News of Wednesday, 10th July 2024
નવોઢા ચાંદની વાજાનો ફાંસો ખાઇ આપઘાત
મોરબી રોડ સેટેલાઇટ ચોક આસ્થા વેન્ટીલા સોસાયટીમાં બનાવઃ કારણ અકળઃ બાવરણ ગામે માવતર ધરાવતી ચાંદનીના પાંચ મહિના પહેલા જ લગ્ન થયા હતાં: કારણ જાણવા બી-ડિવીઝન પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ તા.૧૦: મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં આવેલી આસ્થા વેન્ટીલા સોસાયટીમાં રહેતી નવોઢા ચાંદની જયદિપ વાજા (ઉ.વ.૨૫)એ મોડી રાતે ત્રણેક વાગ્યે ચુંદડીથી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે.
રાત્રીના ચાંદનીએ ફાંસો ખાઇ લેતાં પરિવારજનને જાણ થતાં તુરત જ નીચે ઉતારી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ અહિ દમ તોડી દેતાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, તોૈફિકભાઇ જુણાચ, ભાવેશભાઇ મકવાણા, ધર્મેન્દ્રભાઇ હુદડે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.
આપઘાત કરનાર ચાંદની ત્રણ બહેન અને બે ભાઇમાં મોટી હતી. તેના માવતર રાજકોટના બારવણ ગામે રહે છે. પિતા કાનજીભાઇ ખોડાભાઇ સોરાણી ખેતી કરી ગુજરાન ચલાવે છે. પતિ જયદિપ પાંચાભાઇ વાજા પ્રાઇવેટ નોકરી કરે છે. લગ્નના પાંચ જ મહિનામાં એવુ તે શું બન્યું કે ચાંદનીને જીવ આપવો પડયો? તે અંગે પરિવારજનો કંઇ જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.
(10:49 AM IST)










