News of Monday, 15th July 2024
સવારથી રાજકોટ પુરવઠાના સસ્તા અનાજના દુકાનદાર ગોપાલ અમૃતિયાને ત્યાં દરોડાઃ તપાસનો ધમધમાટ સાંજ સુધીમાં સીઝર?!
રાજકોટની ખાનગી ચેનલના સ્ટીંગ ઓપરેશન બાદ... : સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ ભરેલી છકડો રીક્ષા ઝડપાઇઃ દુકાનદારે પુરવઠાના ત્રણ કર્મચારીને હપ્તા આપતો હોવાનું કબૂલતા સન્નાટો : પુરવઠાના ઝોનલ અધીકારી બ્રહ્માણી-ઇન્સ્પેકટર ઝાલા તથા કોમ્પ્યુટર ઓપરેટર રઇસનું ખોટી રીતે તપેલુ ચડાવી દેવાનો કારસોઃ કર્મચારીઓ DSO પાસે દોડી ગયાઃ વિસ્તૃત રજૂઆત

રાજકોટ કલેકટરની DSO ને ટકોરઃ મુખ્યમંત્રી તથા હું પોતે (કલેકટર) મીડીયાને મળતા હોય તો તમે કેમ દર સોમવાર-ગુરૂવારે ના પાડો છોઃ સસ્તા અનાજની દુકાનદારની બનેલી ઘટના અંગે DSO એ કોઇ નિવેદન નહીં આપતા કલેકટરે DSO ને ચેતવ્યાઃ તમે ભલે ફોન ન ઉપાડો પરંતુ પત્રકારોને મળવાની ના નહિં પાડો !!!
રાજકોટ તા. ૧પઃ રાજકોટની એક ખાનગી ચેનલે ગઇકાલે ગોકુલધામ વિસ્તારમાં સસ્તા અનાજના દુકાનદાર ગોપાલ અમૃતિયાની અનાજ ભરેલી છકડો રીક્ષા બારોબાર સગવડો થાય તે પહેલા એક સ્ટીંગ ઓપરેશન કરી કૌભાંડનો પર્દાફાશ કર્યા બાદ અને ચેનલ સાથેની વાતચીતમાં આ અનાજ કૌભાંડમાં દક્ષિણ મામલતદાર કચેરીના અને પુરવઠાના કર્મચારીઓ-અધીકારીઓ સામેલ હોવાનું, દુકાનદાર પોતે છેલ્લા ૧૦ વર્ષથી બારોબાર અનાજ વેંચતો હોવાનું અને પુરવઠાના ત્રણ કર્મચારી-અધીકારીના નામો આપતા અને દર મહિને હપ્તો આપતો હોવાનું ચેનલ સામે બોલતા મહેસુલના કર્મચારીઓ-પુરવઠાના કર્મચારીઓમાં મોટો હોબાળો મચી ગયો છે.
બીજી બાજુ ખાનગી ચેનલના પર્દાફાશ બાદ જીલ્લા પુરવઠા અધીકારીની સુચના બાદ આ સસ્તા અનાજના દુકાનદાર ગોપાલ અમૃતિયાને તયાં સવારથી ઇન્સ્પેકટરો ત્રાટકયા છે, અને ઘઉં-ચોખા-ખાંડ સહિતની ચીજ વસ્તુઓના સ્ટોક અંગે-વહેંચણી અંગે અને કાર્ડ હોલ્ડરોના નિવેદન લેવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, અને સાંજ સુધીમાં સીઝર સહિતની કામગીરી અંગે નિર્દેશ અપાયો છે, ઇન્સ્પેકટરો અમૃતિયા-પટેલ તથા અન્ય સ્ટાફ દોડી ગયો છે.
ઉપરોકત દુકાનદાર ગોપાલ અમૃતિયાએ પુરવઠાની ઝોન-૩ના ઝોનલ ઓફીસર બ્રહ્માણી, પુરવઠા ઇન્સ્પેકટર ઝાલા અને ઝોનલ-૩ના કોમ્પ્યુટર ઓપરેટર રઇસનું ખોટી રીતે તપેલું ચડાવી દેવાનો કારસો કરતા દેકારો મચી ગયો છે, આજે ઉપરોકત કર્મચારીઓ પોતે જાતે DSO પાસે દોડી ગયા હતા, અને કોઇની સંડોવણી નહીં હોવાની વિસ્તૃત રજુઆતો કરી હતી.
દરમિયાન DSO શ્રી રાજશ્રી વાંધવાણીને આજે પત્રકારો રૂબરૂ મળવાની કોશીશ કરતા તેમણે આ બાબતે કે અન્ય કોઇ સમાચાર બાબતે ના પાડી દેતા આ અંગે કલેકટર શ્રી પ્રભવ જોષીને પત્રકારોએ ફરિયાદ કરી હતી, કલેકટર પણ આખરી બનેલી ઘટના અંગે ચોંકી ઉઠયા હતા.
(2:50 PM IST)










