તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Friday, 5th July 2024
જેના અપહરણનો ગુનો નોંધાયો હતો તે પાંચ વર્ષના વિક્રમની પાણીના ખાડામાંથી લાશ મળી
કોઠારીયા સોલવન્ટ સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં રહેતાં મુળ યુપીના બાબુલાલ અહિરવારનો દિકરો બુધવારે ગૂમ થયો હતોઃ આજીડેમ પોલીસે અપહરણની ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી હતી : ટેણીયો માનસિક અસ્વસ્થ હતોઃ રમતો રમતો પડી ગયો કે અન્ય કોઇ રીતે મોત થયું? પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું

ગૂમ થયેલા માસુમ વિક્રમની લાશ જ્યાંથી મળી તે સ્થળે લોકો, પોલીસ, ૧૦૮ની ટીમ અને વિક્રમનો નિષ્પ્રાણ દેહ જોઇ શકાય છે
રાજકોટ તા. ૫: શહેરના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં રહેતાં અને ફેક્ટરીમાં કામ કરતાં મુળ મધ્યપ્રદેશના પરિવારનો પાંચ વર્ષનો દિકરો બુધવારે બપોરે ઘરેથી નીકળી ગયા બાદ ગૂમ થતાં પોલીસને જાણ કરતાં સગીર ગૂમ થવાના કિસ્સામાં આજીડેમ પોલીસે તુરત જ અપહરણનો ગુનો નોંધી તપાસ આરંભી હતી. દરમિયાન ગત સાંજે આ ગૂમ થયેલા બાળકની લાશ કોઠારીયા સોલવન્ટ શીતળાધાર નજીક પાણી ભરેલા ખાડામાંથી મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. ગૂમ થનાર બાળક માનસિક અસ્વસ્થ હતો. તે રમતાં રમતાં પડી ગયો કે અન્ય કોઇ રીતે મોત થયું? તે જાણવા પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ કોઠારીયા સોલવન્ટ સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં રોલેક્ષક યુનિટ-૩ની સામેની શેરીમાં બદ્રી પાન પાસે રહેતાં અને સોમનાથ વે બ્રીજ પાસે સન બ્લાસ્ટ કારખાનામાં મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના સાગર જીલ્લાના ગીડવાની ગામના બાબુલાલ રામપ્રસાદ અહીરવારનો દિકરો વિક્રમ (ઉ.વ.૫) બુધવારે તા. ૩ના બપોરે અઢી વાગ્યા આસપાસ ઘરમાંથી શેરીમાં રમવા ગયા બાદ પાછો ન આવતાં બાબુલાલ અને પત્નિ બબીતાબેને તેની શોધખોળ શરૂ કરહતી. પરંતુ આસપાસમાં ક્યાંય વિક્રમનો પત્તો મળયે નહોતો.
આથી બાબુલાલે પોતાના મોટા ભાઇ દેવીપ્રસાદને જાણ કરી હતી. બધાએ મળી સગા સંબંધીને ત્યાં તથા આસપાસમાં તપાસ કરી હતી. પણ વિક્રમ ન મળતાં ગઇકાલે પોલીસને જાણ કરતાં આજીડેમ પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં હેડકોન્સ. દિગપાલસિંહ જે. જાડેજાએ સગીર ગૂમ થવાના કિસ્સામાં તુરત જ અજાણ્યા વિરૂધ્ધ અપહરણનો ગુનો દાખલ કરી તપાસ આરંભી હતી. પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરવા કવાયત આદરી હતી.
બીજી તરફ પરિવારજનોએ બાળકની શોધખોળ ચાલુ રાખી હતી. એક બાળકીએ તમારા દિકરાને શિતળાધાર તરફ જતો જોયો હતો તેમ કહેતાં એ તરફ બધા તપાસ કરવા બધા ગયા હતાં. દરમિયાન ગઇકાલે આ ખાડામાંથી એક બાળકની લાશ મળતાં આજીડેમ પોલીસ પહોંચી હતી. આ બાળક ગૂમ થયેલો વિક્રમ હોવાની ખરાઇ તેના પરિવારજનોએ કરી હતી. ૧૦૮ના ઇએમટી નિલેષભાઇએ આ બાળકને મૃત જાહેર કર્યો હતો. દોઢેક દિવસ સુધી લાશ પાણીમાં પડી રહી હોઇ ફુલાઇ ગઇ હતી. રમતાં રમતાં ડૂબી જવાથી માસુમ વિક્રમનું મૃત્યુ થયું કે અન્ય કોઇ રીતે? તે જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયું હતું.
વિક્રમ બે ભાઇમાં નાનો હતો. પરિવારજનોના કહેવા મુજબ તેની માનસિક હાલત પણ ઠીક નહોતી. ગૂમ થયેલા માસુમ દિકરાનો પાણીમાંથી મૃતદેહ મળતાં મજૂર પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
ડી. સ્ટાફની ટીમ સીસીટીવી કેમેરા ચેક કરતી ખાણ તરફ પહોંચી અને લાશ મળી
ઞ્જ બાળકના અપહરણનો ગુનો દાખલ થયો હોઇ પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં ડી. સ્ટાફની ટીમે સીસીટીવી કેમેરા ચેક કર્યા હતાં. તેના આધારે બાળક શીતળાધાર તરફ જતું દેખાયું હતું. એ તરફ પોલીસ પહોંચી હતી ત્યારે પાણીના ખાડામાંથી લાશ મળી હતી.
(1:15 PM IST)










