News of Friday, 12th July 2024
સિવિલ હોસ્પિટલમાં ફરજ દરમિયાન એક્સ આર્મીમેને રક્તદાન કરી દર્દીનો જીવ બચાવ્યો જવાને કહ્યું-બ્લડ ડોનેટ કરીને મેં કોઇ ઉપકાર નથી કર્યો, માનવી તરીકેની ફરજ બજાવી છે, બીજા લોકોએ પણ દર્દીઓના લાભાર્થે સતત રક્તદાન કરવું જરૂરી

રાજકોટ તા. ૧૨: દેશના સીમાડાઓની રક્ષા કરતાં ફોૈજી જવાનો પોતાની ફરજમાંથી નિવૃત થયા પછી પણ લોકોને મદદરૂપ થવા માટેની પોતાની ખુંવારીને ખતમ થવા દેતાં નથી. આ વાતનો પુરાવો રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલમાં ખાસ સિક્યુરીટી ટીમમાં ફરજ બજાવી રહેલા નિવૃત આર્મીમેને આપ્યો છે. પોતે ફરજ પર હતાં ત્યારે એક દર્દીને ઓપરેશન વખતે એબી પોઝિટીવ લોહીની તત્કાળ જરૂર ઉભી થઇ હતી. હોસ્પિટલમાં લોહી ન હોઇ સગા સ્વજન આકુળવ્યાકુળ થઇ આટાફેરા કરતાં જોવા મળતાં તેઓ ચિંતામાં હોવાનું પારખી ગયેલા આ જવાને તુરત જ તેમની તકલીફ જાણી હતી. પોતાનું બ્લડગ્રુપ એ-પોઝિટીવ હોઇ તુરત જ તે રક્તદાન માટે દોડી ગયા હતાં અને પોતાનું લોહી આપી દર્દીની જિંદગી બચાવી લીધી હતી.
જાણવા મળ્યા મુજબ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી તબિબી અને નર્સિંગ સ્ટાફની સલામતી માટે અન્ય સિક્યુરીટીની સાથે સાથે નિવૃત આર્મીમેનની ટીમની પણ ખાસ ફરજ માટે નિમણુંક કરવામાં આવી છે. તે પૈકીના એક હેબતપુર ભાલના વતની અને હાલ રાજકોટ રહેતાં ધર્મેન્દ્રસિંહ હરદેવસિંહ ચુડાસમા નામના જવાન ટ્રોમા કેર સેન્ટર ખાતે ફરજ બજાવે છે. ગત ૩૧મી માર્ચના રોજ તેઓ ફોૈજીની ફરજમાંથી નિવૃત થયા છે.
ધર્મેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે મેં અગાઉ જમ્મુ કશ્મીર ખાતે નવ વર્ષ અને એ પછી સાડા ત્રણ વર્ષ સુધી સિક્કીમ ડોકલામ ખાતે ફરજ બજાવી હતી. છેલ્લે ત્રણ વર્ષ રાજસ્થાન બીકાનેર ખાતે ફરજ બજાવી નિવૃત થયો છું. હાલમાં પીડીયુ સિવિલ હોસ્પિટલ ખાતે બીજા એક્સ આર્મીમેન સાથે ખાસ સિક્યુરીટી ફોર્સમાં ફરજ બજાવુ છું. મારી નોકરી ગઇકાલે ટ્રોમા સેન્ટર ખાતે હતી. એ વખતે ઉપરના માળેથી એક દર્દીના સગા નીચે આવતાં અને તેમના ચહેરા પર ખુબ ચિંતા દેખાતાં મેં તેમને શું થયું? પુછતાં તેમણે પોતાના સ્વજનને દાખલ કરાયા છે અને ઓપરેશન આવ્યું છે, તેમને એબી પોઝિટીવ લોહી તત્કાળ આપવું પડે તેમ છે. પરંતુ તેમની પોતાની ઉમર ઓછી હોઇ લોહી આપી શકે તેમ નથી અને સિવિલની બ્લડબેંકમાં પણ આ ગ્રુપનું લોહી નથી. આ સાંભળતાં જ મારુ બ્લડ ગ્રુપ એ-પોઝિટીવ હોઇ મેં તુરત જ તેમને ચિંતા નહિ કરવા જણાવી બ્લડ ડોનેટ માટે તૈયારી દાખવી હતી અને બ્લડબેંકમાં જઇ રક્તદાન કરી દીધુ હતું.
આ રીતે એક દર્દીની જિંદગી બચી ગઇ હતી. સરહદ પર અમે હમેંશા દેશની દેશવાસીઓની રક્ષા કરવાની નેમ સાથે ફરજ પર સતર્ક રહેતાં હતાં. નિવૃતી પછી પણ ફોૈજી બીજા લોકોને મદદરૂપ થવાનું ભુલતાં નથી. મને પણ હમેંશા જરૂરીયાતમંદ લોકોની મદદ કરવાનું ગમે છે. મારા રક્તદાનથી એક દર્દી બચી ગયા અને તેમના પરિવારની ચિંતા દુર થઇ એ મારા માટે ખુબ મોટી ખુશીની ક્ષણ હતી. મેં આવું કરીને કોઇ ઉપકાર નથી કર્યો પણ એક માનવી તરીકેની ફરજ બજાવી છે. સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતાં આ નિવૃત ફોૈજીએ બીજા લોકોને પણ ‘રક્તદાન મહાદાન'ના સુત્રને નજર સામે રાખી સમયાંતરે સિવિલ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે રક્તદાન કરતાં રહેવા અનુરોધ કર્યો હતો. (૧૪.૧૦)જમ્મુ કશ્મીર, ડોકલામ, બીકાનેર ખાતે ફરજ બજાવી ગત ૩૧ માર્ચના નિવૃત થયેલા જવાન મુળ હેબતપુર ભાલના વતની ધર્મેન્દ્રસિંહ કહ્યું-હમેંશા જરૂરીયાતમંદ લોકોની મદદ કરવી મને ગમે છે
(2:05 PM IST)










