<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd July 2024

સૌરાષ્‍ટ્રમાં સૌ પ્રથમ રાજકોટમાં દવા ટેસ્‍ટીંગની લેબોરેટરી બનશે

ગુજરાતના ફુડ એન્‍ડ ડ્રગ કમિશનર ડો. હેમંત કોશિયાની અકિલા સાથે વાતચીત હાલ ખોરાક પરિક્ષણની લેબ. છે ત્‍યાં જ ૧૦ કરોડથી વધુ કિંમતની મશીનરી અને ૧૮નો સ્‍ટાફ મૂકાશેઃ અત્‍યાધુનિક પધ્‍ધતિથી પરિક્ષણ

રાજકોટ તા. ૩ :.. ગુજરાત સરકારના આરોગ્‍ય વિભાગ દ્વારા સૌરાષ્‍ટ્રની સૌ પ્રથમ ડ્રગ (દવા) ચકાસણી માટેની લેબોરેટરી રાજકોટમાં શરૂ કરવાના ચક્રો ગતિમાન થયા છે. હાલ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી રોડ પર ખોરાક પરિક્ષણની લેબોરેટરી છે. તે જ ઇમારતમાં દવા પરિક્ષણની લેબ શરૂ કરવામાં આવશે. અત્‍યારે ગુજરાતમાં માત્ર વડોદરામાં દવા પરિક્ષણ થઇ શકે છે. રાજકોટમાં ખોરાક ચકાસણીની લેબોરેટરી છે અને દવા ચકાસણીની સુવિધાનો ઉમેરો થશે. દવાની ગુણવતા બાબતની ચકાસણી રાજકોટમાં જ થઇ શકશે. સુરતમાં પણ દવા પરિક્ષણ લેબ શરૂ થશે.

રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. હેમંત કોશિયાએ આજે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે રાજકોટમાં હાલ ફુડ લેબોરેટરી છે તે સ્‍થળે જ દવાની ચકાસણી થઇ શકે તેવી જરૂરી બાંધકામની જોગવાઇ અગાઉથી જ રાખીને ઇમારત બનાવવામાં આવેલ છે. ફુડ એન્‍ડ ડ્રગ બન્નેની ચકાસણી એક જ બિલ્‍ડીંગમાં થઇ શકશે.

ડો. કોશિયાએ અકિલાને વધુમાં જણાવેલ કે રાજકોટમાં દવા પરીક્ષણની મશીનરી રૂપિયા ૧૦ કરોડથી વધુ રકમના ખર્ચે વસાવવામાં આવશે. સરકારે તે માટેના નાણા  આરોગ્‍ય વિભાગને ફાળવી દીધા છે. વિષય નિષ્‍ણાંત ૧૮ અધિકારીઓ - કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. દવાની લેબ. ર૦રપ ના વર્ષના પ્રારંભ કાર્યરત થઇ જાય તેવા પ્રયાસો છે. વડોદરા ઉપરાંત રાજકોટ-સુરત બન્ને શહેરોમાં નવી લેબ. શરૂ થવાથી ટેસ્‍ટીંગ પ્રક્રિયા ઝડપી બનશે.

(3:55 PM IST)