તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 6th July 2024
સીવીલ હોસ્પિટલના ભ્રષ્ટાચાર સામે રાજકોટ કામદાર યુનિયન દ્વારા સોમવારથી ધરણા

રાજકોટ તા. ૬ : સીવીલ હોસ્પિટલ રાજકોટમાં બોગસ મેડીકલ સર્ટીફીકેટ અને આઉટ સોર્સીંગ એજન્સી દ્વારા વર્ગ-૪ ના સફાઇ કામદાર સાથે કરાતી ગેરરીતી સહીતના મુદ્દાઓને લઇને રાજકોટ કામદાર યુનિયન દ્વારા તા. ૮ ના સોમવારથી ધરણા હાથ ધરાશે.‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયાએ જણાવ્યુ હતુ કે આ યુનિયને ઉચ્ચ કક્ષાએ આ તમામ બાબતો અંગે રજુઆત કરી છે. આમ તો તા. ૧-૭-૨૦૨૪ થી ધરણા કરવા જાહેરાત કરાઇ હતી. પરંતુ યોગ્ય કરવાની ખાત્રી ઉચ્ચારાયા બાદ પણ હજુ સુધી કોઇ ન્યાયી પગલા ભરાયા નથી. તબીબી અધિક્ષક દ્વારા અમને સાંભળીને ખાત્રી અપાઇ હતી. ત્યારે અમે દિવસ ૭ ની મુદત આપી હતી. જે પુરી થતા હવે તા. ૮-૭-૨૦૨૪ ના સવારે ૧૧ વાગ્યાથી ડો. બાબા સાહેબ આંબેડકરજીની ફેન્સીંગ પાસે કાયદો વ્યવસ્થાના નિયમોના પાલન સાથે ધરણા કરાશે.
રાજકોટ કામદાર યુનિયન અને સમસ્ત અનુ.જાતિ સમાજના લોકો બહોળી સંખ્યામાં આ ધરણામાં જોડાશે. તેમ પારસ બેડીયા અને તેમના સમર્થકોએ ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવ્યુ હતુ. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(4:10 PM IST)










