તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th July 2024
નિર્દયી કાર ચાલકે ઠોકરે ચડેલા ૬૪ વર્ષના વૃધ્ધા વિજયાબેન બથવારને બે-અઢી કિ.મી. સુધી ઢસડયા : કમકમાટી ભર્યુ મોત
રાજકોટમાં કાલાવડ રોડ ધોળાધાર રાધે હોટેલ પાસે રાતે ચોંકાવનારી ‘હિટ એન્ડ રન'ની ઘટનાઃ કારના નંબરને આધારે તપાસનો ધમધમાટ : કણકોટ રહેતાં વૃધ્ધા રાતે ભંગાર વીણી દિકરા સાથે ઘર તરફ આવતાં હતાં ત્યારે બનાવઃ માનસિક સ્થિતી સારી નથી એવા દિકરાએ કારની પાછળ દોટ મુકી પણ સ્પીડ વધુ હોવાથી આંબી શક્યો નહિઃ દોડતો દોડતો કણકોટ પાટીયે પહોંચ્યો ત્યારે માતાની લાશ મળીઃ તાલુકા પોલીસે મૃતકના મોટા દિકરા જગદીશભાઇની ફરિયાદ પરથી જીજે૦૩એનકે-૨૦૯૫ નંબરની કારના ચાલક સામે ગુનોઃ કાર કબ્જે : મોટા દિકરા જગદીશભાઇને ફઇના દિકરા મારફત ઘટનાની જાણ થતાં તે તુરત રાધે હોટેલ પાસે ગયાઃ ત્યાંથી છેક કણકોટ સુધી આવ્યા ત્યારે માતાનો મૃતદેહ અને ત્યાં નાનો ભાઇ દિનેશ મળ્યા : કારના માલિક ધોરાજી રહે છે, તેણે મેટોડા રહેતાં બનેવી જયેશ દવેરાને ચલાવવા આપી હતીઃ જયેશની શોધખોળ

તસ્વીરમાં કારમાં ફસાયા બાદ ઢસડાઇને મૃત્યુ પામનારા વિજ્યાબેન બથવારનો ફાઇલ ફોટો તથા તેમનો મૃતદેહ જ્યાંથી મળ્યો તે કણકોટ પાટીયા પાસે એકઠા થયેલા લોકો, પોલીસ સ્ટાફ, ૧૦૮ની ટીમ જોઇ શકાય છે
રાજકોટ તા. ૧૨: શહેરના કાલાવડ રોડ પર ધોળાધાર રાધે હોટેલ પાસે રાત્રીના એક ચોંકાવનારી અને જીવલેણ હિટ એન્ડ રનની ઘટના બની હતી. કણકોટના પાટીયે રહેતાં ૬૪ વર્ષના વૃધ્ધા રાતે સાડા અગિયારેક વાગ્યે પોતાના માનસિક અસ્વસ્થ એવા દિકરા સાથે ભંગાર વીણીને પગપાળા ઘર તરફ જઇ રહ્યા હતાં ત્યારે એક સફેદ રંગની કાર બેફામ સ્પીડથી નીકળી હતી અને આ વૃધ્ધાને ઠોકરે ચડાવી દીધા હતાં. ઠોકરે ચડયા બાદ ફંગોળાઇ જવાને બદલે આ વૃધ્ધા કારમાં જ ફસાઇ ગયા હતાં. આમ છતાં ચાલકે કાર ઉભી રાખી દેવાને બદલે બેફામ સ્પીડથી ભગાવ્યે રાખી હતી. પુત્ર આ કારની પાછળ દોડયો હતો. પરંતુ કારની સ્પીડ વધુ હોવાથી તે આંબી શક્યો નહોતો. તે દેકારો મચાવતો મચાવતો કાર જે તરફ ભાગી તે તરફ આગળ વધતો ગયો હતો. છેલ્લે આશરે બે થી અઢી કિલોમીટર આગળ કણકોટના પાટીયે તેને તેના માતા મૃત હાલતમાં મળ્યા હતાં. કારચાલક ભાગી ગયો હતો.
આ પ્રકારે નિર્દયી રીતે જીવલેણ અકસ્માત સર્જી ભાગી ગયેલો કારચાલક કોણ? તે જાણવા પોલીસની ટીમો રાતભર કામે લાગી હતી. કારના નંબર લોકોએ જોઇ લીધા હોઇ તેના આધારે ગુનો નોંધી પોલીસે તપાસ યથાવત રાખી છે. ચકચાર જગાવનારી અને અરેરાટીભરી આ ઘટનામાં તાલુકા પોલીસે મૃત્યુ પામનાર કણકોટ પચા વારીયા પાછળ રહેતાં વિજ્યાબેન બીજલભાઇ બથવાર (ઉ.વ.૬૪)ના પુત્ર કણકોટ ગામ પચાસ વારીયા ઇન્દિરાનગર આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતાં જગદીશભાઇ બીજલભાઇ બથવાર (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી સફેદ રંગની જીજે૦૩એનકે-૨૦૯૫ નંબરની કારના ચાલક વિરૂધ્ધ બીએનએસ અધિનીયમની કલમો ૨૮૧, ૧૦૬ (૧) મુજબ પુરઝડપે બેદરકારી અને ગફલતભરી રીતે કાર હંકારી વિજ્યાબેન ચાલીને જતાં હોઇ તેને ઠોકરે લઇ રોડ પર ઢસડી માથા, શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી કાર લઇને ભાગી જવાનો ગુનો નોંધી તેને ઝડપીલેવા દોડધામ શરૂ કરી છે.
