<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

૧૫ કરોડના દાગીના ખરીદ કર્યા એ નાણા કોણ આપી ગયું એ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાને યાદ નથી!

ભ્રષ્‍ટાચારના ગુનામાં રિમાન્‍ડ પર રહેલા સાગઠીયા પાસેથી વિસ્‍તૃત વિગતો ઓકાવવા એસીબીની મથામણ પત્‍નિને દાગીનો ખુબ શોખ હોવાથી અને ઇન્‍વેસ્‍ટમેન્‍ટ માટે દાગીના ખરીદ્યાનું પણ રટણઃ જો કે મોટા ભાગના દાગીનાનો ઉપયોગ પણ થયો નથીઃ લાંચ આપનારા કોણ કોણ? તેના નામો બહાર આવશે કે કેમ? તેની ચર્ચા

રાજકોટ તા.૬:  ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાના ભાઈની ઓફિસમાંથી મળેલા એન્‍ટી કરપ્‍શન બ્‍યુરોની ટીમે ૨૨ કિલો સોનાના દાગીના અને બિસ્‍કીટ સહિત ૧૮ કરોડથી વધુનો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. અપ્રમાણસર મિલ્‍કત અંગે નોંધાયેલા ગુનામાં હાલ પૂર્વ ટીપીઓ મનસુખ ડી. સાગઠીયા એસીબી પાસે રિમાન્‍ડ પર હોઇ તેની પાસેથી વિસ્‍તૃત વિગતો ઓકાવવા ટીમ મહેનત કરી રહી છે. કરોડોની કિંમતના સોનાના દાગીના રોકડેથી ખરીદ કર્યાનું સાગઠીયા રટણ કરે છે. પરંતુ આ દાગીના ખરીદ કરવાના નાણા ક્‍યાંથી આવ્‍યા? તે પોતાને યાદ ન હોવાનું તે કહે છે!

એસીબી સ્‍ટાફની પુછતાછમાં સાગઠીયાએ એવુ પણ રટણ કર્યુ હતું કે જેમ જેમ નાણા આવતાં ગયા હતાં તેમ તેમ દાગીનાની ખરીદી કરી હતી. પત્‍નિને દાગીનાનો શોખ હતો અને ઇન્‍વેસ્‍ટમેન્‍ટ પણ કરવાનું હતું.  જો કે  આટલા બધા દાગીના ખરીદવાના નાણાં કયાંથી આવ્‍યા તે બાબતે કોઈ ખુલાસો કર્યો નથી. આ સ્‍થિતિમાં એસીબીએ આટલા જંગી જથ્‍થામાં સોનાના દાગીનામાંથી ખરેખર સાગઠીયાએ કેટલા ખરીદયા, કેટલા  તેને ગીફટ તરીકે મળ્‍યા અને કેટલા તેને કોઈ કામ કરી આપવા બદલ લાંચ પેટે મળ્‍યા તે સહિતની દિશામાં તપાસ યથાવત રાખી છે.

 એસીબીએ તપાસ કરતાં ઘણાં બધા દાગીના એવા પણ મળ્‍યા છે કે જે આજ સુધી પહેરવામાં જ આવ્‍યા નથી. જેનો મતલબ છે કે દાગીના કોઈપણ રીતે આવ્‍યા બાદ  તેને સીધા તિજોરી કે અન્‍ય જગ્‍યાએ મુકી દેવામાં આવ્‍યા હતા. બાજુબંધ હાર અને પેન્‍ડન્‍ટ સહિતના અડધો ડઝન દાગીના એવા મળ્‍યા છે જેમાં સાગઠીયા અને તેના પત્‍નિના લેમિનેટેડ કરાયેલા ચિત્રો છે.સોનાના દાગીના ખરેખર કયાંથી ખરીદ કરવામાં આવ્‍યા છે તે દિશામાં એસીબીએ તપાસ શરૂ કરી છે. કારણ કે આ દાગીના સાથે આવેલા મુળ બોકસ ગાયબ કરી દેવાયા છે, તેના બદલે આ તમામ દાગીના પ્‍લાસ્‍ટિકના બોકસમાં પેક કરેલા મળ્‍યા છે.

મનસુખ સાગઠીયાએ ચેકથી અને રોકડેથી આ દાગીના ખરીદયાનું રટણ કર્યું છે. જેનું ક્રોસ વેરીફિકેશન એસીબી કરી રહી છે. મોટાભાગના દાગીના રાજકોટથી જ ખરીદ કર્યાનું પણ કહી રહ્યો છે. જયારે સોનાની જે ઘડિયાળો કબ્‍જે થઈ છે તેમાંથી અમુકની ખરીદી કર્યાનું અને અમુક ગીફટમાં મળ્‍યાનું પણ તે કહી રહ્યો છે.  ડાયમંડ જવેલરી પોતે ખરીદ કર્યાનું  કહ્યું છે. સાગઠીયાએ આઠેક વખત વિદેશ પ્રવાસ કર્યાનું બહાર આવ્‍યું છે. જેનું પેમેન્‍ટ ખરેખર કોણે કર્યું હતું તે દિશામાં પણ એસીબી તપાસ કરી રહી છે. હાલ સાગઠીયા રિમાન્‍ડ પર છે. આ દરમિયાન તેની મિલકતોને લઈને નવા ખુલાસા થવાની સંભાવના નકારાતી નથી. લાંચ આપનારા કોણ કોણ? એ અંગે પણ ચર્ચાઓ થઇ રહી છે. ડીવાયએસપી આશુતોષ પરમારની રાહબરીમાં તપાસ થઇ રહી છે.

(3:43 PM IST)