News of Monday, 8th July 2024
પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના રિમાન્ડ પુરા થતાં કોર્ટહવાલેઃ ઝડપથી ચાર્જશીટ કરવાની તૈયારી
ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં એક જ આરોપી સામે કુલ ત્રણ ગુના નોંધાયા હોય તેવા સાગઠીયા ફરી જેલહવાલે થશે

રાજકોટ તા.૮: ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં એક ગુનામાં ઝડપાયા બાદ બોગ મિનીટ બૂક બનાવવાના અને અપ્રમાણસર મિલ્કતોનો મળી કુલ ત્રણ ગુનામાં સંડોવાયેલા રાજકોટ મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ ડી. સાગઠીયાની એસીબીએ ધરપકડ કરી હતી. આજે તેના છ દિવસના રિમાન્ડ પુરા થતાં કોર્ટ હવાલે કરવાની તજવીજ થઇ હતી.
એન્ટી કરપ્શન બ્યુરોએ મનસુખ સાગઠિયા સામે ૧૦ કરોડથી વધુની અપ્રમાણસર મિલકતો અંગે ગુનો દાખલ કર્યો હતો. જે ગુનામાં તેની ધરપકડ કર્યા બાદ બાલાજી હોલ નજીક ટ્વિન ટાવરમાં આવેલી તેના ભાઈની ઓફિસમાં તપાસ કરતાં ત્યાંથી ૧૮.૧૮ કરોડની માલમત્તા મળી આવી હતી. જેમાં ૨૨ કિલોથી વધુ સોનાના દાગીના પણ હતાં. પૂછપરછમાં સાગઠિયાએ સોનાના આ દાગીના ભ્રષ્ટાચારના નાણામાંથી ખરીદ કર્યાની કબૂલાત આપી હતી. પુછપરછ દરમિયાન મનસુખ સાગઠિયાએ નિવેદનમાં જે હકીકતો જણાવી છે તેનું ક્રોસ વેરિફિકેશન એસીબીની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
તપાસ માટે એસીબીની સીટની પણ રચના કરવામાં આવી હોઇ તેના તેના અધિકારીઓ દ્વારા પણ અલગથી સાગઠિયાની પૂછપરછ થઇ છે. સાગઠિયા સામે કુલ ત્રણ ગુના નોંધાયા હતા. જેમાંથી બે ગુનામાં અગાઉ ધરપકડ થઇ ચૂકી છે. એસીબીના ત્રીજા ગુનામાં હાલ રિમાન્ડ આજે પુરા થયા છે. એવું જાણવા મળ્યું છે કે સાગઠિયાને કોર્ટ હવાલે કર્યા બાદ એસીબી બને તેટલી ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરશે. આ જ રીતે અગ્નિકાંડની તપાસ કરી રહેલી સીટ પણ ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરવા માગે છે. આગામી તા. ૨૫મીએ અગ્નિકાંડને બે માસ પૂરા થઇ રહ્યા છે. તે પહેલા આ કેસમાં ચાર્જશીટ ફાઇલ કરવા માટે સીટ દ્વારા હાલ પ્રયાસો થઇ રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે અત્યાર સુધીમાં સાગઠિયા પાસેથી ૨૮ કરોડથી વધુની અપ્રમાણસર મિલકતો મળી આવી છે. જે ગુજરાત એસીબી માટે રેકર્ડબ્રેક સમાન છે. એસીબીએ ઇન્કમટેક્સ અને ઇડીને પણ રિપોર્ટ કર્યો છે. આ જોતાં ટૂંક સમયમાં આ બંને વિભાગો દ્વારા પણ સાગઠિયા વિરૂધ્ધ તપાસ શરૂ થવાની શક્યતા નકારી શકાતી નથી.
(4:46 PM IST)










