News of Wednesday, 3rd July 2024
પ્રવેશોત્સવના તાયફાઓ કરવાને બદલે વાસ્તવિક રીતે બાળકો શાળા સુધી પહોંચે તે જરૂરી
ઝુપડપટ્ટી કે ફુટપાથ પર રહેતા પરિવારોના બાળકોને શાળા સુધી લાવો ત્યારે જ આવા પ્રવેશોત્સવ સાર્થક ગણાયઃ લાબડીયા- ઝાલા

રાજકોટઃ વર્ષોથી વેકેશન ખુલે અને શાળાઓ શરૂ થાય એટલે પ્રવેશોત્સવ ઉજવવામાં આવે છે. સરકાર, શિક્ષણ વિભાગ અને જે તે શાળાઓના શિક્ષકગણ દ્વારા ઉત્સાહપૂર્વક આવી ઉજવણી કરવામાં આવે છે. ખરેખર તો છેવાડાનું બાળક શાળા સુધી પહોંચે ત્યારે આવી ઉજવણી સાર્થક થઈ ગણાય. પરંતુ વાસ્તવમાં એવું બનતું નથી કે એવા પ્રયાસો કરવામાં આવતા નથી. શાળા પ્રવેશોત્સવ વખતે ગ્રામ્ય કક્ષાએથી લઈને તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ પણ જે બાળકો શાળાએ આવે છે તેમના ભાલે તિલક કરીને તેવા બાળકોના મીઠા મોઢા કરાવીને અને તેઓને શૈક્ષણિક કીટ આપીને પ્રવેશોત્સવ ઉજવ્યાનો સંતોષ માની લેવામાં આવે છે.
વાસ્તવમાં પ્રવેશોત્સવ ત્યારે સાર્થક થયો ગણાય જ્યારે રાજ્યના છેવાડાના વિસ્તારોમાં કે ફૂટપાટ ઉપર વસતા, ઝુંપડપટ્ટીમાં વસતા કુટુંબોના બાળકોને શોધીને શાળાઓ સુધી લાવવામાં આવે, અને તેમના ભાલે તિલક કરવામાં આવે, એવા બાળકોને મીઠું મોઢું કરાવવામાં આવે અને એવા બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવે. પરંતુ દુઃખની વાત એ છે કે વાસ્તવમાં આવું કશું કરવામાં આવતું નથી. ફક્ત શાળાઓ સુધી પહોંચતા બાળકોને જ તિલક કરીને મોઢું મીઠું કરાવવામાં આવે છે અને શૈક્ષણિક કીટ આપવામાં આવે છે જે યોગ્ય નથી.
સરકાર, શિક્ષણવિભાગ અને શિક્ષણ સાથે સંકળાયેલા તમામે આ અંગે ગંભીરતાપૂર્વક વિચારવાની જરૂર છે. અને ઝૂંપટ્ટીમાં, ફૂટપાથ ઉપર કે છેવાડાના કુટુંબો જ્યાં વસતા હોય તેવા કુટુંબોના બાળકોને શોધીને શાળા સુધી લાવવામાં આવે ત્યારે આવો પ્રવેશોત્સવ સાર્થક થયેલો ગણાય. સરકાર, શિક્ષણ વિભાગ અને શિક્ષણ સાથે સંકળાયેલા તમામ આ બાબતે ગંભીરતાપૂર્વક વિચારે અને યોગ્ય દિશામાં આગળ વધે એવું રાજકોટ શહેર જિલ્લા વાલી મહામંડળના પ્રમુખ એડવોકેટ હિંમતભાઈ લાબડીયા, ઉપપ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા તથા મહામંત્રી એડવોકેટ નયનભાઈ કોઠારીએ એક યાદીમાં જણાવ્યું છે.
(4:02 PM IST)










