News of Wednesday, 10th July 2024
વિરલ સોસાયટીમાં વહેલી સવારે કારનો ચાલક બે થાંભલા અને બે કારને ઠોકરે લઇ છનનન
નાના મવા રોડ આરકે પ્રાઇમ પાછળ વહેલી સવારે બનાવઃ સોસાયીના બોર્ડ અને સીસીટીવીના થાંભલામાં પણ નુકસાનઃ સદ્દનસિબે કોઇ રાહદારી ઠોકરે ન ચડયું: રહેવાસીઓએ પોલીસને જાણ કરી

રાજકોટઃ શહેરના નાના મવા રોડ પર આરકે પ્રઇમા પાછળ આવેલી વિરલ સોસાયટીમાં વહેલી સવારે એક કારનો ચાલક કોઇપણ કારણોસર બેકાબૂ બની ગયો હતો અને આ કારની ઠોકરે સોસાયટીના બોર્ડનો થાંભલો અને સીસીટીવીનો થાંભલો ચડી જતાં બંને થાંભલા જમીનદોસ્ત થઇ ગયા હતાં. એટલુ જ નહિ આ કારની ઠોકરે પાર્ક કરાયેલી અન્ય બે કાર પણ ચડી જતાં તેમાં ભારે નુકસાની થઇ હતી. અવાજ થતાં લોકો ઘર બહાર દોડી આવ્યા હતાં. પણ ત્યાં સુધીમાં અકસ્માત સર્જનાર શખ્સ કાર સાથે ભાગી ગયો હતો. વિરલ સોસાયટીના રહેવાસીઓના કહેવા મુજબ વહેલી સવારે સાડા પાંચેક વાગ્યે એકાએક અવાજ થતાં પોતે ઘર બહાર નીકળી ગયા હતાં. આ વખતે સોસાયટીના બોર્ડનો થાંભલો તેમજ સીસીટીવી કેમેરાનો થાંભલો પડી ગયેલા દેખાયા હતાં. આગળ પાર્ક કરાયેલી આદિત્ય અશોકભાઇ શીંગાળાની જીજે૦૩એમબી-૯૮૪૭ નંબરની આઇ-૨૦ કાર તથા હરૂભા રાઘવજી ડાભીની જીજે૩સીએ-૧૮૪૪ નંબરની મારૂતિ વેન કાર પણ નુકસાની થયેલી હાલતમાં દેખાઇ હતી. તપાસ થતાં કોઇ કારનો ચાલક થાંભલા અને આ બંને કારને ઠોકરે લઇ ભાગી ગયાનું જણાયું હતું. સદ્દનસિબે આ સમયે કોઇ રહેવાસી કે રાહદારી રોડ પર ન હોઇ દુર્ઘટના અટકી હતી. બનાવની જાણ સોસાયટીના રહેવાસીઓ અને જેમની કારમાં નુકસાની થઇ તેણે પોલીસને કરવા તજવીજ કરી હતી. કારની ઠોરે ચડેલા બોર્ડના થાંભલા અને નુકસાની થઇ તે કાર જોઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)
(4:05 PM IST)










