<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

ઓશો સાથે જોડાયેલ ૨૦૦ ફેસબુક ડિલિટ : કરોડો ઓશો પ્રેમીઓમાં રોષ

સેંકડો ઓશો ધ્‍યાન કેન્‍દ્રો ઉપર ઉજવાતા વિવિધ તહેવારો - ઉત્‍સવોની માહિતી સોશિયલ મીડિયા પેઇજ દ્વારા ઓશો પ્રેમીઓને અપાતી : અકિલાની મુલાકાતે આવેલા સ્‍વામી ચૈતન્‍ય કિર્તીજીએ માહિતી આપી : વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી ભારતમાં ઓશો પ્રેમીઓ સામેના આ ક્રૂર વર્તનની કૃપા કરીને નોંધ લે તેવી વિનંતી

અકિલાની મુલાકાતે આવેલા સ્‍વામી ચૈતન્‍ય કિર્તી સાથેની યાદગાર પળો.

રાજકોટ તા. ૧૧ : એક જ દિવસમાં ઓશો નામ સાથે જોડાયેલ ૨૦૦ ફેઇસબુક પેઇજ ડિલિટ કરી નાંખતા લાખો કરોડો ઓશો પ્રેમીઓમાં આઘાત સાથે રોષ વ્‍યાપ્‍યો હતો. આ અંગે અકિલાની મુલાકાત વખતે સ્‍વામી ચૈતન્‍ય કિર્તીજીએ વિશેષ માહિતી આપી હતી.

ભારત અને વિશ્વભરમાં ઓશોના લાખો શિષ્‍યો અને પ્રેમીઓ છે. તેઓ જુલાઇ મહિનામાં અષાઢ પૂર્ણિમાના અવસર પર પૂર્ણિમાને ઓશો પૂર્ણિમા તરીકે ઉજવે છે. વર્ષ ૧૯૯૦ સુધી જ્‍યારે ઓશો જીવિત હતા તેમના શિષ્‍યો અને પ્રેમીઓ ખાસ કરીને સમગ્ર ભારતમાંથી આ ઉત્‍સવમાં ભાગ લેવા પૂણેમાં તેમના આશ્રમમાં આવતા હતા. આ ક્રમ વર્ષ ૨૦૦૦ સુધી ચાલુ રહ્યો હતો. પરંતુ પછીથી પુણેમાં આ તહેવારની ઉજવણી બંધ કરી દેવામાં આવી ત્‍યારથી ભારતના વિવિધ વિસ્‍તારોમાં સેંકડો ઓશો ધ્‍યાન કેન્‍દ્રો સ્‍થાપિત છે. જ્‍યાં આ તહેવાર ઉજવવામાં આવે છે. શિષ્‍યો અને પ્રેમીઓ માહિતી પ્રકાશિત કરે છે અને ફેઇસબુક અને સોશિયલ મીડિયા દ્વારા અન્‍ય ઓશો પ્રેમીઓને આ ઉત્‍સવમાં ભાગ લેવા આમંત્રણ આપે છે.

આ વર્ષે ગુરૂ પૂર્ણિમા તા. ૨૧મી જુલાઇએ છે પરંતુ તેના બે અઠવાડિયા પહેલા ૭મી જુલાઇએ ફેઇસબુક પર ઓશોના નામ સાથે જોડાયેલા ૨૦૦ પેજ પર ઓશો ઇન્‍ટરનેશનલ ફાઉન્‍ડેશન (જે સ્‍વિત્‍ઝર્લેન્‍ડની ઓશો ઇન્‍ટરનેશનલ ફાઉન્‍ડેશનને આધિન કાર્ય કરે છે)ના સંચાલકો દ્વારા પ્રતિબંધિત કરવામાં આવતા હાહાકાર મચી ગયો છે. આ સોશિયલ મીડિયાના પેઇજને હટાવી દેવામાં આવ્‍યું છે જેથી પહેલાની જેમ આવા તહેવારોની માહિતી ઓશોના તમામ શિષ્‍યો સુધી ન પહોંચે.

આ કાવતરું સ્‍વિત્‍ઝર્લેન્‍ડના ઓશો ઇન્‍ટરનેશનલ ફાઉન્‍ડેશનનું હોવાનું કહેવાય છે જે સમયાંતરે ઓશોના નામ પર કોપિરાઇટ અને ટ્રેડમાર્કનો ઇજારો જાહેર કરતું રહે છે. આ ફાઉન્‍ડેશનને તેનું નામ ઝુરિચમાં નોંધ્‍યું છે. ઝુરિચમાં આ ફાઉન્‍ડેશન વિશ્વની સાંઇઠથી વધુ ભાષાઓમાં પ્રકાશિત થયેલા ઓશો પુસ્‍તકો પર રોયલ્‍ટી એકત્રિત કરે છે તે પૈસા ભારતમાં આવતા નથી તે osho.com પર ઓશોના હિન્‍દી અને અંગ્રેજી ઉપદેશોને ઓનલાઇન ડાઉનલોડ કરીને વિશ્વના ઘણા દેશોમાંથી પૈસા કમાય છે પણ આ બધી કમાણી ભારત બહાર રહે છે.

આ સિવાય ઓશોના નામ સાથે સંકળાયેલા ધ્‍યાન ઉત્‍સવોમાં ઓશોના ભારતીય શિષ્‍યો અવરોધાય છે. તેનો હેતુ ઓશોને એક કોમોડિટી તરીકે વેચવાનો છે તેથી તે દરરોજ ઓશોના સંદેશનાં મુકત પ્રસારમાં અસંખ્‍ય અવરોધો ઉભા કરે છે. ઓશોના ભારતીય શિષ્‍યો તેમના ક્રૂર વર્તનથી ખૂબ નારાજ છે. તેમનો ગુસ્‍સો વધી રહ્યો છે. તેઓ ટુંક સમયમાં કોર્ટના દરવાજા પણ ખટખટાવશે અને ઓશોના વારસા પરના અન્‍યાયી ઇજારાશાહીને પડકારશે.

અકિલાની મુલાકાતે આવેલા સ્‍વામી ચૈતન્‍ય કિર્તીજીએ માહિતી આપી હતી.

(3:47 PM IST)