News of Tuesday, 2nd July 2024
ત્રણ વાહનની ઉઠાંતરી કરનાર રાહુલ ઉર્ફ ટકાને બી-ડિવીઝન પોલીસે દબોચ્યો
ફૂટપાથ રહેતો શખ્સ હેન્ડલ લોક વગરના વાહનો જ ઉઠાવતો હતો અગાઉ ઘરફોડ ચોરી, વાહનચોરી સહિતના ૧૦ ગુનાઓમાં સંડોવણીઃ પીઆઇ કે. જે. કરપડા, પીએસઆઇ કે. ડી. મારૂની ટીમની કામગીરી

રાજકોટ તા. ૨: શહેરમાં અલગ અલગ સ્થળેથી ત્રણ વાહનોની ચોરી કરનારા રાહુલ ઉર્ફ ટકો અશોકભાઇ વિકાણી (ઉ.વ.૨૧-રહે. હાલ લીમડા ચોકની ફૂટપાથ, મુળ રાતી દેવડી તા. વાંકાનેર)ને બી-ડિવીઝન પોલીસે પકડી લઇ રૂા. ૯૭ હજારના ત્રણ વાહનો કબ્જે કરી ભક્તિનગર, થોરાળા, તાલુકા પોલીસમાં નોંધાયેલા વાહનચોરીના ગુનાઓ ઉકેલ્યા છે.
આ શખ્સ અગાઉ વાંકાનેર તાલુકા, સીટી, રાજકોટ શહેરમાં બી-ડિવીઝન, એ-ડિવીઝન, માલવીયાનગર, ભક્તિનગર, બી ડિવીઝનમાં ઘરફોડ ચોરી, વાહન ચોરીના દસ ગુનાઓમાં સંડોવાઇ ચુક્યો છે. વાહન ચોરી, ચિલઝડપ, ઘરફોડ ચોરી સહિતના ગુનાઅ ઉકેલવા સુચના મળી હોઇ તે અંતર્ગત ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ડી. સ્ટાફના હેડકોન્સ. રાજેશભાઇ બાળા, કોન્સ. ભાનુશંકર ધાંધલા અને પંકજભાઇ માળીને મળેલી બાતમી પરથી કેસરી હિન્દ પુલ નીચે હનુમાનજીના મંદિર પાસેથી રાહુલ ઉર્ફ ટકાને પકડી લેવાયો હતો.
આ શખ્સ બે મહિનાથી રાજકોટની ફૂટપાથ પર રહે છે. રાત્રે કે દિવસના સમયે તે હેન્ડલ લોક ન હોય તેવા વાહનો તક જોઇને ઉઠાવી લઇ ડાયરેક્ટ કરી ચોરી લેતો હતો. પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી આર. એસ. બારીયાની સુચના અંતર્ગત પીઆઇ કે. જે. કરપડા, પીએસઆઇ કે. ડી. મારૂ, રાજેશભાઇ બાળા, ક્રિપાલસિંહ જાડેજા, લાલજીભાઇ હાડગડા, કોન્સ. ભાનુશંકર ધાંધલા, રાજદિપભાઇ પટગીર, પંકજભાઇ માળી, જયદિપસિંહ બોરાણા, પોપટભાઇ ગમારાએ આ કામગીરી કરી હતી.
હેડકોન્સ. રાજેશભાઇ બાળા, કોન્સ. ભાનુશંકર ધાંધલા, પંકજભાઇ માળીની બાતમી
(3:56 PM IST)










