<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

રાજકોટના રાજમાર્ગો જય જગન્‍નાથજીના નાદથી ગુંજી ઉઠયા : વિશાળ શોભાયાત્રા

રાજકોટ : નાનામવા ખાતે આવેલ શ્રી જગન્નાથી મંદિર દ્વારા અષાઢી બીજ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દેદિપ્‍યમાન શોભાયાત્રા યોજવામાં આવી હતી. ભગવાન શ્રી જગન્નાથજી, બહેન શ્રી સુભદ્રાજી અને ભાઇ શ્રી બલરામજીના સુશોભિત રથ સાથે આ રથયાત્રાને નાનામવા ખાતેથી પ્રસ્‍થાન કરાવાયુ હતુ. સાધુવાસવાણી, રોડ, રૈયારોડ, ફુલછાબ ચોક, સોરઠીયાવાડી ચોક સહીતના નિયતરૂટ પર ફરીને આ શોભાયાત્રા સાંજે નાનામવા મંદિરે પરત ફરી હતી. ભાવિકોએ દરડા ખેંચીને રથને આગળ ધપાવવાનો લ્‍હાવો લીધો હતો. વિવિધ ફલોટસમાં સાધુના વેશમાં યુવાનોની ટીમે તેમજ રાધા કૃષ્‍ણની વેશભુષા સાથે નૃત્‍યના ફલોટે ભારે આકર્ષણ જમાવ્‍યુ હતુ. વિશાળ નંદીનો ફલોટ ઉપરાંત અન્‍ય ઘણા ફલોટસ જોડાયા હતા. વાનર અને રીંછની વેશભુષા સાથે પદયાત્રા તેમજ જુદા જુદા મંડળ અને સંસ્‍થાઓ પણ સુશોભિત ફલોટ સાથે આ રથયાત્રામાં જોડાયા હતા. ભાવિકોને ફણગાવેલા મગની પ્રસાદીનું વિતરણ કરવામાં આવેલ. તેમજ વિવિધ સ્‍થળોએ ઠાંપીણા અને જુદી જુદી પ્રસાદીના વિતરણથી શોભાયાત્રાનું ઉમળકાભેર સ્‍વાગત કરાયુ હતુ. તસ્‍વીરમાં વિશાળ મેદની સાથે ભગવાન જગન્નાથજીનો સુશોભિત રથ અને વિવિધ આકર્ષણ જમાવતા ફલોટસ નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:23 PM IST)