News of Friday, 5th July 2024
સફાઇ કામદાર યુનિયનની રજુઆતનો પડઘો : સીવીલ હોસ્પિટલના તબીબી અધિક્ષક બદલાવાયા

રાજકોટ તા. ૫ : સીવીલ હોસ્પિટલમાં આઉટસોર્સ એજન્સી અને કોંટ્રાકટમાં ચાલતી ગેરરીતી અંગે રાજકોટ સફાઇ કામદાર યુનિયન દ્વારા ધરણા કરી વડાપ્રધાન સુધી રજુઆતો પહોંચાડવામાં આવી હતી. જેનો પડઘો પડયો હોય તેમ સીવીલ હોસ્પિટલના અધિક્ષક આર.એસ. ત્રિવેદીને ચાર્જ મુકત કરી તેમના ચાર્જમાં ડો. મોનાલીબેન માકડીયાને મુકવામાં આવ્યા હોવાનું સફાઇ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેરડીયાએ એક યાદીમાં જણાવ્યુ છે.
પારસ બેરડીયાએ યાદીમાં જણાવ્યુ છે કે સીવીલ હોસ્પિટલમાં આઉટ સોર્સ એજન્સીમાં વર્ક-૪ના સફાઇ કામદારોના પી.એફ. ને લેઇટ પગારના મુદાઓ તેમજ મહાનગર પાલીકામાં પણ સ્વૈચ્છિીક રાજીનામા માટે મંજુર કરવામાં આવતા મેડીકલ સર્ટીફીકેટમાં બોગસ અને ડુપ્લીકેટ સર્ટીફીકેટ મુદ્દે અમે છેલ્લા છ મહીનાથી સંઘર્ષમય રજુઆતો કરી રહ્યા છીએ.
અમારી શાંત અને સ્પષ્ટ રજુઆતો હતી. તેમ છતા અમને ડરાવવા ધમકાવવાના પણ પ્રયાસો થતા આવ્યા છે. પરંતુ અંતે તંત્રને બાબતની ગંભીરતા સમજાઇ હોય તેમ સીવીલ હોસ્પિટલના સર્જન પાસેથી ચાર્જ લઇ લેવામાં આવ્યો અને અન્યને સોંપવામાં આવ્યો છે. આ લડતમાં સહયોગી બનનાર સૌનો પારસ બેડીયાએ આભાર વ્યકત કર્યો છે.
(4:01 PM IST)










