<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

પીવા બેઠા પછી વિનોજે વધુ દારૂ માંગી ગાળો દેતાં બકાલી મિત્ર અજયએ પથ્‍થર ફટકારી ઢાળી દીધો'તો

હત્‍યા કર્યા બાદ રાધનપુર ભાગી ગયેલો અજય વાજેલીયા પરત ગ્રીનલેન્‍ડ ચોકડીએ આવતાં ક્રાઇમ બ્રાંચના એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ હુણ, પરમાર, ડોડીયા, સાકરીયાની ટીમોએ દબોચી લીધો

રાજકોટ તા. ૩: રૈયાધાર મચ્‍છુનગર આવાસ ક્‍વાર્ટરમાં રહેતાં વિનોજ (વિનોદ) દિનેશભાઇ રાફુચા (ઉ.વ.૨૨) નામના યુવાનની રવિવારે સાંજે રૈયાધાર ડ્રીમ સીટી નજીકના પટમાંથી હત્‍યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતાં યુનિવર્સિટી પોલીસ, ક્રાઇમ બ્રાંચ, એસઓજી, એલસીબીની ટીમો ભેદ ઉકેલવા કામે લાગી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી હત્‍યાનો ભોગ બનનાર વિનોજના જ મિત્ર એવા અજય ગોવિંદભાઇ વાજેલીયા (ઉ.વ.૨૨-રહે. મચ્‍છુનગર આવાસ ક્‍વાર્ટર સામે રૈયાધાર)ને દબોચી લીધો છે. બંને મિત્રો દારૂની મહેફીલ માણવા જ્‍યાં ઘટના બની તે સ્‍થળે બેઠા બાદ વિનોજે દારૂ પી લીધા પછી વધુ દારૂ માંગી ગાળો દેતાં મિત્ર અજયે ગાળો બોલવાની ના પાડતાં તેણે વધુ ગાળો દેતાં અજયે ઉશ્‍કેરાઇ જઇ પથ્‍થરના ઘા ફટકારી હત્‍યા કરી હોવાનું ખુલ્‍યું છે.

હત્‍યાનો ભેદ ઉકેલવા અલગ અલગ ટીમો કામે લાગી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાંચના હેડકોન્‍સ. કિરતસિંહ ઝાલા, રાજેશભાઇ જળુ, કોન્‍સ. મહાવીરસિંહ ચુડાસમા, કુલદીપસિંહ જાડેજાને મળેલી માહિતી પરથી અજયને ગ્રીનલેન્‍ડ ચોકડીએથી પકડી લીધો હતો. પુછતાછમાં અજયએ કહ્યું હતું કે પોતે અને વિનોજ મિત્ર હોઇ સાથે દારૂ પીવા બેઠા હતાં. પી લીધા પછી વિનોજે વધુ દારૂ માંગી ઝઘડો કરી ગાળો દીધી હતી. ના પાડવા છતાં ગાળો બોલતો હોઇ ગુસ્‍સો આવતાં પથ્‍થરના ઘા ફટકારી દીધા હતાં.

પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની રાહબરીમાં ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ. આર. ગોંડલીયાની ટીમના પીએસઆઇ એમ. જે. હુણ, ડી. સી. સાકરીયા, એ. એન. પરમાર, વી. ડી. ડોડીયા અને તેમની ટીમોએ આ કામગીરી કરી હતી. આરોપીનો કબ્‍જો યુનિવર્સિટી પોલીસ સંભાળી આગળ કાર્યવાહી કરશે. હત્‍યા બાદ અજય ચોટીલા, સુરેન્‍દ્રનગર થઇ મુળ વતન રાધનપુર પહોંચી ગયો હતો. ભીંસ વધતા પરત રાજકોટ આવતાં જ પકડી લેવાયો હતો. ઝડપાયેલો અજય બકાલાનો ધંધો કરે છે.

(2:38 PM IST)