જગદીશભાઇ બથવારે જણાવ્યું હતું કે હું પવિરાર સાથે રહુ છું અને છુટક મજૂરી કરુ છું. મારા પિતા બીજલભાઇ બથવારનું આઠેક વર્ષ પહેલા અવસાન થયું છે. મારા માતા વિજ્યાબેન બથવાર મારાથી અલગ અમારા મકાનની પાછળના ભાગે મારા નાના ભાઇ દિનેશ સાથે રહે છ. માતા અને ભાઇ દિનેશ બંને ભંગાર વીણવાનું કામ કરે છે. નાના ભાઇ દિનેશની માનસિક સ્થિીત બરાબર ન હોઇ જેથી તે મારા માતા સાથે જ દરરોજ ભંગાર વીણવા જાય છે.
ગુરૂવારે રાતે સાડા અગિયારેક વાગ્યે હું મારા ઘરે હતો ત્યારે માસીના દિકરા જીતુભાઇનો મને ફોન આવ્યો હતો કે તમારા માતાને ધોળાધાર રાધે હોટેલ પાસે અકસ્માત થયો છે, તમે જલ્દી આવી જાવ. આથી હું તુરત મારા બાઇક પર ત્યાં પહોંચ્યો હતો. જ્યાં જીતુભાઇ હાજર હોઇ મને કહેલું કે કોઇ ફોરવ્હીલવાળાએ અકસમાત કર્યો છે અને તારા માતા એ ફોરવ્હીલની સાથે ઢસડાતા ઢસડાતાં સાથે જ ગયા છે, પાછળ તારો નાનો ભાઇ દિનેશ પણ દોડતો ગયો છે. આથી હું મારા બાઇક પર તપાસ કરતો કરતો છેક કણકોટના પાટીયા સુધી પહોંચ્યો હતો. જ્યાં નિરાલી રીસોર્ટ પાસે ટી પોસ્ટ નજીક માણસોનું ટોળુ ઉભુ હોઇ અને ૧૦૮ તથા પોલીસની ગાડી પણ હોઇ હું ત્યાં જતાં કપડા નીચે એક લાશ હતી. જે કપડુ ઉંચકીને જોતાં મારા માતા વિજ્યાબેનની લાશ હતી. નાનો ભાઇ દિનેશ પણ ત્યાં હાજર હતો.
દિનેશને મેં પુછતાં તેણે કહેલુ કે હું અને મમ્મી વિજ્યાબેન બંને ભંગાર વીણીને ઘરે પાછા આવતાં હતાં ત્યારે ધોળાધાર હોટેલ પાસે હું પાણી પીવા ઉભો હતો અને માતા સ્હેજ આગળ ચાલતાં થયા હતાં ત્યારે એક સફેદ રંગની કાર આવી હતી જેની ઠોકરે મમ્મી ચડી ગયા હતાં. મમ્મી તે કારની નીચે આવી ગયા હતાં અને તેની સાથે જ ઢસડાવા માંડયા હતાં. હું દોડીને કારની પાછળ પાછળ ગયો હતો પરંતુ કાર ક્યાંય ઉભી રહી નહોતી. હું પાછળ પાછળ જતાં છેક કણકોટ પાટીયા પાસે પહોંચતા માણસો ભેગા થયા હોઇ અને પોલીસ તથા ૧૦૮ આવી ગઇ હોઇ અહિ મેં મમ્મીની નીચે પડેલા જોયા હતાં અને ૧૦૮ના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતાં.
