News of Wednesday, 3rd July 2024
રાજકોટમાં ક્રૂર હત્યાઃ પુત્રએ પિતાને પકડી રાખ્યો, પત્નીએ ૬૦ ઘા ઝીંકી પતાવી દીધો
રાજકોટ જિલ્લામાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યોઃપતિના આડાસંબંધોથી કંટાળીને પત્નીએ પોતાના પુત્ર સાથે મળીને પતિ વલ્લભની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે

રાજકોટ,તા.૩
રાજકોટ જિલ્લામાં એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. પતિની હત્યા કર્યા બાદ પત્ની પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી. પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને પોતાના પતિની હત્યા કરી હોવાની જાણ કરતાં પોલીસ સ્ટેશનને હાજર રહેલો સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો હતો. જોકે મહિલા દ્વારા જણાવવામાં આવેલી વિગત અંગે ખરાઈ કરવા માટે પોલીસ સ્ટાફ જ્યારે ઘટના સ્થળ પર પહોંચ્યો ત્યારે લોહી લુહાણ થયેલી હાલતમાં લાશ મળી આવી હતી. સાથે જ પત્ની દ્વારા પોતાના પતિની હત્યા કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ ધારીયું તેમજ હથોડી પણ સ્થળ પરથી મળી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પતિના આડાસંબંધોથી કંટાળીને પત્નીએ પોતાના પુત્ર સાથે મળીને પતિ વલ્લભની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પતિની હત્યા કર્યા બાદ પત્ની પહોંચી પોલીસ સ્ટેશનઃ ઇન્વેસ્ટીગેશન ઓફિસર તપન જાનીના જણાવ્યા પ્રમાણે સોમવારના રોજ સવારના ૭ઃ૩૦ વાગ્યાના અરસા રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના નાની લાખાવાડ ગામ ખાતે રહેતી ભાનુ બાવળિયા (ઉવ.૪૫) નામની પરિણીતા જસદણ પોલીસ સ્ટેશન ખાતે આવી હતી. જસદણ પોલીસ સ્ટેશન ખાતે હાજર રહેલા સ્ટાફને મહિલાએ જણાવ્યું હતું કે, તેણે પોતાના પતિની હત્યા કરી નાખી છે. ત્યારે પોલીસ સ્ટેશન ખાતે હાજર રહેલા સ્ટાફે મહિલાને પોલીસ સ્ટેશન ખાતે બેસાડીને પોલીસ સ્ટાફ ઘટનાસ્થળ ખાતે ખરાઈ કરવા પહોંચ્યો હતો. ખરાઈ કરવા પહોંચેલી પોલીસે ઘટના સ્થળ પર પહોંચતા વલ્લભ બાવળીયાની (ઉવ.૪૮)ની લાશ તેના જ ઘરમાં લોહીલુહાણ હાલતમાં જોવા મળી હતી. સાથે જ હત્યામાં મદદગારી કરનાર પુત્ર જયેશ બાવળીયા (ઉવ.૨૬) પણ ઘટના સ્થળ ખાતેથી જ મળી આવ્યો હતો. પોલીસ દ્વારા હથોડી, ધારીયું તેમજ મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યુંઃ પોલીસ દ્વારા ઘટના સ્થળ પરથી ગુનાના કામે વાપરવામાં આવેલા બંને હથિયારો પણ કબજે કરવામાં આવ્યા છે. સાથે જ મૃતકનો મોબાઇલ ફોન પણ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો છે. બંને આરોપીઓ દ્વારા મૃતક વલ્લભ બાવળિયાના કોઈ અન્ય સ્ત્રી સાથે આડાસંબંધ હોવાની વાત કરવામાં આવી રહી છે. તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓના જણાવ્યા અનુસાર મૃતક વલ્લભ બાવળીયા છેલ્લા પાંચ સાત વર્ષથી કોઈ અન્ય મહિલા સાથે આડાસંબંધ ધરાવતો હતો. જેના કારણે છેલ્લા કેટલાક વર્ષથી પરિવારમાં ઘર કંકાસ પણ વધ્યો હતો. મૃતક અને તેનો પરિવાર અગાઉ જસદણ શહેર ખાતે રહેતો હતો. જોકે છેલ્લા ત્રણ મહિનાથી જ તે જસદણના નાની લાખાવાડ ગામ ખાતે રહેવા આવ્યો હતો. પત્ની ભાનુ દ્વારા પોતાના પતિ વલ્લભના મોઢા અને માથાના ભાગે ૩૫થી ૪૦ જેટલા ઘા ઝીંકી હોવાનું સામે આવ્યું છે. તેમજ આખા શરીર પર મળીને કુલ ૫૫થી ૬૦ જેટલા ઘા બંને હથિયારો વડે ઝીંકયા હોવાનું સામે આવ્યું છે. ગુનાના કામે માતા પુત્રની સોમવારના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેમજ ગુનાના કામે માતા પુત્રને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા બંનેને જેલ હવાલે મંગળવારના રોજ કરવામાં આવ્યા છે. રાત્રે આડાસંબંધોને લઈ થયો હતો ઝઘડોઃ મળતી વિગતો અનુસાર, રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના નાની લાખાવાડ ગામ ખાતે રહેતા બાવળીયા પરિવારમાં સોમવારના રોજ રાત્રિના ૧ વાગ્યે ઝઘડો થયો હતો. પ્રથમ વલ્લભ અને ભાનુ વચ્ચે વલ્લભના આડા સંબંધને લઈને બોલાચાલી થઈ રહી હતી. તે અરસામાં દીકરો જયેશ પણ ત્યાં હાજર હતો. ત્યારે જયેશ દ્વારા પોતાના માતા પિતાને ઝઘડો નહીં કરવા તેમજ બોલાચાલી નહીં કરવા બાબતે સમજાવવામાં પણ આવ્યા હતા. તેમ છતાં વલ્લભ બાવળીયા બોલાચાલી કરવા લાગતા જયેશ અને ભાનુને વધુ ગુસ્સો આવ્યો હતો. જેના કારણે જયેશે પોતાના પિતાના હાથ પકડી રાખ્યા હતા. તેમજ પોતાની માતાને પોતાના પિતાને મારવાનું કહેતા ભાનુ રૃમમાં રાખેલું નાનું લોખંડનું ધારીયું લઈને પોતાના પતિના માથાના તેમજ શરીરે આડેધડ ઘા મારવાનું શરૃ કર્યું હતું. તેમજ બાદમાં તે નીચે મૂકીને રૃમમાં પડેલી હથોડી વડે પોતાના પતિના શરીરે આડેધડ ઘા મારતા ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જયેશ પોતાના પિતા સાથે ખેતી કામના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે.
(9:10 PM IST)










