News of Monday, 8th July 2024
ગુરૂકુલ દ્વારા જગન્નનાથજીના જયઘોષ વચ્ચે દર્શનીય રથયાત્રા

રાજકોટ : અષાઢી બીજના પાવન દિવસે દર વર્ષની પરંપરા મુજબ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટથી સાંજના ૪ વાગ્યે પરમ પૂજ્ય ગુરુ મહારાજ શ્રી દેવ કળષ્ણદાસજી સ્વામી અને વડીલ સંતો, નારાયણદાસ સ્વામી, સંત વલ્લભ સ્વામી જ્ઞાનજીવનદાસજી સ્વામી, હરિપ્રિય સ્વામી વગેરે સંતોના હસ્તે રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતુ. ગુરુકુલના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની ૧૨૩મી જન્મ જયંતી અંતર્ગત ગુરુકુલમાં ભજન ભક્તિથી ઉજવણી કરવામાં આવી. મુખ્ય રથમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળભદ્રજીને નગર વિચરણ માટે ગુરુકુલથી ભક્તિનગર સર્કલ, શેઠ હાઈસ્કૂલ, બોલબાલા રોડ, ધર્મ ભક્તિ ચોક, ત્રિશુલ ચોક, જલારામ ચોક વગેરે વિચરણ કરી ગુરુકુલ પરત ફરેલ. આ રથયાત્રાનું આકર્ષણ એ હતું કે તે પ્રદૂષણ મુક્ત થીમ આધારિત હતી. અત્યંત ગરમીના માહોલમાં દર્શનાર્થીઓને ઠંડક માટે છાશવાલા તરફથી હજારો ભાવિકોને છાશનો પ્રસાદ આપવામાં આવ્યો. કાર્ટૂન કેરેક્ટરના ગેટ અપમાં બાળકોનું મનોરંજન કર્યું હતું. રથયાત્રામાં સામાજિક અગ્રણી વસંતભાઈ લીંબાસીયા, મ્યુ.કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર શ્રી ભરતભાઈ કાથરોટીયા વગેરે મહાનુભાવો જોડાયા હતા.
(3:18 PM IST)










