News of Monday, 8th July 2024
રિક્ષામાં મુસાફર સાથે ધક્કામુક્કી કરી રોકડ અને ફોનની ચોરીઃ હાર્દિક અને ચેતને છ ગુના કબુલ્યા
ડીસીપી જગદીશ બાંગરવા, એસીબી બી. જે. ચોૈધરીની રાહબરીમાં માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇ, એમ. બી. ગઢવી, પીએસઆઇ ડી. એસ. ગજેરાની ટીમને સફળતાઃ ૧,૦૨,૦૦૦ની માલમત્તા કબ્જે હેડકોન્સ. જયદેવસિંહ પરમાર અને કોન્સ. હરસુખ સબાડની બાતમી

રાજકોટ તા. ૮: રિક્ષામાં મુસાફરોને બેસાડી દૂર બેસો, સરખા બેસો તેમ કહી ધક્કામુક્કી કરી વાતોમાં પરોવી નજર ચુકવી ખિસ્સામાંથી રોકડ સેરવી લેતા બે શખ્સોને માલવીયાનગર પોલીસે દબોચ્યા છે. આ બંનેએ ચાર દિવસમાં જ આ રીતે શહેરના અલગ અલગ વિસ્તારમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી પાંચ મુસાફરોના ખિસ્સામાંથી રોકડ રકમ અને મોબાઇલ ફોન ચોરી લીધા હતાં. તેમજ ગયા મહિને પણ ઓમનગર પાસે એક આવો ગુનો આચર્યો હતો. આ પ્રકારના છ ગુના ઉકેલાયા છે.
વિગત એવી છે કે મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર ઓમનગર સર્કલ પાસે તા. ૪/૬ના રોજ એક મુસાફરને રિક્ષામાં બેસાડી તેની સાથે જ મુસાફર તરીકે બેઠેલા શખ્સે વાતચીતમાં પરોવી નજર ચુકવી પર્સ અને રોકડા ચોરી લીધા હતાં. આ મામલે માલવીયાનગરમાં ગુનો નોંધાયો હોઇ ગુનો ડિટેક્ટ કરવા ટીમ કાર્યરત હતી તે વખતે ડી. સ્ટાફના હેડકોન્સ. જયદેવસિંહ પરમાર અને કોન્સ. હરસુખભાઇ સબાડને બાતમી મળી હતી કે લીલા-પીળા કલરની સીએનજી રિક્ષા મવડી ચોકડી શાક માર્કેટ પાસે ઉભી છે. તેનો ચાલક અને સાથેનો શખ્સ મુસફારોને બેસાડી ખિસ્સા કાપે છે.
આ બાતમીને આધારે ટીમ પહોંચી હતી અને બે શખ્સને જીજે૦૩સીટી-૩૨૬૫ નંબરની રિક્ષા સાથે સકંજામાં લઇ પુછતાછ કરતાં પોતાના નામ હાર્દિક કાનાભાઇ જાદવ (ઉ.વ.૨૬-રહે. રાધાકૃષ્ણ નગર-૨૦ કોઠારીયા રોડ, મુળ ઢાંઢણી રાજકોટ) તથા ચેતન પ્રવિણભાઇ રાઠોડ (ઉ.વ.૨૨-રહે. કુબલીયાપરા ચારબાઇના મંદિર પાસે નદી કાંઠે) જણાવ્યા હતાં. આ બંને પાસેથી રૂપિયા ૧૨ હજાર રોકડા અને ૧૦ હજારનો મોબાઇલ ફોન તથા ૮૦ હજારની રિક્ષા મળી કુલ૧,૦૨,૦૦૦ન મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આકરી પુછતાછ થતાં બંનેએ ગયા મહિને ઓમનગર સર્કલ પાસે એક મુસારફનું ખિસ્સુ કાપી બાર હજાર ચોરી લીધાનું કબુલ્યુ઼ હતું.
વધુ પુછતાછમાં છેલ્લા ચાર દિવસમાં આવા બીજા પાંચ ગુના આચર્યાનું કબુલ્યુ઼ હતું. બંનેએ જંકશન રેલ્વે સ્ટેશન પાસેથી મુસાફરને બેસાડી રીયલ મી મોબાઇલ ફોનની ચોરી, રેસકોર્ષ પાસેથી બપોરના સમયે એક મુસાફરને બેસાડી રૂા. ૨ હજાર રોકડા, હોસ્પિટલ ચોક પાસેથી એક મુસાફરને બેસાડી કી-પેઇડ મોબાઇલ ફોન, સાધુ વાસવાણી રોડ પર એક મુસાફરના ખિસ્સામાંથી ૨ હજારની રોકડનું પર્સ તથા કાંતાસ્ત્રી વિકાસ ગૃહ રોડ પર એક મુસાફરને બેસાડી ૧ હજારની રોકડ ચોરી લીધાનું કબુલ્યું હતું. આ બંને મોટે ભાગે વયોવૃધ્ધ હોય તેવા મુસાફરો કે ભૈયાઓને જ બેસાડીને ચોરી કરતાં હતાં. એક શખ્સ રિક્ષા હંકારતો બીજો મુસાફર સાથે બેસી દૂર ખસો, સરખા બેસો કહી ધક્કામુક્કી કરી વાતોમાં પરોવી નજર ચુકવી ચોરીઓ કરી લેતાં હતાં. વધુ એક વખત હેડકોન્સ. જયદેવસિંહ પરમારની સફળ બાતમીથી આ ગુના ઉકેલાયા છે. તેઓ અગાઉ ક્રાઇમ બ્રાંચમાં નોંધપાત્ર કામગીરી કરી ચુક્યા છે.
પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી.જે. ચોૈધરીની સુચના અનુસાર આ કામગીરી પીઆઇ જે. આર. દેસાઇ, પીઆઇ એમ. ડી. ગઢવી, પીએસઆઇ ડી. એસ. ગજેરા, હેડકોન્સ. અજયભાઇ વીકમા, જયદેવસિંહ પરમાર, દિનેશભાઇ બગડા, કોન્સ. હરસુખભાઇ સબાડ, મયુરદાન બાટી, જયદિપસિંહ ભટ્ટી સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
(2:53 PM IST)










