<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

બિલ્‍ડીંગ રી-ડેવલપમેન્‍ટની યોજનાઓ અને તેમાંથી સર્જાતા પ્રસંગોને તાદ્રશ્‍ય કરતી ફિલ્‍મ ‘બિલ્‍ડર બોયઝ'

અલગ જ વિષય અને ભરપુર કોમેડી સાથેની ફિલ્‍મ દર્શકોને જરૂર પસંદ પડશે તેવો આશાવાદ વ્‍યકત કરતા કલાકારો રોનક કામદાર, શિવમ પારેખ અને ઇશા કંસારા : વિલન બિલ્‍ડરના પાત્રમાં શેખર શુકલે કમાલ સર્જી છે : પ જુલાઇથી ફિલ્‍મ રીલીઝ : ઓસ્‍ટ્રેલીયામાં પ્રિમિયર વખતે મળ્‍યો ભરપુર પ્રતિસાદ : ‘સપના સપના' અને ‘અમસ્‍તી રે' ગીતોએ મચાવી ધુમ

રાજકોટ તા. ૩ : હ્યુમર અને હાસ્‍યથી ભરપુર એવી ગુજરાતી ફિલ્‍મ ‘બિલ્‍ડર બોયઝ' આગામી તા. ૫ જુલાઇથી સીનેમા ઘરોમાં રીલીઝ થવા જઇ રહી છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ફિલ્‍મમાં મુખ્‍ય ભુમિકા ભજવતા રોનક કામદાર, શિવમ પારેખ અને ઇશા કંસારાએ જણાવ્‍યુ હતુ કે આ સાવ અલગ જ વિષય પર નિર્માણ પામેલી ફિલ્‍મ છે. જુના પુરાણા બિલ્‍ડીંગ હોય અને પછી તેને રી-ડેવલપમેન્‍ટ કરવાની વાત આવે ત્‍યારે શું શું વિટંબણાઓ સર્જાય છે અને તેનું કઇ રીતે સમાધાન આવે છે તે બધી જ બાબતો આ ફિલ્‍મમાં આવરી લેવામાં આવી છે.

ખાસ કરીને સોસાયટીમાં વર્ષોથી સાથે રહેતા જુદા જુદા પરિવારો કેવી વિચારધારા ધરાવતા હોય અને તેમનો કેવો સ્‍વભાવ હોય તે બાબતો ખુબ સરસ રીતે આ ફિલ્‍મમાં પ્રદર્શીત થઇ છે.

ટુંકમાં વાત કરીએ તો રોનક કામદાર વિરાજ દલાલની ભુમિકા છે. તેમના ખાસ મિત્ર એવા સીવીલ એન્‍જીનીયર ચિન્‍મયના પાત્રમાં શિવમ પારેખ છે. આ બન્ને મિત્રો સાથે મળીને એક બિલ્‍ડીંગના રી-ડેવલપમેન્‍ટની યોજના ઘડે છે. પછી તેને સાકર કરવા કામે લાગી જાય છે. વિરાજ દિવ્‍યા (ઇશાની કંસારા)ના સંપર્કમાં આવે છે અને પછી સર્જાય છે રોમાન્‍સ.

એમ તો વિલન તરીકે બિલ્‍ડરના પાત્રને શેખર શુકલે ખુબ સરસ ન્‍યાય આપ્‍યો છે. આ ઉપરાંત આ સ્‍ટારકાસ્‍ટ ફિલ્‍મમાં ભાવિની જાની, પ્રીમલ યાગ્નિક, કલ્‍પના ગજદેકર, હરેશ ડઘીયા, કુલદીપ શુકલ, હેમની ત્રિવેદી, પ્રમેલ યાજ્ઞિક, હેમીન ત્રિવેદી, સુનિલ વાઘેલા, મમતા ભાવસારે પણ અભિનયના ઓજસ પાથર્યા છે.

સંગીત સિધ્‍ધાર્થ ભાવસારે પીરસ્‍યુ છે. ફિલ્‍મના એક આલ્‍બમ સોંગ ઉપરાંત ‘સપના સપના' અને ‘અમસ્‍તી રે' ગીતો લોકહૈયે ચડી ચુકયા છે.

ફિલ્‍મનો પ્રિમિયર શો ઓસ્‍ટ્રેલીયામાં યોજાય જતા જબરદસ્‍ત પ્રતિસાદ મળ્‍યાની ખુશી રોનક કામદારે શેર કરી હતી.

ચાણકય પટેલ દ્વારા લિખિત અને ડીરેકટ થયેલ આ ફિલ્‍મ વ્‍હાઇટ એલિફન્‍ટ ફિલ્‍મસ અને નાઇન મ્‍યુઝિસ ક્રિએશન્‍સના બેનર હેઠળ પ્રોડયુસર સેતુ કુશાલ પટેલ અને નેહા રાજોરા દ્વારા પ્રોડયુસ કરવામાં આવી છે. ગીતો નિરેન ભટ્ટે લખ્‍યા છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ફિલ્‍મ અદાકારો રોનક કામદાર, શિવમ પારેખ અને ઇશા કંસારા નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:17 PM IST)