તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 2nd July 2024
રિસામણે બેઠેલી પત્નિ પાસેથી ૩ વર્ષના દિકરાને પિતાએ ખુંચવી રોડ પર લઇ જઇ માર માર્યો!
કુબલીયાપરાનો બનાવઃ માથા, વાંસામાં છરીના હાથા ફટકાર્યાઃ માસુમને સારવાર માટે દાખલ કરવો પડયોઃ કિરણ પરમારે કહ્યું-પતિ દારૂ પીને બાળકોને લેવા આવ્યો હતો, બે દિકરીને લઇ પોતે પુરાઇ ગઇ, દિકરો બહાર રહી જતાં મારકુટ થઇ

રાજકોટ તા. ૨: શહેરના કુબલીયાપરામાં સાસરૂ ધરાવતી પરિણીતા હાલ ત્રણ સંતાનોને લઇ થોરાળા વિસ્તારમાં ચારેક મહિનાથી માવતરે રિસામણે આવી હોઇ ગત રાતે તેણીનો પતિ દારૂ પીને ધસી આવતાં અને બાળકોને મારે લઇ જવા છે તેમ કહી બૂમબરાડા કરતાં પરિણીતા બે દિકરીઓને લઇને ગભરાઇને રૂમમાં પુરાઇ ગઇ હતી. ૩ વર્ષનો દિકરો બહાર રહી જતાં તેને તેના પિતાએ બહાર રોડ પર લઇ જઇ છરીના હાથાથી માથા, વાંસામાં મુંઢ માર મારતાં બાળકે દેકારો મચાવી મુક્યો હતો. લોકો ભેગા થઇ જતાં આ શખ્સને પકડી લીધો હતો. બાળકને સારવાર માટે ખસેડાયો હતો.
જાણવા મળ્યા મુજબ કુબલીયાપરા-૫માં સાસરૂ ધરાવતી કિરણ વિજય પરમાર નામની મહિલા ચારેક મહિનાથી થોરાળા મેઇન રોડ પર કસ્તુરબા હરિજનવાસ પાસે પોતાના ભાઇ પ્રવિણભાઇ સોલંકીને ત્યાં રિસામણે આવી છે. તેણીને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર શિવમ (ઉ.વ.૩) છે. કિરણબેને જણાવ્યું હતું કે પતિ દારૂ પી માથાકુટ કરતો હોઇ પોતે રિસામણે આવી છે. રાતે નવેક વાગ્યે પતિ વિજય ફરી દારૂ પી મારા માવતરના ઘરે ધસી આવ્યો હતો અને ત્રણેય સંતાનને મારે લઇ જવા છે તેમ કહી બૂમબરાડા કરતાં પોતે ગભરાઇ જતાં બાળકોને લઇ રૂમમાં પુરાઇ ગઇ હતી. જેમાં બે દિકરીઓ સાથે આવી ગઇ હતી પણ ત્રણ વર્ષનો દિકરો શિવમ બહાર રહી ગયો હતો.
આ દિકરાને બાદમાં પિતા વિજય રાજેશ પરમાર રોડ પર લઇ ગયો હતો અને ત્યાં છરીના હાથાથી તેને માથા, વાંસામાં ઘા ફટકારતાં તેણે ચીસાચીસ કરી મુકી હતી. એ પછી બીજા લોકો અને માતા સહિતના દોડી આવતાં વિજયને પકડી લીધો હતો અને પોલીસને જાણ કરી હતી. શિવમને મારકુટ થઇ હોઇ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇ મકવાણાએ થોરાળા પોલીસને જાણ કરી હતી.
(3:11 PM IST)










