<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

ચુલાની ઝાળે સળગી ગયેલી પત્‍નિને તેડીને પતિએ નદીમાં છલાંગ લગાવી

ચુલો સળગાવવા કલરનું ડબલુ રેડયું ને ભડકો થતાં લપેટમાં આવી ગઇ : મોટામવા નદી કાંઠે ઝૂપડામાં રહેતી કોમલબેન ગંભીર રીતે દાઝી જતાં સારવાર હેઠળઃ પતિ રવિ વાઘેલા પણ બચાવવા જતાં હાથમાં દાઝી ગયો

રાજકોટ તા. ૧૩: શહેરના મોટા મવા નદી કિનારે ઝૂપડામાં પતિ, પરિવાર સાથે રહેતી પરિણીતા ચુલામાં રસો બનાવતી હોઇ ભડકો કરવા માટે કેરોસીન કે બીજુ જ્‍વલનશીલ પ્રવાહી ન હોઇ જુનુ કલર ભરેલુ ડબલુ પડયું હોઇ તેમાંથી કલર રેડતાં મોટો ભડકો થતાં તેની લપેટમાં આવી ગઇ હતી. ચીસો સાંભળી નજીકમાંથી પતિ દોડી આવ્‍યો હતો અને સળગતી પત્‍નિની આગ ઓલવવા માટે તેને તેડીને નજીકમાં નદીમાં ધૂબાકો મારી દીધો હતો. પતિ પણ હાથમાં દાઝી ગયો હતો. પરિણીતા ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી.

જાણવા મળ્‍યા મુજબ મોટા મવા ભીમનગર નજીક નદી કાંઠે ઝૂપડામાં રહેતી કોમલબેન રવિભાઇ વાઘેલા (ઉ.વ.૨૫) સવારે અગિયારેક વાગ્‍યે ગંભીર રીતે દાઝી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચ, ધર્મેન્‍દ્રભાઇ હુદડે તાલુકા પોલીસને જાણ કરી હતી.

કોમલબેનના લગ્ન અઢી વર્ષ પહેલા થયા છે. સંતાનમાં એક પુત્ર છે. પતિ રવિ ભંગારની ફેરી કરે છે. પરિવારજનના કહેવા મુજબ કોમલબેન રસોઇ બનાવવા ચુલા પાસે બેઠી હતી ત્‍યારે ચુલામાં વધુ તાપ કરવા તેણે નજીકમાં પડેલા જુના કલરના ડબલામાંથી કલર રેડતાં મોટો ભડકો થતાં તે લપેટમાં આવી ગઇ હતી.  દેકારો થતાં પતિ રવિ વાઘેલા દોડી આવ્‍યો હતો અને સળગતી પત્‍નિને તેડીને આગ ઓલવવા માટે નજીકમાં જ નદીમાં કૂદી ગયો હતો.  પત્‍નિને બચાવવા જતાં પોતે પણ હાથના ભાગે દાઝી ગયો હતો. તેને પ્રાથમિક સારવાર અપાઇ હતી. જ્‍યારે કોમલબેનને દાખલ કરવામાં આવી હતી. તાલુકા પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(2:53 PM IST)