અહિ ભેગા થયેલા લોકોએ મને વાત કરી હતી કે એક સફેદ કલરની કાર હતી. જેના નંબર જીજે૦૩એનકે-૨૦૯૫ હતાં. આ વાત મારા નાના ભાઇ દિનેશે મને કરી હતી. તેમ વધુમાં જગદીશભાઇએ જણાવતાં પીઆઇ ડી. એમ. હરિપરાની રાહબરીમાં પીએસઆઇ એલ. ડી. ડીંડોર તથા રાઇટર જયદિપભાઇ દેવમુરારીએ જીવલેણ અકસ્માત સર્જી ભાગી ગયેલા કાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો. કારના નંબર લોકોએ નોંધ્યા છે. જે સાચા છે કે ખોટા? તે સહિતની તપાસ પોલીસે હાથ ધરી હતી. દરમિયાન કારના માલિક અને કારના ચાલક અંગે પોલીસને માહિતી મળી ગઇ હતી. કાર પણ કબ્જે લેવામાં આવી છે. જો કે કાર ચાલક હાથમાં આવ્યો નથી. તેને શોધી કાઢવા અને સીસીટીવી ફૂટેજ મેળવવા ટીમો કામે લાગી છે. (૧૪.૬)
ઘટના સ્થળે લોકોએ કહ્યું-માજી ઢસડાયા તેમની સાડીના ટુકડા મળ્યા, લોહીના લિસોટા રોડ પર પડી ગયા હતાં: પીછો કરનારા લોકો આ નિશાનને આધારે કણકોટ પાસે પહોંચ્યા
ઞ્જ બનાવ સ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતાં. કાર સાથે ફસાયેલા વૃધ્ધા આશરે ત્રણેક કિલોમીટર સુધી ઢસડાયા હતાં. કારમાં માતા ફસાઇ ગયા હોઇ તેની પાછળ દિકરો દિનેશ દોડતો હતો, રાડો પાડતો હતો. તેણે બીજા લોકોને જાણ કરતાં લોકો દોડી આવ્યા હતાં અને કારનો પીછો કર્યો હતો. પરંતુ કારચાલક હાથમાં આવ્યો નહોતો. રાધે હોટેલના સંચાલકના કહેવા મુજબ માજીને આશરે ચારેક કિલોમીટર ઢસડયા છે, રોડ પર સાડીના કટકા અને લોહીના ડાઘા દેખાયા છે. અમે આ નિશાનોને આધારે પાછળ પાછળ દોડતાં અંતે અમને કણકોટ પાસે મૃતદેહ મળ્યો હતો. લોકોના કહેવા મુજબ સફેદ રંગની અર્ટીગા કાર હતી. લોકોએ એવુ પણ કહ્યું હતું કે અકસ્માત તો સર્જાતા હોય છે પણ આ કિસ્સામાં નિર્દયી ચાલક માજીને ઠોકરે ચડાવ્યા પછી કાર ઉભી રાખવાને બદલે ફસાવેલા વૃધ્ધાને ઢસડતો ગયો હતો અને અંતે તેઓ મૃત્યુ પામ્યા હતાં. તસ્વીરમાં મૃતક વિજ્યાબેનનો નાનો પુત્ર દિનેશભાઇ તથા કારનો પીછો કરનારા અન્ય એક વ્યક્તિ જોઇ શકાય છે. દિનેશભાઇની માનસિક સ્થિતી બરાબર ન હોવાનું તેમના સ્વજનોએ કહ્યું હતું. (૧૪.૬)
ડીસીપી જગદીશ બાંગરવાએ કહ્યું-કારના માલિક ધોરાજીના સતિષભાઇ સીંગલ, તેણે બનેવી જયેશ દવેરાને આપી હતીઃ કાર કબ્જે, જયેશ દવેરા ફરાર
જયેશ મુળ જુનાગઢ તરફનો છે, હાલ મેટોડા ભાડેથી રહે છેઃ પીઆઇ ડી. એમ. હરિપરા
રાજકોટઃ હિટ એન્ડ રનની ઘટના અંગે ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે આ ગુનામાં તાલુકા પોલીસે ગુનો દાખલ કર્યો છે અને રાતો રાત ટીમોએ તપાસ કરી કાર માલિક સહિતની વિગતો શોધી કાઢી છે. ગાડીના માલિક ધોરાજીના સતિષભાઇ કાંતિલાલ સિંગલ છે. તેમનો મોબાઇલ ફોનથી સંપર્ક કરતાં તેણે જણાવ્યું હતું કે તેમણે પોતાની આ કાર પોતાના બનેવી જયેશભાઇ કિશોરભાઇ દવેરાને ચલાવવા આપી હતી.
પોલીસે જયેશભાઇના ઘરે તપાસ કરતાં તે મળી આવ્યા નહોતાં, કાર કબ્જે કરી લેવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વૃધ્ધાને કાર સાથે દોઢથી બે કિલોમીટર સુધી ઢસડયા હતાં. તપાસમાં પુરાવા બાદ જો ગંભીર બેદરકારી જણાશે તો આઇપીસી ૩૦૪, બીએનએસની કલમ ૧૦૫નો ઉમેરો કરવામાં આવશે. હાલ બીએનએસની ૧૦૬ (૧), ૨૮૧ મુજબ ગુનો નોંધાયો છે. સીસીટીવી ફૂટેજ કબ્જે કરવા પણ તજવીજ થઇ રહી છે. તાલુકા પીઆઇ ડી. એમ. હરિપરાના જણાવ્યા મુજબ જયેશ દવેરા મુળ જુનાગઢ તરફ વતન ધરાવે છે અને હાલ મેટોડામાં ભાડેથી રહે છે. તે ઘરે મળી આવેલ નથી, કાર કબ્જે કરવાની કાર્યવાહી થઇ છે. તેમજ કાર ચાલકને ઝડપી લેવા ટીમો કાર્યરત છે.

(3:00 PM IST)










