<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th July 2024

લોકમેળામાં તમામ યાંત્રિક રાઇડ ધારકોને માટે વીમો ફરજીયાત : ટેસ્‍ટ રીપોર્ટ બાદ જ વીજ કનેકશન અપાશે

તમામ રાઇડ્‍સ માલીકોને ELCB લેવા આદેશો : દરેક સ્‍ટોલમાં ફાયર સેફટી રાખવા સૂચના સીટી પ્રાંત-૧ ડો. ચાંદની પરમાર દ્વારા સૂચનાઓ જાહેર કરાઇ : દરેકને GST ફરજીયાત ભરવા આદેશો

રાજકોટ તા. ૧૨ : રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા દ્વારા રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે તા. ૨૪થી ૨૮ ઓગસ્‍ટ દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ લોકમેળામાં ધંધાર્થે સ્‍ટોલ લેવા માગતા અરજદારોએ ભરવાના ફોર્મ બાબતે લોકમેળા અમલીકરણ સમિતિના અધ્‍યક્ષ તથા નાયબ કલેક્‍ટર ડો. ચાંદની પરમાર દ્વારા મહત્‍વના આદેશો જાહેર કરાયા છે.

જેમાં જણાવાયું છે કે, લોકમેળાના દરેક સ્‍ટોલ ધારકે ફરજીયાત સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે અને તેનું રેકોર્ડિંગ ૩૦ દિવસ સુધી સાચવવાનું રહેશે. લોકમેળાના દરેક નાના સ્‍ટોલ - પ્‍લોટ ધારકે એક ફાયર એક્‍સ્‍ટિંગ્‍યુશર અને મોટા રાઇડ્‍સ, સ્‍ટોલ/ પ્‍લોટ ધારકે બે ફાયર એક્‍સ્‍ટિંગ્‍યુશર લગાવવાના રહેશે.

લોકમેળાના યાંત્રિક રાઈડસધારકોએ કોઈ અનિચ્‍છનિય બનાવ ના બને તે માટે વીમો લેવાનો રહેશે. યાંત્રિક રાઈડ્‍સધારકોએ ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાના રહેશે. યાંત્રિક રાઇડસ ધારકોને ટેસ્‍ટ રિપોર્ટ મેળવ્‍યા બાદ જ વીજજોડાણ આપવામાં આવશે. તમામ રાઇડસ ધારકોએ ઈ.એલ.સી.બી. લગાવવાના રહેશે.

લોકમેળામાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક વપરાશ પર પ્રતિબંધ હોવાથી સિંગલ યૂઝ પ્‍લાસ્‍ટિક વાપરી શકાશે નહીં. દરેક સ્‍ટોલધારકોએ ફાળવેલી જગ્‍યા પાસે એક ડસ્‍ટબીન ફરજીયાત પણે મુકવાની રહેશે. લોકમેળા દરમિયાન પણ આ ડસ્‍ટબિનમાંથી કચરો એકઠો કરી મોટી કચરાપેટીમાં લઈને નિકાલ માટે વ્‍યવસ્‍થા કરવાની રહેશે. લોકમેળાના દરેક સ્‍ટોલ-પ્‍લોટ ધારકોએ સરકારના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ, જીએસટી ભરવાનો રહેશે. ઉપરાંત કોઈ અનિચ્‍છનિય બનાવ ના બને તે માટે સરકારના પ્રવર્તમાન એસ.ઓ.પી.- નિયમો તથા સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.

(2:32 PM IST)