<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

કાલે ભગવાન જગન્‍નાથજી રથયાત્રામાં ૬ આઇપીએસ સહિત ૧૭૮૬નો બંદોબસ્‍ત

૨૨ કિલોમીટરના રૂટ પર ફરનારી રથયાત્રામાં ૬૦ વાહનો અને હજારો ભાવિકો જોડાશે : પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ કાફલો ખેડેપગે રહેશેઃ ધાબા પોઇન્‍ટ, વોકીટોકી, બાયનોક્‍યુલર સાથે જવાનો રહેશે તૈનાતઃ બોડીવોર્ન કેમેરા સાથે સ્‍ટાફ સજ્જ હશે

રાજકોટ તા. ૬: આવતી કાલે અષાઢી બીજ નિમીતે રાજકોટ શહેરમાં ભગવાનશ્રી જગન્‍નાથજી, બલભદ્રજી અને શુભદ્રાજીની રથયાત્રા નીકળશે. આ દિવસે શહેરના અન્‍ય વિસ્‍તારોના મળી નાના મોટા કુલ ૯ ધાર્મિક સરઘસો, શોભાયાત્રાઓ નીકળનાર હોઇ શહેર પોલીસ દ્વારા કાયદો વ્‍યવસ્‍થા જળવાઇ રહે અને કોઇપણ જાતના છમકલા ન થાય તે માટે ચાંપતો બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની રાહબરી હેઠળ ૬ આઇપીએસ સહિત ૧૭૮૬ અધિકારીઓ, જવાનો બંદોબસ્‍તમાં ખડેપગે રહેશે.

બાવીસ કિલોમીટરના રૂટ પર ફરનારી આ રથયાત્રામાં મહત્‍વની અને સ્‍ટેટીક જગ્‍યાએ ધાબા પોઇન્‍ટ, ડીપ પોઇન્‍ટ પર પોલીસ જવાનોને બાયનોક્‍યુલર, વોકીટોકી સાથે બંદોબસ્‍ત સોંપાશે. ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક પોલીસ અને બ્રિગેડ સતત હાજર રહેશે. રથયાત્રા રૂટમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ બોડીવોર્ન કેમેરા સાથે સજ્જ રહેશે. સંવેદનશીલ વિસ્‍તાર, ગીચ વિસ્‍તાર તથા સુરક્ષાની દ્રષ્‍ટીએ મહત્‍વાના હોય તેવા સ્‍થળો ખાતે સીસીટીવી કેમેરા, વિડીયોગ્રાફીથી પુરતી વોચ રખાશે. કોઇપણ મુશ્‍કેલ પરિસ્‍થિતિને પહોંચી વળવા વોટર કેનન, ટીયર ગેસ માટેના વરૂણ અને વ્રજ નામના અત્‍યાધુનિક વાહનો બંદોબસ્‍તમાં સામેલ રહેશે.

રથયાત્રામાં ક્રાઇમ બ્રાંચ, એસઓજી, પેરોલ ફરલોની ટીમો અને મહિલા પોલીસની શી ટીમો સતત પેટ્રોલીંગ કરશે. કોઇ વિઘ્‍ન ઉભુ ન થાય તે માટે અસામાજીક તત્‍વો પર સતત વોચ રાખવામાં આવશે. સોશિયલ મિડીયા પર સાયબર સેલની ટીમોની નજર રહેશે. કુલ ૧૦ રથયાત્રા-શોભાયાત્રાને અનુલક્ષીને જડબેસલાક બંદોબસ્‍ત ગોઠવાયો છે. કોમી એખલાસભર્યા વાતાવરણમાં રથયાત્રા, શોભાયાત્રાઓ શાંતિથી પસાર થાય તે માટે સમાજના આગેવાનો સાથે અગાઉથી મીટીંગો કરી લેવામાં આવી હતી.

(3:00 PM IST)