તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th July 2024
સુશિલે મોબાઇલનો ઘા કર્યો તે હર્ષિલને લાગતાં મોત થયુ'તું: આરોપીને સાથે રાખી ઘટનાનું રી-કન્ટ્રક્શન :નવાગામની ૧મેની ઘટનામાં ૧૭ વર્ષના હર્ષનું મોત હાર્ટએટેકથી નહિ પણ હુમલાથી થયાનું ખુલ્યા બાદ કુવાડવા પોલીસે ૩૦૪ મુજબ ગુનો નોંધ્યોઃ ચાર્જીંગ મામલે ઝઘડો થયો હતો
એસીપી બારીયાની રાહબરીમાં કુવાડવા પોલીસ, એલસીબી ઝોન-૧ પીએસઆઇ બી. વી. બોરીસાગર અને ટીમ દ્વારા ટેક્નીકલ પુરાવા એકઠા કરવા ડીવીઆરના અને ફરિયાદીએ રજૂ કરેલા સીસીટીવી ફૂટેજ મેચ કરાશે

રાજકોટ તા. ૧૨: શહેરના કુવાડવા રોડ પર નવાગામમાં બે મહિના પહેલા તા.૧ મેના રોજ એક ગોડાઉનમાં સંત કબીર રોડ પર ગોકુલનગરમાં રહેતો ૧૭ વર્ષનો હર્ષિલ કમલેશભાઇ ગોરી એકાએક ઢળી પડયો હતો. ત્યાંથી તેને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તેને તબિબે મૃત જાહેર કર્યો હતો. જે તે વખતે આ ઘટના હાર્ટએટેકની હોવાની પોલીસે નોંધ કરી એ.ડી. દાખલ કરી કાર્યવાહી પુરી કરી હતી. પરંતુ આ ઘટનામાં મૃત્યુ પામનારના કુટુંબી પાસે જ્યાં બનાવ બન્યો તે સ્થળના સીસીટીવી ફૂટેજ સામે આવતાં તેમાં હર્ષિલ ઢળી પડયો એ પહેલા તેની સાથે મારામારી થયાનું જણાતાં આ મામલે કુવાડવા પોલીસને રજૂઆત થતાં અંતે પોલીસે મૃતકના પિતા કમલેશભાઇ માવજીભાઇ ગોરી-ભાનુશાળી (ઉ.વ.૪૭)ની ફરિયાદ પરથી સુશિલ ઉર્ફ સુતલો સુખાભાઇ હેરભા (ઉ.વ.૨૪, રહે. મોરબી રોડ રાજલક્ષ્મી સોસાયટી) વિરૂધ્ધ આઇપીસી ૩૦૪, ૩૩૭ મુજબ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે. આરોપીની ધરપકડ કરી સાંજે તેને ઘટના સ્થળે લઇ જઇ પોલીસ સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરશે અને ટેકનીકલ પુરાવા એકઠા કરશે. તેમજ રિમાન્ડ માંગણી પણ કરવામાં આવશે.
પોલીસે ફરિયાદમાં કમલેશભાઇ ગોરીએ જણાવ્યું હતું કે મારો ૧૭ વર્ષનો પુત્ર હર્ષિલ નવાગામમાં આવેલા નારણજી પેરાજ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં નોકરી કરતો હતો. હર્ષિલ તા. ૧ મેના રોજ રાત્રીના લગભગ ૯.૩૦ થી ૧૦ વાગ્યાની આસપાસ આ ગોડાઉન ખાતે નોકરી પર હતો ત્યારે હુ઼ અને મારા પત્નિ કમળા ગોરી કચ્છ દર્શનાથે ગયા હતાં. રાતે સાડા દસેક વાગ્યે મારા મોટા ભાઇ ભાવેશભાઇએ ફોન કરી કહેલું કે તારા દિકરા હર્ષિલની તબીયત સારી નથી, રાજકોટ સિવિલ હોસ્પિટલે લઇ ગયા છે. આથી અમે તુરત રાજકોટ આવ્યા હતાં. અહિ વહેલી સવારે સાડા પાંચે પહોંચતા જાણવા મળેલુ કે ડોક્ટરે રાતે સાડા બારેક વાગ્યે હર્ષિલને મૃત જાહેર કર્યો છે.
એ પછી હર્ષિલ નોકરી કરતો હતો એ ગોડાઉનના શેઠ શીવજીભાઇએ ફોન કરી મને કહેલું કે હર્ષિલ ટ્રાન્સપોર્ટની ઓફિસે પાણી પીતા પીતા બેભાન થઇ ગયો હતો અને હોસ્પિટલે લઇ ગયા હતાં. તેને હાર્ટએટેક આવી ગયાનું અમને લાગ્યું હતું. જે તે વખતે અમને મૃત્યુ અંગે કોઇ શંકા વહેમ નહોતાં. પણ અંતિમવિધી પુરી થયા બાદ મારા પત્નિએ હર્ષિલ જ્યાં નોકરી કરતો હતો ત્યાંના સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું કહેતાં મેં નવાગામ આણંદપર ખાતે ગોડાઉનના શેઠ શીવજીભાઇ ગોરીના ઘરે જઇ ફૂટેજ માંગતા તેમણે તેના દિકરા રોહનને વાત કરતાં રોહને અમને તા. ૧/૫/૨૪ના તમામ ફુટેજે પેનડ્રાઇવમાં આપ્યા હતાં.
આ ફૂટેજ જોતાં તેમાં કેમેરા નં. ૩ના ફૂટજેમાં મારા દિકરા હર્ષિલ પર સાથે કામ કરતો સુશિલ આહિર મોબાઇલ જેવી વસ્તુનો ઘા કરતો દેખાયો હતો. જે તેને માથામાં લાગતાં જ થોડી સેકન્ડોમાં જ મારો દિકરો ઓફિસ બહાર પડી જતો દેખાયો હતો. અમે સિવિલ હોસ્પિટલમાંથી પી.એમ. નોટ મેળવતાં તેનું મોત હાર્ટએટેકથી નહિ પણ માથાના ભાગે થયેલી ઇજાથી થયાનું જાણવા મળ્યું હતું. આ વિગતો જે તે વખતે શીવજીભાઇ ગોરી સહિતે છુપાવી હોઇ અમે પોલીસ કમિશનરને અરજી કરી હતી. તેના આધારે ગુનો દાખલ કરાવ્યો હતો.
ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી આર. એસ. બારીયાની રાહબરીમાં પીઆઇ વી.આર. રાઠોડ, અજીતભાઇ લોખીલ અને ટીમ તથા એલસીબી ઝોન-૧ ટીમના પીએસઆઇ બી. વી. બોરીસાગર, વિજેન્દ્રસિંહ ઝાલા સહિતની ટીમે ગુનો નોંધવાની કાર્યવાહી કરી હતી અને આરોપીની ધરપકડ કરી હતી. સુશીલે રટણ કર્યુ હતું કે મોબાઇલ ફોનના ચાર્જીંગ બાબતે બોલાચાલી થતાં અપશબ્દ કહેવાતાં તેણે મોબાઇલ ફોનનો ઘા કર્યો હતો. પોલીસ સુશિલને સાથે રાખી સાંજે ઘટના સ્થળે રી-કન્સ્ટ્રકશન કરશે અને ડીવીઆરના તથા પેન ડ્રાઇવના ફૂટેજ એક જ છે તેની ખરાઇ કરી ટેકનીકલ પુરાવા એકઠા કરશે. સુશિલના રીમાન્ડની તજવીજ પણ કરવામાં આવશે.
(2:03 PM IST)










