News of Wednesday, 3rd July 2024
શહેરનો વોર્ડ નં. ૮ સૌથી ચોખ્ખો-ચણાંક
મનપા દ્વારા સ્વચ્છતાના વિવિધ ૮ કેટેગરીના પ્રથમ-દ્વિતીય-તૃતીય ક્રમાંક જાહેરઃ સન્માન સ્વચ્છ હોસ્પીટલ, સ્વચ્છ હોટલ, સ્વચ્છ સ્કુલ, સ્વચ્છ સરકારી કચેરી, સ્વચ્છતા ચેમ્પીયન મેન-વુમન સહિતનાને સર્ટીફીકેટ આપી બિરદાવાયા

રાજકોટ, તા., ૩: સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ હોટલ, સ્વચ્છ હોસ્પિટલ, સ્વચ્છ સ્કુલ,સ્વચ્છ માર્કેટ એસોસિએશન,સ્વચ્છ સરકારી કચેરીઓ,સ્વચ્છ રેસીડેન્સ વેલ્ફેર એસોસિએશન/મોહલ્લા તથા સ્વચ્છ વોર્ડ, સ્વચ્છતા ચેમ્પિયન મેન/વુમેન વગેરે કેટેગરીમાં સ્વચ્છતા રેન્કિંગ સ્પર્ધાના વિજેતાઓ જાહેર કરી, સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪ને ધ્યાને લઇ સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારાસ્વચ્છ હોટલ,સ્વચ્છ હોસ્પિટલ,સ્વચ્છ સ્કુલ,સ્વચ્છ માર્કેટ એસોસિએશન,સ્વચ્છ સરકારી કચેરીઓ,સ્વચ્છ રેસીડેન્સ વેલ્ફેર એસોસિએશન/મોહલ્લા તથા સ્વચ્છ વોર્ડ, સ્વચ્છતા ચેમ્પિયન મેન/વુમેનવગેરે જુદી જુદી કેટેગરીમાં સ્વચ્છતા રેન્કિંગ સ્પર્ધાનું આયોજન કરવામા આવેલ.આ સ્પર્ધામાં ભાગ લેનારને સ્વચ્છતાના જુદા જુદા પેરામીટર્સ જેમ કે,ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સર્વિસ, મેઈન્ટેનન્સ અને લોકોના ફીડબેક ઉપર દરેક કેટેગરીમાં પ્રથમ દ્રિતિય અને તૃતીય નંબર આપવામાં આવેલ.
વિવિધ કેટેગરીમાં સ્વચ્છતા રેન્કિંગ સ્પર્ધાના વિજેતાઓને પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરના હસ્તે આજે તા.૩ના રોજ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ સમારોહને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ઝીરો વેસ્ટ ઇવેન્ટ બનાવવામાં આવી. જેમાં પ્લાસ્ટિકની બોટલને બદલે કાચના ગ્લાસમાં પાણી આપવામાં આવેલ.
આજે સ્વચ્છતા રેન્કિંગ સ્પર્ધાનું પરિણામ જાહેર કરી, સ્પર્ધાના વિજેતાઓને સન્માન પ્રમાણપત્ર વિતરણ સમારોહમાં મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ. આ અવસરે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સેનિટેશન કમિટી ચેરમેન નીલેશભાઈ જલુ, નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, એ.એમ.સી. બી.એલ. કાથરોટીયા, મેડીકલ ઓફિસર જયેશ વકાણી, નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભ જીંજાળા, દિગ્વિજયસિંહ તુવર, પ્રજેશ સોલંકી, મેનેજર મનીષ વોરા તેમજ આ સ્પર્ધામાં ભાગ લીધેલ વિવિધ કેટેગરીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલ.
આ કાર્યક્રમમાં અધ્યક્ષ મેયર નયનાબેન પેઢડીયાએ સૌપ્રથમ સ્વચ્છતા સર્વેક્ષણમાં સહભાગી બનેલ સૌ સ્પર્ધકોને ખુબ ખુબ અભિનંદન પાઠવેલ. વધુમાં મેયરશ્રીએ જણાવ્યું હતું કે, જેમ વિવિધ કેટેગરીની સ્પર્ધામાં વિજેતા થયા છો તેવી જ રીતે સૌ સાથ-સહકાર આપી આપણા શહેરને પણ સ્વચ્છ બનાવીએ. સ્વચ્છતાની બાબતે આપણા શહેરનો ક્રમ આગળ આવે તે માટે મારી શેરી, મારૂ ઘર, મારો મહોલ્લા, મારૂ શહેર માનીને સ્વચ્છતા જાળવીએ.
આપણા દેશના માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૪માં ઉપાડેલી સ્વચ્છતા ઝુંબેશ આજે પણ સમગ્ર દેશમાં અવિરત ચાલી રહી છે. શાળા-કોલેજોમાં છાત્રોને પણ પ્રાથમિક તબક્કાના શિક્ષણમાં જ આપણે શીખવીએ કે કચરો કચરા પેટીમાં નાખીએ, જયાં-ત્યાં જાહેરમાં ગંદકી ન કરીએ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અંગે નિયમિત કામગીરી કરવામાં આવે જ છે સાથોસાથ નાગરિકોના સાથ સહકાર થકી રાજકોટને સ્વચ્છ રાજકોટ બનાવી શકીશું. સમગ્ર ભારતમાં સ્વચ્છતા રેન્કિંગમાં ઇન્દોર પ્રથમ ક્રમે આવી શકે તો રાજકોટ કેમ નહી. ઇન્દોરમાં જે પ્રકારે તંત્ર અને નાગરિકોના સહયોગથી સ્વચ્છતા રાખવામાં આવે છે તેવી જ રીતે રાજકોટમાં પણ સૌના સાથ-સહકારથી સ્વચ્છતા જાળવીએ તો રાજકોટ પણ પ્રથમ ક્રમે આવી શકે.

(3:47 PM IST)










