<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

વેજાગામ વાજડીના જયદિપને ઢોકળીયા ગામે બે મામા, મામીએ ધોકા ફટકારી મોતને ઘાટ ઉતાર્યો

સગાની દિકરી સાથેના એકતરફી પ્રેમને કારણે ચાલતાં ડખ્‍ખામાં લોથ ઢળી : થોડા દિવસ પહેલા પણ તારે ગામમાં ન આવવું કહી માથાકુટ કરવામાં આવતાં અરજી થઇ હતીઃ ગઇકાલે સાંજે ઘરેથી નીકળ્‍યા બાદ રાતે તેની હત્‍યા થઇ ગયાના પરિવારજનોને વાવડ મળ્‍યાઃ યુવાન દિકરાની હત્‍યાથી મેરીયા પરિવારમાં ગમગીનીઃ પડધરી પોલીસે આરોપીઓને સકંજામાં લેવા તજવીજ આદરી

 

રાજકોટ તા. ૧૫: કાલાવડ રોડ પર આવેલા વેજાગામ વાજડીના જયદિપ હમીરભાઇ મેરીયા (ઉ.વ.૨૪) નામના યુવાનની પડધરીના ઢોકળીયા ગામે તેના બે સગા મામા અને મામીએ ધોકાના ઘા ફટકારી ઢીમ ઢાળી દેતાં ચકચાર મચી ગઇ છે. એકતરફી પ્રેમમાં પડેલા આ યુવાનને ગામમાં નહિ આવવાનું કહી થોડા દિવસ પહેલા ચેતવણી અપાઇ હતી અને માથાકુટ કરવામાં આવી હતી. ત્‍યારે સામ સામે અરજીઓ થઇ હતી. ગઇકાલે ફરીથી આ યુવાન ઢોકળીયા ગામે ગયો હતો અને તેની લોથ ઢળી ગઇ હતી. પોલીસે આરોપીઓને સકંજામાં લેવા તજવીજ આદરી છે.

જાણવા મળ્‍યા મુજબ જયદિપ મેરીયા ગત સાંજે ઘરેથી બાઇક લઇને હમણાં આવું કહીને નીકળ્‍યો હતો. ત્‍યારબાદ રાત્રીના સમયે તેના ફઇના દિકરાએ રાજકોટ જયદિપના ઘરે ફોન કરી જાણ કરી હતી કે જયદિપ પર  ઢોકળીયા ગામે હુમલો થયો છે અને તેનું મોત થઇ ગયું છે. આ સાંભળતા જ પિતા, ભાઇઓ સહિતના પરિવાજનો ઢોકળીયા ગામે દોડી ગયા હતાં. હત્‍યાના બનાવની જાણ થતાં પડધરી પીએસઆઇ ગજુભા ઝાલા અને રાઇટર યુવરાજસિંહ સહિતનો કાફલો પણ પહોંચ્‍યો હતો. પોલીસે પંચનામુ કરી મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો.

હત્‍યાનો ભોગ બનનાર જયદિપ ત્રણ ભાઇમાં મોટો અને અપરિણીત હતો. તે ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો હતો. તેના પિતાનું નામ હમીરભાઇ મનજીભાઇ મેરીયા તથા માતાનું નામ કાંતાબેન મેરીયા છે. યુવાન દિકરાની હત્‍યાથી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ જયદિપ ઢોકળીયા ગામે રહેતાં સગાની કોઇ દિકરીના એકતરફી પ્રેમમાં હતો. આ કારણે તેની સાથે પખવાડીયા પહેલા માથાકુટ કરવામાં આવી હતી અને ગામમાં આવવું નહિ તેવી ચેતવણી અપાઇ હતી. ત્‍યારે માથાકુટ અંગે સામ સામે આરજીઓ પણ થઇ હતી. ગઇકાલે રવિવારે તે સાંજના સમયે ફરીથી ઢોકળીયામાં ગયો હતો ત્‍યારે તેના પર ધોકાથી હુમલો થયો હતો. જેમાં તેનું ઘટના સ્‍થળે જ મોત થયું હતું.

જયદિપ પર તેના બે સગા મામા ગોવિંદભાઇ પ્રેમજીભાઇ મુછળીયા, પ્રવિણભાઇ પ્રેમજીભાઇ મુછળીયા અને મામીએ હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવતાં પોલીસે ત્રણેયને સકંજામાં લેવા તજવીજ કરી હતી. પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ બાદ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડની તજવીજ થશે.

(12:01 PM IST)