેસના બે આરોપીઓ રાજશી હાથીયા મેર અને આરીફ રઝાંકખા ના એન્‍કાઉન્‍ટર થયાં હતાં. ભાસ્‍કર-પરેશ અપહરણ બાદ તે સમયે ર૦ કરોડ જેવી મોટી રકમની ખંડણી મંગાઇ હતી.

આ કેસમાં ત્રાસવાદી મનાતા આફતાબ અંસારી તેમજ વિશાલ માડમ સહિતના આરોપીની સંડોવણી બહાર આવી હતી. આ બંનેને પણ કોર્ટમાં હાજર રખાયા હતા.

આ કેસમાં આજે જેઓનું અપહરણ થયેલ તે ભાસ્‍કર અને પરેશને ટેલીફોનીક સમન્‍સની બજવણી કરાઇ છે. અને આજે તેઓને જુબાની માટે કોર્ટમાં હાજર રહેવા જણાવાયું છે.

આ કેસમાં સરકારપક્ષે એ.પી.પી. મહેશભાઇ જોષી તેમજ બચાવ પક્ષે લલિતસિંહ શાહી, પિયુષભાઇ શાહ, સુરેશ ફળદુ, કીરીટ નકુમ વિગેરે રોકાયા છે.

(1:41 PM IST)