News of Monday, 8th July 2024
લોહાનગરમાં કોલેરાનો બીજો કેસઃ ખળભળાટ
શહેરમાં રોગચાળાનો ભરડો પહેલા કેસથી ત્રીજા મકાનમાં દોઢ વર્ષની બાળકી ઝપટેઃ તબિયત સ્થીરઃ સપ્તાહમાં શરદી, ઉધરસના ઝાલા-ઉલ્ટીના ર૮પપ દર્દી મનપા તંત્રના ચોપડી નોંધાયા

રાજકોટ તા. ૮ :.. વર્ષ ર૦રર બાદ એટલે કે બે વર્ષ બાદ રાજકોટ શહેરમાં ગત સપ્તાહે કોલેરાનો પ્રથમ કેસ આવ્યા બાદ તે જ વિસ્તારમાં બીજો કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરના લોહાનગર વિસ્તારમાં દોઢ વર્ષની બાળકીને કોલેરા કેસ નોંધાયો છે. તબીયત સ્થીર છે. સીવીલ હોસ્પિટલમાં તબીબના દેખરેખ હેઠળ ઓર્બ્ઝેવેશનમાં રાખવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે ગત સપ્તાહે કોલેરાનો પ્રથમ કેસ આ જ વિસ્તારમાં નોંધાયો હતો. તેના ત્રીજા મકાનમાં જ આ બાળકી રહે છે. આરોગ્ય તંત્ર દ્વારા વિસ્તારમાં સઘન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા.૧ થી ૭ જુલાઇ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય
રોગચાળાનો ૧ કેસ
છેલ્લા સપ્તાહમાં મેલેરીયાના એક કેસ નોંધાયો છે. સીઝનનાં મેલેરીયાના ૧૦, ડેન્ગ્યુના ૨૦ તથા ચિકનગુનિયાના ૧૭ કેસ નોંધાયા છે.
શરદી-તાવના
૨૮૦૦થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૧૦૭૬ તેમજ સામાન્ય તાવના ૪૭૬ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૨૯૬ તથા ટાઇફોડનો ૪ તથા મરડાના ૧ અને કોલેરાના ૧ સહિત કુલ ૨૮૫૫થી વધુ દર્દીઓ નોંધાયા હતા.
મચ્છર ઉત્પતિ
સબબ ૭૩૧ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૧,૦૮,૨૨૦ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૩૧૭ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૧ હજાર થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૭૩૧લોકોને નોટીસ પાઠવી હતી
(5:06 PM IST)










