<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th July 2024

રાજકોટ એરપોર્ટથી ઓક્‍ટોબર મહિનાથી ઇન્‍ટરનેશનલ ફલાઇટ

સરકાર - એરપોર્ટ ઓથોરીટી આખરે સફાળા જાગ્‍યા : વિરોધના પડઘા પડયા : રાજકોટ ઇન્‍ટરનેશનલ એરપોર્ટ પર નિર્માણાધીન ઇમારતમાં ઇમીગ્રેશન - કસ્‍ટમ્‍સ સહિતની સુવિધાઓ ઉભી થઇ રહી છે : સત્તાવાર જાહેરાત

રાજકોટ તા. ૧૩ : લોકસભાની ચૂંટણી વખતે ખોબલે - ખોબલે મતો મેળવવાના ઇરાદાથી ઉતાવળે લોકાર્પણ કરી દેવાયેલા રાજકોટ એરપોર્ટ પરથી ઇન્‍ટરનેશનલ ફલાઇટો શરૂ નહિ થતાં ચોતરફ તેનો વિરોધ ઉઠયા બાદ આજે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્‍યું છે કે, આગામી ઓકટોબર મહિનાથી રાજકોટ એરપોર્ટ પરથી વિદેશ જવા માટેની ફલાઇટો શરૂ થશે.

આ અંગે સત્તાવાર વર્તુળોએ જણાવ્‍યું છે કે, એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્‍ડિયા દ્વારા હીરાસર ખાતે એક અદ્યતન ઇમારતનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે ટુંક સમયમાં ખુલ્લી મુકી દેવાશે. આ ટર્મિનલ બિલ્‍ડીંગની ડિઝાઇન અને બાંધકામ એવું કરવામાં આવી રહ્યું છે કે, જેમાં ઇન્‍ટરનેશનલ ફલાઇટ માટે જરૂરી એવી તમામ સુવિધાઓ જેમ કે ઇમીગ્રેશન - કસ્‍ટમ્‍સ વગેરે ઉપલબ્‍ધ હશે. આ ઇમારતમાંથી જ ડોમેસ્‍ટીક ઉપરાંત ઇન્‍ટરનેશનલ એમ બંને ફલાઇટોનું સંચાલન થઇ શકશે.

એરપોર્ટ ઓથોરીટીના જણાવ્‍યા પ્રમાણે ઓકટોબરથી વિવિધ એરલાઇન્‍સ વિદેશી ફલાઇટો શરૂ કરે તેવી શક્‍યતા છે.

દરમિયાન રાજકોટ ખાતે ગ્રીન ફિલ્‍ડ ઈન્‍ટરનેશનલ એરપોર્ટ બનાવવા માટે ઓથોરીટી દ્વારા વર્ષ ૨૦૧૦માં મંજુરી આપવામાં આવેલ હતી. વર્ષ ૨૦૧૪ થી  વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીએ દેશની સુકાન સંભાળેલ ત્‍યારથી રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી દ્વારા કેન્‍દ્ર તથા રાજય સરકારના ઉડયનમંત્રીશ્રી-સંસદ સભ્‍યોને વારંવાર દિલ્‍હી તથા ગાંધીનગર રૂબરૂ મુલાકાતો લઈ મિટીંગો યોજી અનેકવાર ભારપુર્વક રજુઆતો કરી આ ઈન્‍ટરનેશનલ એરપોર્ટ પ્રોજેકટને તાત્‍કાલીકના ધો૨ણે શરૂ ક૨વા માટે અવિરત પ્રયાસો કરવામાં આવેલ હતા. જેના ફળસ્‍વરૂપે વર્ષ ૨૦૧૭માં માનનીય વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીજી દ્વારા રાજકોટ ઈન્‍ટરનેશનલ એરપોર્ટનું ખાત મુર્હત કરેલ હતું અને આ ગ્રીન ફિલ્‍ડ એરપોર્ટનું જુલાઈ ૨૦૨૩ માં લોકાર્પણ કરવામાં આવેલ. જે સરકારશ્રીનું સરાહનીય પગલું ગણાય અને રાજકોટ ચેમ્‍બર તેને આવકારે છે.

હાલ રાજકોટ ઈન્‍ટરનેશનલ એરપોર્ટ ખાતે નવું ટર્મીનલ આશરે ૨ મહિનામાં કાર્યરત થઈ જશે અને ૪ જેટલા એરોબ્રીજની સુવિધા પણ મળશે. આ એરપોર્ટના એપ્રેનની અંદર ૧૪ જેટલી ફલાઈટો પાર્કિંગ થઈ શકે તેમ છે. ત્‍યારે રાજકોટ સૌ રાષ્ટ્રનું પાટનગર હોય સૌરાષ્ટ્રવાસીઓના હિતને ધ્‍યાને લઈ તેમજ વેપા૨ ઉદ્યોગકારોને ધમધમતા કરવા અને વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીના પ ટ્રીલીયન ડોલર ઈકોનોમીને સાર્થક કરવા માટે રાજકોટ-દુબઈ, રાજકોટ-સીગાપુર-મલેશીયા જેવી ઈન્‍ટરનેશનલ ફલાઈટો તાત્‍કાલીકના ધો૨ણે શરૂ ક૨વા તેમજ આવી ઈન્‍ટરનેશનલ ફલાઈટો માટે કસ્‍ટમ્‍સ અને ઈમિગ્રેશનની સુવિધા પણ તાત્‍કાલીક ઉપલબ્‍ધ કરાવવા રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્‍ણવ દ્વારા કેન્‍દ્રીય ઉડયનમંત્રીશ્રી કિન્નજારપ્‍પુ રામમોહન નાઈડુજી, કેન્‍દ્રના રાજયકક્ષાના ઉડયનમંત્રી મુરલીધર મોહોલજી, સંસદ સભ્‍ય પરષોતમભાઈ રૂપાલાજી તથા ગુજરાત રાજયના ઉડયનમંત્રી બળવંતસિંહ રાજપુતજી સમક્ષ ગઈકાલ તા.૧૨ જુલાઈના ૨૦૨૪ ના રોજ લેખિત ઈ-મેઈલ મારફતે માંગણી કરવામાં આવેલ હતી. જેથી કરીને ઈન્‍ટરનેશનલ ફલાઈટો વ્‍હેલી તકે શરૂ થઈ શકે.

વધુમાં આ બાબતે પ્રમુખશ્રી વી.પી. વૈષ્‍ણવે સંસદ સભ્‍યશ્રી પરષોતમભાઈ રૂપાલાજી તથા એરપોર્ટ ડાયરેક્‍ટરશ્રી દિગંતા બોહરાજી સાથે પણ ટેલિફોનીક સઘન ચર્ચા કરેલ હતી જેના ફળસ્‍વરૂપે આગામી ઓકટોબર માસથી રાજકોટ હિરાસર ઈન્‍ટરનેશનલ એરપોર્ટથી ઈન્‍ટરનેશનલ ફલાઈટો શરૂ થઈ જશે. જે બદલ રાજકોટ ચેમ્‍બર કેન્‍દ્ર તથા રાજયના ઉડયનમંત્રીશ્રીઓ અને સંસદ સભ્‍યશ્રી પરષોતમભાઈ રૂપાલાજીનો આભાર વ્‍યકત કરે છે. તેમ રાજકોટ ચેમ્‍બરની અખબારી યાદીમાં જણાવેલ છે

(10:04 AM IST)