News of Wednesday, 3rd July 2024
મનસુખ સાગઠીયાના ભાઇની ઓફિસમાંથી સીઝ થયેલી ૧૮ કરોડથી વધુની માલમત્તા ટ્રેઝરીમાં જમા કરાવાઇ
એન્ટી કરપ્શન બ્યુરોના ડીવાયએસીપી આશુતોષ પરમારના વડપણ હેઠળ ત્વરીત કામગીરીઃ ૬ દિવસના રિમાન્ડ પર સોંપાયેલા એમ. ડી. સાગઠીયાની વિસ્તૃત પુછતાછ હાથ ધરવામાં આવી

રાજકોટ તા. ૩: ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મુખ્ય જવાબદાર પૈકીના મનપાના પુર્વ ટીપીઓ મનસુખ ડી. સાગઠીયાના ભાઇની ઓફિસમાંથી એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કબ્જે કરવામાં આવેલી સોના-ચાંંદીના બિસ્કીટ, સોનાના બિસ્કીટ, ત્રણ કરોડની રોકડ સહિત ૧૮ કરોડની માલમત્તા ગઇકાલે જ પંચનામુ કરી સરકારી તિજોરીમાં જમા કરાવી દેવામાં આવી છે.
જેલમાંથી વિધીવત મનસુખ સાગઠીયાનો કબ્જો મેળવી એસીબી દ્વારા અપ્રમાણસર મિલ્કતના ગુનામાં તેની ધરપકડ કરાઇ હતી. તેની સામે નોંધાયેલા આ ગુના અંતર્ગત તેને રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતાં ૬ દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતાં. ડીવાયએસીપી આશુતોષ પરમારની આગેવાની હેઠળ ચાલી રહેલી તપાસમાં સાગઠીયાના ભાઇની ઓફિસમાંથી કોઇ દસ્તાવેજો મળી આવ્યા નથી. એસીબી દ્વારા પુરાવાની સાંકળ રચી વહેલી તકે ચાર્જશીટ કરવાની કાર્યવાહી આરંભી દેવામાં આવી છે.
એસીબીની ટીમે ગઇકાલે સાગઠીયાના ભાઇની ઓફિસમાંથી જે કરોડોની માલમત્તા કબ્જે કરી તે તેણે કેવી રીતે એકઠી કરી? બિલ્ડરો પાસેથી ચોક્કસ આર્કિટેક્ટ દ્વારા મનસુખ સાગઠીયા મોટા મોટા કામ પાર પાડતો હોવાનું જગજાહેર છે ત્યારે આ આર્કિટેક્ટની પણ આવતા દિવસોમાં પુછતાછ થાય તેવા અણસાર છે.
મનસુખ સાગઠીયા સામેની કોઇ ફરિયાદ હોય તો એન્ટી કરપ્શન બ્યુરોના ટોલ ફ્રી નંબર ૧૦૬૪, ફોન નંબર ૦૭૯ ૨૨૮૬૬૭૭૨, ફેક્સ નંબર ૦૭૯ ૦૦૬૮૯૨૨૮ ઉપર અથવા વ્હોટસએપ નંબર ૯૦૯૯૯ ૧૧૦૫૫ ઉપર માહિતી મોકલવા એન્ટી કરપ્શન દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે.
(2:05 PM IST)










