News of Friday, 5th July 2024
શેરબજારમાં કમાણીની ફેસબૂકમાં જાહેરાત વાંચી મોટો આઇપીઓ ભરવાના નામે બે મિત્રોએ ૯ાા લાખ ગુમાવ્યા
સુરતની સીમી ફેશનના ખાતાધારક ચિંતુલ ઇટાલીયા સહિતના નામ ખુલ્યાઃ અંજલી પાર્કના બાંધકામના વ્યવસાયી મયુર ડોબરીયાની ફરિયાદ પરથી સાયબર ક્રાઇમના હેડકોન્સ. દિપકભાઇ પંડીતે ગુનો નોંધ્યોઃ પીઆઇ એમ. એ. ઝણકાતે તપાસ આરંભી

રાજકોટ તા. ૫: સાયબર ફ્રોડની વધુ એક ઘટનામાં બાંધકામના વ્યવસાયી યુવાન મિત્રોએ ફેસબૂકમાં જોયેલી શેરબજારમાં પૈસા કમાવવાની જાહેરાતને આધારે તેમાં આપેલા વ્હોટ્સએપ નંબર પર ક્લીક કરતાં તે નંબર પરથી મેસેજ અને ફોન આવતાં અને મોટો આઇપીઓ ભરવાથી મોટો નફો મળશે તેવી વાત કરવામાં આવતાં આ બંનેએ રૂપિયા ૯,૫૩,૦૦૦ આરટીજીએસથી જે તે ફોન કરનારને ટ્રાન્સફર કરી દેતાં સામેવાળાએ આઇપીઓ ભરી આપવાને બદલે આ રકમ વીડ્રો કરી લેતાં બંનેને છેતરાઇ ગયાની ખબર પડી હતી. સુરતના શખ્સ સહિતના નામ સામે આવતાં સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરી છે. આ બનાવમાં સાયબર ક્રાઇમ પોલીસે રાધેશ્યામ ગોૈશાળાથી આગળ અંજલી પાર્કમાં રહેતાં અને બાંધકામનો વ્યવસાય ધરાવતાં મયુર બાબુભાઇ ડોબરીયા (ઉ.વ.૩૦) નામના યુવાનની ફરિયાદ પરથી એક બે અલગ અલગ મોબાઇલ નંબરના ધારકો, સુરતના સીમી ફેશનના ખાતાધારક ચિંતુલ વિઠ્ઠલભાઇ ઇટાલીયા અને તપાસમાં ખુલે તેના વિરૂધ્ધ ઠગાઇ, આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મયુરે ફેસબૂકમાં અપસ્ટોક શેરબજારની એડવર્ટાઇઝ જોઇ તેમાં આપેલા વ્હોટ્સએપ નંબર પર ફોન કરતાં તેને રોકાણ પર વધુ પ્રોફીટ મળશે તેવી લાલચ અપાતાં તેણે રૂપિયા ૯,૫૩,૦૦૦ ટ્રાન્સફર કર્યા હતાં. પણ ગઠીયાઓએ આઇપીઓ ન ભરી આપી આ રકમ વિડ્રો કરી લીધી હતી.
મયુર ડોબરીયાએ જણાવ્યું છે કે હું અને મારો મિત્ર રાકેશ શાંતિલાલ અંટાળા બાંધાકામ વ્યવસાયની સાથે સાઈડમાં શેર બજારનું કામ પણ કરીએ છીએ. મારા મિત્ર રાકેશે ફેસબૂકમાં શેર બજારમાં પૈસા કમાવવાની જાહેરાત જોઈ એ પેજ પર કલીક કરતાં તેના મોબાઈલમાં વ્હોટ્સએપ મેસેજ આવ્યો હતો. જેમાં એક લિન્ક હતી. જેના આધારે એપ ડાઉનલોડ કરાવી તેમાં રોકાણ સામે વધુ પૈસા મળશે તેવી લાલચ અપાઈ હતી. આ પછી ગઈ તા.૨૦ જૂનના રોજ હું અને રાકેશ સાથે હતા ત્યારે તે લિન્કમાંથી મોટો આઈપીઓ ભરવા માટે વ્હોટ્સએપ મેસેજ આવ્યો હતો. જેમાં રૂ.૯.૫૩ લાખ ભરવાનું કહેવાયું હતું. જેથી મિત્ર સાથે મળી મેસેજમાં જણાવાયેલ ખાતામાં મેં આરટીજીએસથી રકમ ટ્રાન્સફર કરી હતી. જો કે ત્યારબાદ અમારા નામે કોઇ આઇપીઓ ભરાયો ન હોઇ ફ્રોડ થયાનું ધ્યાને આવતાં સીઆઈડી ક્રાઈમના હેલ્પલાઈન નંબર ૧૯૩૦માં ફોન કરી ઓનલાઇન અરજી કરી હતી.
તેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે તપાસ કરતાં રકમ જે બેંક ખાતામાં જમા થઈ હતી તે ખાતુ કોટક બેન્કમાં હોવાનું અને સીમી ફેશનના નામનું હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં તેના કેવાયસી સુરતના ચિતુલ વિઠ્ઠલભાઈ ઈટાલીયાના નામના હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેના વિરૂધ્ધ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પીએસઆઇ કે. પી. જાદવે એફઆઇઆર દાખલ કરાવવાની કાર્યવાહી કરતાં હેડકોન્સ્ટેબલ દિપકભાઇ પંડિતે ગુનો દાખલ કર્યો હતો. એસીપી બી. બી. બસીયાની રાહબરીમાં પીઆઇ એમ. એ. ઝણકાતે વધુ તપાસ હાથ ધરી છે. લોકો અવાર-નવાર આ પ્રકારે છેતરાઇ જતાં હોવાના કિસ્સા બને છે
(12:22 PM IST)










