News of Sunday, 14th July 2024
વ્યાજખોરીની વધુ એક ફરિયાદ: મહાત્મા ગાંધી પ્લોટના રેખાબેન ખંડવીને વ્યાજ માટે ગાળો, ધમકી: મહિલા સહિત ત્રણ વિરૂધ્ધ બી ડિવિઝનમાં ગુનો

રાજકોટ: શહેરમાં વ્યાજખોરી અંગે ગુના દાખલ કરવાનો આરંભ થયા બાદ વધુ એક આવી ફરિયાદ નોંધાઇ છે.પારેવડી ચોક પાસે મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતા રેખાબેન મોહનભાઈ ખંડવી (ઉ.વ. ૫૨)એ મહિલા સહિત ત્રણ સામે વ્યાજખોરી અંગે બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ફરિયાદી રેખાબેન ચાંદી કામ કરે છે. તેમણે પોલીસને જણાવ્યું કે, તે પુત્રી ભાવિશા સાથે રહે છે પતિ સાથે ૨૦૦૧માં છૂટાછેડા થઇ ગયા છે. પુત્રી કારના શો રૂમમાં પ્રાઇવેટ નોકરી કરે છે. રેખાબેનને વડીલોપાર્જિત મકાન ટાઇટલ ક્લીયર કરાવવા માટે રૂા. ૩ લાખની જરૂર પડતા મીનાબેન ડાયાભાઈ સોલંકી નામની મહિલાએ વિનોદ નારણભાઈ રાઠોડ પાસેથી ૧૦ ટકા વ્યાજે લઇ આપ્યા હતા. બાદમાં તેણે ઝાંસીની રાણી અને ઉજ્જવલ યોજનાની રૂા.એક લાખની લોન મળી રૂા. ૨.૫૦ લાખ મીનાબેનને ચૂકવી દીધા હતા. જ્યારે બાકી રહેતા ૫૦ હજારના બદલે મીના, વિનોદ ઉપરાંત વિશાલ ભાણજીભાઇ પરમારે રૂા. ૪ લાખની માંગણી કરી ફોન ઉપર ગાળો આપી હતી. હાલ બી- ડીવીઝન પોલીસે મીના સોલંકી (રહે. મહાત્મા ગાંધી પ્લોટ, શેરી નં.૧), વિનોદ રાઠોડ (રહે. જયગીત સોસાયટી, મહાકાલેશ્વર મંદિર પાછળ, એરપોર્ટ ફાટક નજીક) અને વિશાલ પરમાર (રહે. તિલક પ્લોટ, મોચી બજાર) સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
(10:23 AM IST)










