News of Wednesday, 10th July 2024
વ્યાજખોરીમાં ફસાતાં ધારી છોડી મેટોડા આવેલા અજય ચાવડાએ કંટાળીને ઝેરી દવા પી લીધી
લગ્ન વખતે અલગ અલગ લોકો પાસેથી પાંચેક લાખ લીધા હતાં: ઉઘરાણી માટે સતત ફોન આવતાં હતાં: બે મહિનાથી ગામ મુકી મેટોડા આવી ગયો છેઃ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૦: વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા સરકારની સુચના મળ્યા બાદ રાજ્યભરમાં પોલીસ લોક દરબારો યોજીને અરજી ફરિયાદ મેળવી તપાસ કર્યા બાદ ગુના નોંધવાની કાર્યવાહી કરી રહી છે. આ દરમિયાન મેટોડા જીઆઇડીસ ગેઇટ-૩માં પાઠક સ્કૂલ પાછળ રહેતાં અજય દેવજીભાઇ ચાવડા (ઉ.વ.૨૫) નામના યુવાને વ્યાજખોરીમાં ફસાઇ જતાં ઝેરી દવા પી લેતાં સારવાર માટે દાખલ કરાયો છે.
અજય ચાવડાએ રાતે નવેક વાગ્યે મેટોડા ગેઇટ નંબર ૨ પાસે ઉંદર મારવાની દવા પી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ધર્મેન્દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચે મેટોડા પોલીસને જાણ કરી હતી. અજયએ જણાવ્યું હતું કે પોતે બે ભાઇ અને બે બહેનમાં મોટો છે અને હાલમાં કંપનીમાં નોકરી કરે છે.
તેણે વધમું જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા જ તેના લગ્ન થયા છે. તે મુળ ધારીનો વતની છે અને બે મહિનાથી જ મેટોડા રહેવા આવ્યો છે. લગ્ન વખતે અલગ અલગ લોકો પાસેથી પાંચેક લાખની રકમ વ્યાજે લીધી હતી. શરૂઆતમાં વ્યાજ ચુકવ્યું હતું. પણ હાલમાં વ્યાજ ભરી શકતો ન હોઇ ઉઘરાણી માટે સતત ફોન આવતાં હોઇ હેરાનગતી વધી ગઇ હોઇ પોતે ગામ છોડી પત્નિ સાથે મેટોડા આવી ગયો હતો. હજુ પણ ઉઘરાણીના ફોન આવતાં હોઇ કંટાળી જતાં દવા પી લીધી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(12:41 PM IST)










