News of Saturday, 13th July 2024
મનપાની બાંધકામ અને કાયદા સમિતિના ચેરમેન બદલાવાની વિચારણા
તબિયત નાદુરસ્ત હોવાના કારણે બાંધકામ સમિતિનું ચેરમેનપદ છોડવાની ભાવેશ દેથરીયાની તૈયારીઃ દેવુબેન જાદવના સ્થાને કંકુબેન ઉધરેજાની પસંદગી થવાની શકયતા

રાજકોટ,તા.૧૩: મહાનગરપાલિકાની ૧૫ ખાસ સમિતિઓ પૈકી બાંધકામ અને કાયદા સમિતિઓના નવા ચેરમેનની નિયુક્તિ કરવા માટે આગામી જનરલ બોર્ડની બેઠકમાં અરજન્ટ બિઝનેસ દરખાસ્ત મુકવામાં આવે તેવી સંભાવના છે.આવાસ યોજનામાં ક્વાર્ટર ફાળવણીમાં પતિદેવની સંડોવણી ખૂલતા ભાજપે દેવુબેન જાદવને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.તેઓ પાસેથી કાયદો અને નિયમોની સમિતિના ચેરમેનનું પદ પણ આંચકી લેવાયું છે. જયારે બાંધકામ સમિતિના ચેરમેન ભાવેશભાઈ દેથરીયાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેઓએ પણ ચેરમેનપદ છોડવાની લાગણી વ્યક્ત કરી છે. ત્યારે આ બંને સમિતિના ચેરમેન બદલાવાની વિચારણા શાસક પક્ષમાં ચાલી રહ્યુ છે. સુત્રોએ જણાવ્યું હતું.
આ અંગે સુત્રોમાંથી મળતી વિગત મુજબ વોર્ડ નં. ૬ના ભાજપના નગરસેવિકા દેવુબેન જાદવના પતિદેવ મનસુખ જાદવે આવાસ યોજના કવાર્ટર ફાળવણીમાં આચરેલા મહા કૌભાંડ બાદ તેઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. દેવુબેન જાદવ પાસેથી કાયદો અને નિયમોની સમિતિનું ચેરમેન પદ પણ આંચકી લેવામાં આવ્યું છે.આ સમિતિનું ચેરમેનપદ છેલ્લા ઘણા સમયથી ખાલી પડ્યો હોય કોર્પોરેશનમાં આગામી ૧૮મી જુલાઈએ મળનાર જનરલ બોર્ડની બેઠકમાં અરજન્ટ બિઝનેસ મૂકી વોર્ડ નં.૪ના નગરસેવિકા કંકુબેન ઉધરેજાને કાયદા સમિતિના નવા ચેરમેન બનાવવા વિચારણા ચાલી રહી છે.
બીજી તરફ વોર્ડ નાં. ૬ ના કોર્પોરેટર અને બાંધકામ સમિતિના ચેરમેન ભાવેશભાઈ દેથળીયાની તબિયત છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત છે.તેઓએ તબિયતના કારણે ચેરમેનપદ છોડવાની તૈયારી દર્શાવી હોય જનરલ બોર્ડમાં બાંધકામ સમિતિના નવા ચેરમેનની નિમણૂક માટે પણ નિર્ણય લેવાય શકે છે. આ માટે વોર્ડ નં.૬ ના કોર્પોરેટર પરેશ પીપળીયા(પીપી) નું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.
(3:29 PM IST)










