News of Wednesday, 10th July 2024
ચાર મહિના બાદ લોક પ્રશ્નો ચર્ચાશેઃ સભા તોફાની બનશે ?
૧૮મીએ મનપાનું બોર્ડઃ ટીઆરપી ગેમઝોન મુદ્દો ગાજશે : કોંગ્રેસના ૩ સભ્યોના ટીઆરપી ગેમઝોન સહિતના સવાલો : ભાજપના નગરસેવકોના ૧૭ પ્રશ્ન રજૂ : પ્રથમ પ્રશ્ન વોર્ડ નં. ૧૦ના જયોત્સનાબેન ટીલાળાના પ્રશ્નથી ચર્ચા શરૂ થશે

રાજકોટ તા. ૧૧ : મ્યુનિ. કોર્પોરેશનની દ્વિમાસીક સામાન્ય સભા ચાર મહિના બાદ આગામી તા. ૧૮ના ગુરૂવારે સવારે ૧૧ કલાકે બોલાવવા મેયર નયનાબેન પેઢડિયાએ આજે એજન્ડા બહાર પાડયો છે. આ બોર્ડમાં ટીઆરપી ગેમ ઝોન સહિતના પ્રશ્નો વિપક્ષના સભો દ્વારા પુછવામાં આવ્યા છે. જેથી આ સભામાં ટીઆરપી ગેમ ઝોન મુદ્દો ગાજશે અને સભા તોફાની બનાવવાની શકયતાઓ દર્શાય રહી છે. આ સભામાં ભાજપના ૧૭ નગરસેવકો દ્વારા ૩૨ અને કોંગ્રેસના ૩ સભ્યોના ૮ સહિત કુલ ૨૦ નગરસેવકો દ્વારા ૪૦ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે.
લોકસભાની ચૂંટણીની આદર્શ આચાર સંહિતા ગત જુન માસમાં પુર્ણ થતા દર બે મહિને યોજાતું જનરલ બોર્ડ ચાર મહિના બાદ આગામી ૧૮ જુલાઇના મળનાર સામાન્ય સભા માટે આજે એજન્ડા બહાર પડયા બાદ બપોર સુધીમાં કુલ ૨૦ કોર્પોરેટરોએ પ્રશ્નો મૂકયા હતા. જેનો ચિઠ્ઠી ખેંચીને ડ્રો કરવામાં આવતા ભાજપના વોર્ડ નં. ૧૦ના કોર્પોરેટર જયોત્સનાબેન ટીલાળાના કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષમાં કુલ કેટલી રકમની ગ્રાન્ટ રાજકોટ મહાનગરપાલિકાને ફાળવામાં આવી? તે ગ્રાન્ટ પૈકી કયાં કયાં કામો હાથ ધરવામાં આવેલ? મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ૧ વર્ષમાં એકશન પ્લાન હેઠળ કેટલા કામો કરવામાં આવ્યા? કયા કયા વોર્ડમાં? તેની વિગતવાર માહિતી સહિતના પ્રશ્નોથી બોર્ડની ચર્ચાનો પ્રારંભ થશે.
જયારે બીજા ક્રમાંકે વોર્ડ નં. ૧પનાં કોંગ્રેસના કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયાએ ટીઆરપી ગેમ ઝોનમાં રાજકોટ મહાનગર પાલીકાના ફાયર સેફટી વિભાગ તેમજ ટાઉન પ્લાનીંગ વિભાગ તેમજ ફુડ વિભાગ અને જગ્યા રોકાણ વિભાગની મંજુરી લીધી હતી કે કેમ? જેવી કે ફુડ વિભાગે ટીઆરપીના સ્ટોલોમાં કેટલા સ્ટોલની મંજુરી આપી હતી? ફાયર સેફટી વિભાગનું એનઓસી લીધુ હતુ કે કેમ? તેવી જ રીતે જગ્યા રોકાણ અને ટીપી શાખાની મંજુરી મેળવી હતી કે કેમ? બીજુ ર૦ર૩ના ૯ માં મહિનામાં આ ગેમઝોનમાં આગ લાગી ત્યારે કયાં કયાં ફાયર સ્ટેશનમાંથી પાણીના ટેન્કરો ગયા હતા. કેટલા ટેન્કરો ગયા હતા? કેટલા ડ્રાઇવરો અને કેટલા ફાયરમેનો ગયા હતા. આ ગેમ ઝોનને ર૬૦ (ર) મુજબની નોટીસ આપી હતી કે કેમ? સહીતની તમામ વિગતો આપવી તથા પ્રિમોન્સુનની મનપાની કામગીરીની વિસ્તૃત માહીતી, છેલ્લા બે માસમાં નોંધાયેલ રોગચાળાના આંકડાની માહીતી માંગવામાં આવી છે. ત્રીજા ક્રમાંકે વોર્ડ નં. ૧૬ના કંચનબેન સિધ્ધપુરાએ આગામી જનરલ બોર્ડમાં છેલ્લા બે માસમાં દબાણ હટાવ વિભાગ દ્વારા કઈ કઈ કામગીરી કરવામાં આવી? તેની વિસ્તાર વાઈઝ વિગતવાર માહિતી આપવી.
આ ઉપરાંત ચોથા ક્રમાંકે વોર્ડ નં. ૩ ના કોર્ર્પોરેટર કસુમબેન ટેકવાણી શહેરમાં હાલ કેટલી ટી.પી. સ્કીમો મંજુર થયેલ છે? કેટલી ટી.પી. સ્કીમો બનાવવાની કામગીરી ચાલુ છે? તેની વિગતવાર માહિતી આપવી તથા મહાનગરપાલિકા હસ્તક કયા-કયા કોમ્યુનિટી હોલનું બુકીંગ ઓનલાઈન થાય છે? રીફંડની રકમ કેટલા સમય બાદ અરજદારોને પરત મળે છે? છેલ્લા ૦૩ માસમાં કોમ્યુનિટી હોલનું બુકીંગ પરત્વે કેટલી આવક થઇ ? સહીતના પ્રશ્નો રજુ કર્યા છે.
કયા કયા નગરસેવકોએ
પ્રશ્નો રજૂ કર્યા...?
જયોત્સનાબેન ટીલાળા ર
વશરામભાઇ સાગઠીયા ૩
કંચનબેન સિધ્ધપુરા ર
કુસુમબેન ટેકવાણી ર
બીપીનભાઇ બેરા ર
ભારતીબેન પરસાણા ર
કોમલબેન ભારાઇ ૩
સોનલબેન સેલારા ર
ડો. અલ્પેશભાઇ મોરઝરીયા ૧
મગનભાઇ સોરઠિયા ર
રાણાભાઇ સાગઠિયા ર
કેતનભાઇ પટેલ ર
ડો. દર્શનાબેન પંડયા ર
દિલીપભાઇ લુણાગરીયા ર
દેવાંગભાઇ માંકડ ર
કીર્તિબા રાણા ર
ડો. રાજેશ્રીબેન ડોડીયા ર
નિલેશભાઇ જલુ ર
ભારતીબેન પાડલીયા ૧
મકબૂલભાઇ દાઉદાણી ર
કયા પક્ષના કેટલા પ્રશ્નો
ભાજપ કોંગ્રેસ કુલ
કોર્પોરેટર ૧૭ ૩ ર૦
પ્રશ્નો ૩ર ૮ ૪૦
(3:30 PM IST)










