News of Wednesday, 10th July 2024
૧૦ લાખ સામે ૨૦, ૨૮ના ૩૫ અને ૧૩ની સામે ૧૫ લાખ વ્યાજ મંગાયુઃ જમીન વેંચી રોકડી કરી છતાં ઉઘરાણી ચાલુ રાખી!
વ્યાજંકવાદનો વધુ એક ગુનો દાખલઃ આજીડેમ પોલીસે અલ્પેશ દોંગા, ધમભા ગોહિલ અને ગંભીરસિંહ રેવર વિરૂધ્ધ એફઆઇઆર

કોઠારીયા આસોપાલવ સોસાયટીમાં રહેતાં અને કારખાનામાં નોકરી કરતાં દર્પણ પાનસુરીયાને ૨૦૨૧માં પ્લાસ્ટીકના કામ માટે અલ્પેશ પાસેથી ૧૦ લાખ લીધા, તેની સામે બે એકર જમીનનો દસ્તાવેજ કરી દીધો હતોઃ એ પછી તેણે ૧૦ના ૨૦ માંગ્યાઃ આ રકમ ચુકવવા ધમભા પાસેથી ૩૫ લાખ લીધા, તેણે વ્યાજ કાપી ૨૮ દીધાઃ એ પછી ગંભીરસિંહ પાસેથી ૧૩ લાખ લીધાઃ સમાધાનના ભાગ રૂપે ધમભાએ જમીન ૯૦ લાખમાં વેંચી નાખીઃ પણ તેણે રાજભા અને ગંભીરસિંહને રકમ ન દીધીઃ અંતે ફરિયાદ નોંધાવાઇ
રાજકોટ તા. ૧૦: વ્યાજખોરો સામે કડક કાર્યવાહીના સરકારના આદેશ બાદ રાજ્યભરના શહેરો ગામોમાં પોલીસે લોક દરબાર, જનસંપર્ક સભા યોજી અરજીઓ મેળવ્યા બાદ હવે ગુના નોંધવાનું ચાલુ કર્યુ છે. ગઇકાલે રાજકોટમાં વ્યાજખોરીના ત્રણ ગુના દાખલ થયા બાદ વધુ એક એફઆઇઆર દાખલ થઇ છે. જમાં આસોપાલવ સોસાયટીમાં રહેતાં અને નોકરી કરતાં યુવાને અલગ અલગ ત્રણ લોકો પાસેથી લીધેલા ૧૦ લાખ સામે ૨૦ લાખ, ૨૮ લાખ સામે ૩૫ લાખ અને ૧૩ લાખ સામે ૧૫ લાખ માંગી તેમજ આ યુવાનના પિતાના નામની બે એકર જમીન હતી તે રજીસ્ટર દસ્તાવેજ કરાવી લઇ વેંચી નાખી પૈસા મેળવી લીધા પછી પણ એક શખ્સે હજુ ૧૫ લાખની ઉઘરાણી ચાલુ જ રાખતાં અંતે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.
આ બનાવમાં આજીડેમ પોલીસે કોઠારીયા રોડ સાઇબાબા સર્કલ પાસે આસોપાલવ સોસાયટીમાં રહેતાં અને એસકેએમ એન્જિનીયરીંગ કારખાનામાં મજૂરી કરતાં દર્પણ હંસરાજભાઇ પાનસુરીયા (ઉ.વ.૨૪)ની ફરિયાદ પરથી અલ્પેશ દોંગા, ધમભા ગોહિલ અને ગંભીરસિંહ રેવર વિરૂધ્ધ બીએનએસ કોમ ૩૦૮ (૨), ૫૪ અને ગુજરાત નાણા ધીરધાર અધિનિયમની કલમ ૫, ૪૦, ૪૨ મુજબ ગુનો નોંધ્યો છે.
દર્પણ પાનસુરીયાએ પોલીસને જણાવ્યું છે કે મારે સંતાનમાં એક દિકરો છે, મારા પિતા પ્લાસ્ટીકનું મજૂરી કામ કરે છે. વર્ષ ૨૦૨૧માં હું ગણેશ સોસાયટીમાં રહેતો હતો ત્યારે મારા ઘરે વ્યાજ વટાવનો ધંધો કરતાં અલ્પેશ દોંગા સાથે મુલાકાત થઇ હતી. તે વખતે પ્લાસ્ટીકના ધંધા માટે મારે રૂપિયાની જરૂર હોઇ અલ્પેશ પાસેથી ૧૦ લાખ ૩ ટકા વ્યાજેથી લીધા હતાં. વ્યાજ એક સાથે ચુકવવાનું નક્કી થયું હતું. બદલામાં મારા પિતાના નામની લીલી સાજડીયાળી ગામે બે એકર જમીન હોઇ તેનો રજીસ્ટર દસ્તાવેજ વિજય રામાણીના નામે અલ્પેશ દોંગાના કહેવાથી કરી આપ્યો હતો. ત્યારે અલ્પેશે કહેલુ કે તું જ્યારે મને વ્યાજ સહિત રૂપિયા પાછા આપીશ ત્યારે હું દસ્તાવેજ તારા નામે કરી કરી આપીશ.
