News of Friday, 12th July 2024
બાળકોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે તો દેશનું ભવિષ્ય સ્વસ્થ બનશેઃ દિકરીઓએ કોઇપણ કામથી ભાગવુ નહિ
કોર્પોરેશન દ્વારા કસ્તુરબા હાઇસ્કુલ અને શાળા બાળ આરોગ્ય ચકાસણી કાર્યક્રમ : સાંસદ રૂપાલા- મેયર નયનાબેનનું ઉદબોધનઃ દાતાઓનું સન્માનઃ બાળકોની ચકાસણી

રાજકોટ તા.૧૨: ‘‘રાર્ષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ'' અભિયાન અંતર્ગત ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૪માં કસ્તુરબા હાઈસ્કુલ ખાતે ‘‘શાળા બાળ આરોગ્ય ચકાસણી'' કાર્યકમ યોજવામાં આવ્યો. કાર્યક્રમમાં સાંસદ શ્રી પરસોતમભાઇ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, પ્રમુખશ્રી IMA (ગુજરાત) ડૉ.ભરતભાઈ કાકડીયા, ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી ખુલ્લો મુકવામાં આવ્યો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ હતા.
આ કાર્યક્રમમાં સાંસદ પરસોતમભાઇ રૂપાલા, રામભાઈ મોકરીયા, મુકેશભાઈ દોશી, ડૉ.દર્શિતા શાહ, જયમીન ઠાકર, લીલુબેન જાદવ, મનીષભાઈ રાડીયા, કેતનભાઈ પટેલ, રસીલાબેન સાકરીયા, નીલેશભાઈ જલુ, ડૉ.ભરતભાઈ કાકડીયા (ઈ.એન.ટી. સ્પેશ્યાલિસ્ટ) અને શહેર ભાજપ ઉપપ્રમુખ ડૉ.ચેતન લાલચેતા, કોર્પોરેટરો ડૉ.દર્શનાબેન પંડ્યા, ભારતીબેન મકવાણા, મહેશભાઈ મિયાત્રા, કેયુરભાઈ મશરૂ, માનસુરભાઈ વાળા, વૈશાલીબેન મહેતા, આરોગ્ય અધિકારીશ્રી ડૉ.જયેશ વકાણી, ડૉ.લલીત વાજા તેમજ વિસ્તારવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.
આજના આ ‘‘શાળા બાળ આરોગ્ય ચકાસણી'' કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ ખુબ જ અગત્યનો કહેવાય. આપ સૌ બાળકોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે તો આપણા દેશનું ભવિષ્ય સ્વસ્થ બનશે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય એ છે કે, જન્મજાત બાળકનું પ્રાથમિક તબક્કાથી જ આરોગ્ય સારું રહે. ઘણી વખત પરિવારને નાની બીમારી વિશે જાણકારી નથી હોતી પરંતુ આ ‘‘શાળા બાળ આરોગ્ય ચકાસણી'' કાર્યક્રમ થકી બાળકની બીમારી ઉજાગર થાય છે અને તેના માટે મેડીકલ ટીમ દ્વારા આગળની સારવાર માટે મોકલવામાં આવે છે. બાળકને જે પણ બીમારી નીકળે તેના માટે રાજ્ય સરકારશ્રી તરફથી વિનામૂલ્ય સારવાર કરાવવામાં આવે છે. તો મારી દરેક પરિવારના સભ્યોને નમ્ર વિનંતી છે કે, બાળકને ‘‘શાળા બાળ આરોગ્ય ચકાસણી'' કાર્યક્રમ થકી બાળકની બીમારી ઉજાગર થાય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજના આરોગ્યલક્ષી કાર્યક્રમમાં મેડીકલ ક્ષેત્રે શ્રેષ્ઠ એવા ડોકટરોની ટીમ પણ અહી ઉપસ્થિત રહી છે તેમનું પણ માર્ગદર્શન આપણેને સૌને મળવાનું છે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર સહીતની સમગ્ર ટીમ અને આરોગ્યની ટીમને સમગ્ર રાજ્ય સરકાર વતી શુભેચ્છા પાઠવું છું. આપણા દેશના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ લશ્કરી ક્ષેત્ર સહીત વિવિધ ક્ષેત્રમાં દેશની દીકરીઓને પુરુષ સમોવડી ગણી છે. આજે દીકરીઓ ફાઈટર પ્લેન ઉડાવી રહી છે, કમાન્ડો બની છે તો તેના માટે બાળપણથી જ તંદુરસ્ત રહેવું જરૂરી છે.
આ તકે મેયર નયનાબેન પેઢડીયાએ પ્રાસંગિક ઉદબોધન અને પોતાના અભ્યાસ સમયના સ્મરણો યાદ કરતા જણાવેલ કે, જ્યાં ભણ્યા હોય ત્યાં પ્રગતિ થાય ત્યારે ખુશી થાય. મે અહી આજ મેદાનમાં બેસીને અભ્યાસ કર્યો છે. અમારા સમયે આ મેદાનમાં રાજ્ય સરકારની વિવિધ રમતો રમતા હતા જેમાં મારી પસંદગીની રમત ‘ખો-ખો' હતી. બાળપણમાં રમેલી રમતો અત્યારે બહુ યાદ આવે છે. દિકરીઓ તમારે આવનારા સમયમાં બે પરિવારને ઉજાગર કરવાના છે માટે અત્યારથી જ દરેક કામને એવી રીતે કરો કે પોતાનું કામ હોય. કોઈપણ કામથી ભાગવું નહી. દીકરીઓ પોતાના સ્વાસ્થ્યને સારું રાખશે તો પરિવારના તમામ સભ્યોની કાળજી કરી શકશે.
આ કાર્યક્રમમાં શ્રી કસ્તુરબા હાઈસ્કુલની છાત્રો દ્વારા મહાનુભાવોનું પુસ્તક અર્પણ કરી સ્વાગત કરવામાં આવેલ. આ કાર્યકમમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. આભારવિધિ આરોગ્ય સમિતિના ચેરમેન કેતનભાઈ પટેલ દ્વારા કરવામાં આવી. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દાતા નાનુભાઈ અને નીલેશભાઈ જલુનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના ગ્રાઉન્ડમાં મહાનુભાવોએ વળક્ષારોપણ કર્યું હતું.
‘‘રાર્ષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ'' અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજાનાર આ કાર્યક્રમમાં શાળાના તમામ બાળકોના નિઃશુલ્ક સ્ક્રીનીંગ, હિમોગ્લોબીન, Td ૧૦ અને Td ૧૬ રસીકરણ જેવી ચકાસણી કરવામાં આવશે.
(3:35 PM IST)










