<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

સિવિલ હોસ્‍પિટલના નવા તબિબી અધિક્ષક તરીકે ચાર્જ સંભાળતા ડો. મોનાલી માકડીયા

બર્ન્‍સ અને પ્‍લાસ્‍ટીક સર્જરી વિભાગના પ્રાધ્‍યાપક ડો. મોનાલી માકડીયાને ડો. રાધેશ્‍યામ ત્રિવેદીએ ચાર્જ સુપરત કર્યોઃ દર્દીઓના લાભાર્થે નક્કર કાર્યવાહી થશેઃ બર્ન્‍સ વોર્ડના વડાની જવાબદારી પણ નિભાવશે

રાજકોટ તા. ૮: પીડીયુ સિવિલ હોસ્‍પિટલના તબિબી અધિક્ષક તરીકે તા. ૩-૦૪-૨૦૨૧થી ચાર્જમાં રહેલા ફિજીયોલોજીના પ્રાધ્‍યાપક ડો. રાધેશ્‍યામ ત્રિવેદીને આ ચાર્જમાંથી આરોગ્‍ય વિભાગે મુક્‍ત કરી તેમના સ્‍થાને બર્ન્‍સ અને પ્‍લાસ્‍ટીક સર્જરી વિભાગના પ્રાધ્‍યાપક ડો. મોનાલી માકડીયાની નિમણુંક કરતાં આજે ડો. રાધેશ્‍યામ ત્રિવેદી પાસેથી ડો. મોનાલી માકડીયાએ તબિબી અધિક્ષકનો ચાર્જ વિધીવત સંભાળી લીધો છે. તેમણે કહ્યું હતું કે હોસ્‍પિટલમાં દર્દીઓને સારી રીતે સારવાર મળે અને સરકારમાંથી દર્દીઓની સુવિધા વધે તે માટેના સતત અને નક્કર પ્રયાસો કરવામાં આવશે અને તેનો અમલ પણ કરાવવામાં આવશે.

સિવિલ હોસ્‍પિટલના તબિબી અધિક્ષકના ચાર્જમાંથી ડો. આર. એસ. ત્રિવેદીને મુક્‍ત કરવાનો આદેશ થયા પછી આજે  તબિબી અધિક્ષકની ખાલી પડેલી જગ્‍યા પર બર્ન્‍સ એન્‍ડ પ્‍લાસ્‍ટીક સર્જરી વિભાગ વર્ગ-૧ના પ્રાધ્‍યાપક ડો. મોનાલી માકડીયાએ ચાર્જ સંભાળ્‍યો છે. તેમની પાસે પીડીયુ મેડિકલ કોલેજના અધિક ડીનનો વધારાનો હવાલો પણ હતો, તેમાંથી તેમને મુક્‍તિ આપવામાં આવી છે.

ડો. મોનાલી માકડીયાએ કહ્યું હતું કે હોસ્‍પિટલના વડાની સાથે સાથે બર્ન્‍સ અને પ્‍લાસ્‍ટિક સર્જરી વિભાગના વડા તરીકેની પણ  મારી જવાબદારી છે એટલે બંને જવાબદારી સાથે લઈને ચાલવામાં કયાંક પણ કચાસ રહે કે ભૂલ થઇ જાય તો ધ્‍યાન દોરવું. તેમણે ચાર્જ સંભાળતા પહેલા રૂટિન સમયે હોસ્‍પિટલ પહોંચી પોતાની પહેલી ફરજ તેમના વિભાગના દર્દીઓના ઓપરેશનની કામગીરી પુરી કર્યા બાદ મેડિકલ કોલેજ ખાતે જઈ ડીન ડો.ભારતી પટેલની હાજરીમાં જરૂરી કાર્યવાહી પુરી કર્યા બાદ ચાર્જ સંભાળ્‍યો હતો.

શરૂઆતમાં ડો. મોનાલી માકડીયા તબિબી અધિક્ષકનો ચાર્જ સંભાળવા રાજી નહોતાં. પરંતુ હોસ્‍પિટલની  સ્‍થિતિ સુધરે , દર્દીઓને સારામાં સારી સુવિધા સારવાર મળે અને તે માટીની તમામ વ્‍યવસ્‍થા થઇ શકે તે હેતુથી સરકારના આદેશની અવગણના ન થાય તે માટે થઇને તેમણે આજે ચાર્જ સંભાળી લીધો હતો. જે તસ્‍વીરોમાં જોઇ શકાય છે.

(3:25 PM IST)