આ પછી હું અલ્પેશને મે-૨૦૨૪માં મેં રૂપિયા દસ વાખ વ્યાજ સહિત આપવાની તૈયારી બતાવતાં તેણે કહેલું કે હવે ૧૦ લાખના ૨૫ લાખ આપવા પડશે, જો નહિ આપ તો તારી જમીનનો દસ્તાવેજ તારા નામે નહિ કરું. મારી પાસે આટલી રકમ ન હોઇ વાતચીતના અંતે અલ્પેશ ૨૦ લાખમાં માની ગયો હતો. એ પછી હું તેને ૨૦ લાખ આપવા તૈયાર થયો હતો. પણ રૂપિયાની સગવડ ન થતાં મેં સગા સંબંધીઓ પાસેથી ઉછીના ભેગા કર્યા હતાં. પણ પુરા પૈસા ન થતાં અલ્પેશને ચુકવવા માટે ૨૦૨૨માં ધમભા ગોહિલ પાસેથી મેં ૩ ટકા વ્યાજે ૩૫ લાખ લીધા હતાં. આ રકમ એક વર્ષ માટે લીધી હતી. જો કે તેણે ૩૫ લાખમાંથી એક વર્ષના રૂપિયા કાપી લઇ ૨૮ લાખ જ દીધા હતાં. જો કે હું પરત આપુ ત્યારે મારે ૩૫ લાખ જ ચુકવવાના તેવું તેણે કહ્યું હતું.
આ પછી મેં રાજકોટના ગંભીરસિંહ પાસેથી ૧૩ લાખ એક વર્ષ માટે ૩ ટકાના વ્યાજે લીધા હતાં. તેને પણ વ્યાજ એક સાથે આપવાનું હતું. પણ ગંભીરસિંહને પાછળથી ખબર પડી હતી કે મારા પર દેણું થઇ ગયું છે આથી તેણે મારી પાસેથી હાથ ઉછીનાનું વ્યાજ સહિતનું ૧૫ લાખનું લખાણ કરાવી લીધુ હતું. એ પછી ધમભા ગોહિલના ભત્રીજા રાજભા જે મારા મિત્ર છે તેમણે મને ૨૦ લાખ હાથ ઉછીના આપ્યા હતાં. તે મળી કુલ ૯૦ લાખમાં જમીન મેં આ લોકોને આપી દધી હતી. જે જમીનનો વહીવટ ધમભા ગોહિલ પાસે હતો. તેમણે જમીન વેંચી પૈસા લઇ લીધા હતાં અને રાજભા તથા ગંભીરસિંહને રૂપિયા ન આપતાં હવે ગંભીરસિંહે મારી પાસે ઉઘરાણી ચાલુ કરી હતી.
અલ્પેશ દોંગા પાસેથી મેં ૩ ટકે ૧૦ લાખ લીધા હોઇ તેના તે ૨૦ લાખ માંગે છે, તેમજ ધમભા પાસેથી ૩ ટકે ૨૮ લાખ લીધા હોઇ તે ૩૫ લાખ માંગે છે અને ગંભીરસિંહ પાસેથી ૩ ટકે ૧૩લ ાખ લીધા હોઇ તે વ્યાજ સહિત ૧૫ લાખ માંગતા હોઇ તેમજ આ બધાએ આ રકમના બદલામાં મારા પિતાની બે એકર જમીન પણ આ લોકોએ રજીસ્ટર દસ્તાવેજ કારવી લીધો હોઇ છતાં ગંભીરસિંહ હજુ મારી પાસે ૧૫ લાખ માંગતા હોઇ મારા નામનો આટલી રકમનો ચેક લખાવી લીધો હોઇ અંતે મારે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં દર્પણ પાનસુરીયાએ જણાવતાં આજીડેમ પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં હેડકોન્સ. પી. એ. સુળીયાએ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ગઇકાલે ભક્તિનગર, બી-ડિવીઝન, કુવાડવા પોલીસે વ્યાજખોરીના ગુના નોંધ્યા બાદ હવે આજીડેમ પોલીસમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વ્યાજખોરોમાં આ કાર્યવાહીથી ફફડાટ શરૂ થયો છે.
(2:44 PM IST)










