<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

લોહાનગરમાં નવોઢા દિવ્‍યા ઉધરેજીયાનો ગળાફાંસો ખાઇ આપઘાતઃ સાત મહિના પહેલા જ લગ્ન થયા'તા

પતિ સાથેની ચડભડ કારણભુત હોવાનું કથનઃ જામનગરના દરેડ ગામે માવતર ધરાવતી પરિણીતા ત્રણ ભાઇની એકની એક બહેન હતીઃ પરિવારજનોમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૩: શહેરના લોહાનગરમાં નવોઢાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. સાત મહિના પહેલા જ સંસાર જીવનની શરૂઆત કરનાર નવોઢાને એવુ તો શું દુઃખ પડયું કે જિંદગી ટુંકાવી લેવી પડી? તે અંગે પોલીસે તપાસ કરતાં પતિ-પત્‍નિ વચ્‍ચે સામાન્‍ય કલેશ હોવાની પ્રાથમિક વિગતો ખુલી હતી. જાણવા મળ્‍યા મુજબ ગોંડલ રોડ પર લોહાનગરમાં ચારબાઇના મંદિર પાસે રહેતી દિવ્‍યાબેન દેવજીભાઇ ઉધરેજીયા (ઉ.વ.૨૧) નામની પરિણીતાએ સવારે ઘરે લાકડાની આડીમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં પરિવારજનોને જાણ થતાં બેભાન હાલતમાં નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડી હતી. પરંતુ અહિ મૃત્‍યુ નિપજતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, તોૈફિકભાઇ જુણાચ, ભાવેશભાઇ મકવાણા, ધર્મેન્‍દ્રભાઇ હુદડે એ-ડિવીઝનમાં જાણ કરતાં પીએસઆઇ ગામેતી, એએસઆઇ કે. કે. માઢક સહિતે કાર્યવાહી હાથ ધરી હતી. આપઘાત કરનાર દિવ્‍યાબેનના લગ્ન સાત મહિના પહેલા જ થયા હતાં. તેણી પતિ, સાસુ, સસરા સાથે રહેતી હતી. પતિ કારખાનામાં મજૂરી કરે છે. તેણીના માવતર જામનગરના દરેડ ગામે રહે છે. તે ત્રણ ભાઇની એકની એક બહેન હતી. પતિ-પત્‍નિ વચ્‍ચે નજીવી વાતે રકઝક થતાં તેણીએ આ પગલુ ભર્યાનું જણાવાયું હતું. સ્‍પષ્‍ટ કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.

(2:08 PM IST)