તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th July 2024
શહેર ભાજપ દ્વારા કાલે પુષ્કરધામમાં જગન્નાથજી રથયાત્રાનું સ્વાગત કરાશે

રાજકોટ તા. ૬ :.. શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાની સંયુકત યાદીમાં જણાવાયું છે કે અષાઢી બીજ એ રથયાત્રાનું મંગલ પર્વ છે. દર વર્ષે આ દિવસે ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાની મૂર્તિને ત્રણ ભવ્ય રથમાં પધરાવી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે.
આવતીકાલે તા. ૭ ના અષાઢી બીજ નિમિતે શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા નીકળનાર રથયાત્રામાં ભગવાન શ્રી જગન્નાથજી, બહેનશ્રી સુભદ્રાજી તથા ભાઇશ્રી બલરામજી અલૌકિક રથમાં બિરાજમાન થઇ પરંપરાગત રાજકોટ મહાનગરના વિવિધ રાજમાર્ગો પર ધર્મપ્રેમી નગરજનોને દર્શનનો લ્હાવો આપવા નગર યાત્રાએ પ્રસ્થાન કરશે.
શહેર ભાજપ દ્વારા ભગવાન જગન્નાથજી રથયાત્રાનું આવતીકાલે તા. ૭ ના સવારે ૯.૩૦ કલાકે પુષ્કરધામ મંદિર સામે, પુષ્કરધામ મેઇન રોડ, એ. જી. ચોક પાસે ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાએ જાહેર અનુરોધ કર્યો છે.
(3:55 PM IST)










